ગાંધીનગર
ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE), ગાંધીનગર ખાતે NSS સેલ દ્વારા “Budget Talk @ Campus – યુનિયન બજેટ 2026” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં કેન્દ્રીય બજેટ અંગે જાગૃતિ લાવવા તથા તેના સામાજિક-આર્થિક પ્રભાવોની સમજ વિકસાવવાનો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં સંસ્થાના માનનીય કુલપતિ ડૉ. મુકેશપટેલ, કુલસચિવ ડૉ. અનિલકુમાર વરસાત, ડાયરેક્ટર, સેન્ટર ઓફ એજ્યુકેશન પ્રોફ. પ્રેરણાશેલત, મુખ્ય વક્તા ડૉ. ધવલનકુમ, કેન્દ્રીય BUDGET TALK@CAMPUS પહેલ અંતર્ગત ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ હરેશ ચૌધરી તેમજ યુનિવર્સિટી NSS સંયોજક ડૉ. દર્શના લીખડા હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં માનનીય કુલપતિએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થી માટે બજેટની સમજ અનિવાર્ય છે, કારણ કે બજેટ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નથી, પરંતુ દેશના વિકાસની દિશા નક્કી કરતું મહત્વપૂર્ણ સાધન છે.
મુખ્ય વક્તા ડૉ. ધવલ નાકૂમે પોતાના વ્યાખ્યાનમાં સમજાવ્યું કે યુનિયન બજેટ સામાન્ય વ્યક્તિના દૈનિક જીવનને કેવી રીતે અસર કરે છે — દિવસની શરૂઆતથી લઈને દિવસના અંત સુધીની જરૂરિયાતો, ખર્ચ, કર વ્યવસ્થા અને સુવિધાઓ સુધી બજેટનો સીધો સંબંધ છે. તેમણે સરળ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને બજેટની વ્યાપક અસર સમજાવી.કાર્યક્રમના અંતમાં શ્રી હરેશભાઈ ચૌધરીએ સંક્ષિપ્ત રીતે ઓરેન્જ ઇકોનોમી અને મેડિકલ ટુરિઝમ જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો તથા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને રાષ્ટ્રીય વિકાસપ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનવા પ્રેરિત કર્યા.
આ સમગ્ર કાર્યક્રમ જ્ઞાનવર્ધક અને વિચારપ્રેરક સાબિત થયો. “Budget Talk @ Campus – યુનિયન બજેટ 2026” દ્વારા વિદ્યાર્થીઓમાં નાણાકીય જાગૃતિ અને જવાબદાર નાગરિકત્વ અંગે નવી દૃષ્ટિ વિકસિત થઈ.
