ભારતના પાંચ વિકેટે 255 રનના જવાબમાં ન્યૂઝિલેન્ડની ઈનિંગ્સ 19 ઓવરમાં 159 રનમાં સમેટાઈ

અમદાવાદ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારતીય ક્રિકેટ ટીમે ઈતિહાસ દોહરાવતા ન્યૂઝિલેન્ડને 96 રને હરાવીને ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ન્યૂઝિલેન્ડના સુકાનીએ ભારતને બેટિંગમાં ઊતાર્યા બાદ સંજુ સેમશન (89), અભિષેક શર્મા (52 અને ઈશાન કિશન (54)ની અડધી સદીઓની મદદથી પાંચ વિકેટે 255 રનનો જંગી સ્કોર ઊભો કર્યો હતો જેના જવાબમાં ન્યૂઝિલેન્ડની ટીમ 19 ઓવરમાં 159 રન બનાવી શકી હતી. ભારત છેલ્લા 2024ના ટી20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. પ્રથમ વખત યજમાન ટીમ ચેમ્પિયન બની છે.
ભારતના 256 રનના પડકારનો સામનો કરતા ન્યૂઝિલેન્ડની ટીમે અર્શદીપની પહેલી ઓવરમાં માત્ર ચાર રન બનાવ્યા હતા. જોકે શિવમ દુબેએ ચોથા બાલે મિડઓફ પર એલનનો આસાન કેચ પડતો મૂક્યો હતો. હાર્દિક પંડ્યાએ સામે સીફર્ટે બે શાનદાર સિક્સર અને બે બાઉન્ડ્રી ફટકારીને ટીમના વિજયના નિર્ધારને વ્યક્ત કર્યો હતો. હાર્દિકે તેની પહેલી ઓવરમાં 21 રન આપી દીધા હતા. જોકે અક્ષર પટેલ એલનને વધુ ટકવા દીધો નહતો અને તેની પહેલી જ ઓવરના ચોથા બોલ પર એલનને તિલક વર્માના હાથમાં ઝિલાવી દીધો હતો જ્યારે હાર્દિકના સ્થાને બોલિંગમાં આવેલા જસપ્રિત બુમરાહે તેના પહેલા જ બોલે રચીન રવિન્દ્રને એક રને ઈશાન કિશનના હાથમાં આબાદ ઝિલાવ્યો હતો. કીવી ટીમે તેની બીજી વિકેટ 32 રનના સ્કોર પર ગુમાવી હતી. અક્ષર પટેલે તેની બીજી ઓવરના ચોથા બોલે ગ્લેન ફિલિપ્સને પાંચ રને બોલ્ડ કર્યો હતો. પાંચ ઓવરના અંતે કીવીએ 47 રનમાં તેની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂઝિલેન્ડે 5.5 ઓવરમાં તેના 50 રન પૂરા કરી દીધા હતા. પાવર પ્લેમાં કીવી ટીમે ત્રણ વિકેટના ભોગે 52 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ માર્ક ચેપમેનને માત્ર ત્રણ રને બોલ્ડ કરીને મેચને લગભગ ભારત તરફે કરી દીધી હતી. કીવી ટીમે તેની ચોતી વિકેટ માત્ર 70 રનના સ્કોર પર ગુમાવી હતી. ઈશાન કિશને શાનદાર કેચ ઝડપીને ન્યૂઝિલેન્ડની લડતની એકમાત્ર આશા પર પાણી ફેરવી દીધું હતું. ટીમ સેઈફર્ટ વરૂણ ચક્રવર્તીના બોલે 26 બોલમાં બે બાઉન્ડ્રી પાંચ સિક્સર સાથે 52 રન બનાવીને આઉટ થયો હતો. કીવીએ તેના 100 રન 10.3 ઓવરમાં પૂરા કરી લીધા હતા. સુકાની સેન્ટનર અને મિચેલે છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 25 બોલમાં 50 રન બનાવી લીધા હતા. જોકે આ ભાગીદારી અક્ષર પટેલે મિચેલને મિડવિકેટ પર ઈશાનના હાથમાં 17 રને ઝિલાવી દીધો હતો. મિચેલે નવ બોલમાં બે સિક્સર ફટકારી હતી. બુમરાહે જેમ્સ નીશામને આઠ રને બોલ્ડ કર્યો હતો. તેણે પછીના બોલે મેટ હેનરીને શૂન્ય રને બોલ્ડ કર્યો હતો.સુકાની સેન્ટનરને પણ બુમરાહે બોલ્ડ કરતા કીવી ટીમે તેની નવમી વિકેટ 152 રનમાં ગુમાવી હતી. સેન્ટનરે 35 બોલમાં 6ણ બાઉન્ડ્રી બે સિક્સર સાથે 43 રન બનાવ્યા હતા. બુમરાહે તેની ચાર ઓવરમાં 15 રન આપીને ચાર વિકેટ લીધી હતી. અભિષેખ શર્માએ ડફીને તિલક વર્માના હાથમાં ત્રણ રને ઝિલાવીને ન્યૂઝિલેન્ડની ઈનિંગ્સનો અંત આણતા ભારતનો
અગાઉ ન્યૂઝિલેન્ડના સુકાની મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈનફોર્મ બેટસમેન સંજુ સેમશને સ્ટ્રાઈક લીધી હતી જ્યારે સામા છેડે સતત નિષ્ફળ રહેલો અભિષેક શર્મા હતો. ભારતે ચોથી ઓવરના અંતે 50 રન પૂરા કરી લીધા હતા. આ સમયે સંજુના 24 અને અભિષેકના 23 રન હતા.અભિષેક શર્માએ માત્ર 18 બોલમાં 51 રન બનાવી તેનું ફોર્મ પુછું મેળવ્યું હતું. તેણે છ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સ ફટકારી હતી. ભારતે પાવરપ્લેમાં વિના વિકેટે 92 રનનો જંગી સ્કોર કર્યો હતો. આ સમયે સંજુના 17 બોલમાં બે બાઉન્ડ્રી એક સિક્સર સાથે 33 રન હતા. રવીન્દ્ર રચીને અભિષેકને વિકેટકીપર ટીમ સિફર્ટના હાથમાં ઝિલાવી 98 રનની ભાગીદારીના તોડી હતી. અભિષેક 21 બોલમાં છ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર સાથે 52 રન બનાવ્યા હતા. અભિષેકના સ્થાને ઈશાન કિશન સંજુ સાથે જોડાયો હતો. ભારતે 10 ઓવરમાં ઈંગ્લેન્ડ સામેની મેચના 254 રનના અડધા 127 રન બનાવી લીધા હતા. સંજુ સેમશને 33 બોલમાં ચાર બાઉન્ડ્રી ત્રણ સિક્સર સાથે તેના 50 રન પુરા કર્યા હતા.બીજી વિકેટની ભાગીદારીમાં સંજુએ ઈશાન સાથે મળીને 50 રનની ભાગીદારી 25 બોલમાં કરી હતી. ભારતે માત્ર 11.3 ઓવર 69 બોલમાં 150 રન બનાવી લીધા હતા અને માત્ર એક વિકેટ ગુમાવી હતી. ઈશાન કિશને તેના 50 રન 23 બોલમાં 3 બાઉન્ડ્રી 4 સિક્સર સાથે પૂરા કર્યા હતા.ભારતના 200 રન 15મી ઓવરમાં જ પૂરા થઈ ગયા હતા. ભારતે તેની બીજી વિકેટ સંજૂ સેમશનના રૂપે 203 રનના કુલ સ્કોર પર ગુમાવી હતી. સંજુ ફરી એક વખત સદી ચૂક્યો હતો. તેણે 46 બોલમાં પાંચ બાઉન્ડ્રી અને આઠ સિક્સર સાથે 89 રન ઝૂડી કાઢ્યા હતા. તેને નીશામે લોંગઓન પર સબસ્ટિટ્યૂટ મેકોન્ઝીના હાથમાં ઝિલાવ્યો હતો.
ભારતે ઈશા કિશનના રૂપે તેની ત્રીજી વિકેટ 204 રનના સ્કોરે ગુમાવી હતી. કિશનને નીશામે ચેપમેનના હાથમાં ઝિલાવ્યો હતો. કિશને 216ની સરેરાશ સાથે 25 બોલમાં ચાર બાઉન્ડ્રી અને ચાર સિક્સર સાથે 54 રન કર્યા હતા જ્યારે સુકાની સુર્યકુમાર યાદવ પણ નીશામનો શિકાર બન્યો હતો. સુર્યકુમાર ખાતું ખોલાવ્યા વગર રવીન્દ્રના હાથમાં ઝિલાઈ ગયો હતો. ભારતને ખૂબજ સારી શરૂઆત બાદ પાછળના બેટસમેન આ દબદબો જાળવી શક્યા નહતા અને ટીમે હાર્દિક પંડ્યા 13 બોલમાં એક બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 18 રન બનાવીને હેનરીના બોલ પર સેન્ટરને કેચ આપી બેઠો હતો. ભારતે 19મી ઓવરના બીજા બોલે 226 રનના કુલ સ્કોર પર તેની પાંચમી વિકેટ ગુમાવી હતી. જોકે શિવમ દુબેએ માત્ર આઠ બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે 26 રન ફટકારીને ટીમના સ્કોરને પોંચ વિકેટે 255 રન પર પહોંચાડ્યો હતો.
