ચૂંટણીના પરિણામ 11 જુલાઇએ આવશે, બંગાળમાં કેન્દ્રીય દળોની 485 કંપનીઓ તૈનાત,. હિંસા રોકવા આ કંપનીઓના 65,000 જવાન હાજર છતાં ઠેર-ઠેર હિંસા

કોલકાતા
આજે પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણીમાં હિંસાની આશંકા વચ્ચે ભારે સંખ્યામાં સુરક્ષાદળને તૈનાત કરવામાં આવ્યા છે. તેમ છતા અલગ અલગ જગ્યાએ હિંસક અથડામણની ઘટનાઓ સામે આવી છે જેમાં 14 લોકોના મોત થયા છે.
કૂચબિહારમાં એક પોલિંગ બૂથમાં તોડફોડ અને બેલેટ પેપરને આગ લગાડવાની ઘટના સામે આવી છે. રાજ્ય ચૂંટણી પંચ અનુસાર, 22 જિલ્લાની 63,229 ગ્રામ પંચાયત બેઠક, પંચાયત સમિતીની 9,730 બેઠક અને જિલ્લા પરિષદની 928 બેઠકો પર ચૂંટણીના ઉમેદવારોનું નસીબ દાવ પર છે. ચૂંટણીના પરિણામ 11 જુલાઇએ આવશે.
બંગાળમાં પંચાયત ચૂંટણી માટે વોટિંગ દરમિયાન કૂચબિહારના સીતાઇમાં બારાવિટા પ્રાઇમરી સ્કૂલમાં મતદાન કેન્દ્રમાં તોડફોડ કરવામાં આવી હતી અને બેલેટ પેપરમાં આગ લગાવવામાં આવી છે. બીજી તરફ પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં કૂચબિહારમાં એક શખ્સ બેલેટ બોક્સ લઇને ભાગી ગયો હતો. વોટોની ચોરીનો આ વીડિયો પોલીસ-તંત્ર અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા કરે છે.
પશ્ચિમ બંગાળમાં આજે ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણી માટે મતદાન થયું છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા બંગાળ પંચાયતની ચૂંટણીને રાજ્યમાં લિટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવી રહી છે. આ ચૂંટણીઓમાં, જિલ્લા પંચાયતો, પંચાયત સમિતિઓ અને ગ્રામ પંચાયતોની લગભગ 74,000 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં પંચાયતની ચૂંટણી માટે મતદારોની સંખ્યા લગભગ 5.67 કરોડ છે. મતદાનના દિવસે પણ હિંસાનો સિલસિલો યથાવત છે.
મળતી માહિતી મુજબ ઉત્તર 24 પરગણાના બાસુદેબપુરમાં મતદાન મથક પર જતા સમયે રાજ્યપાલ સીવી આનંદ બોઝને સીપીઆઈએમના કેટલાક ઉમેદવારોએ રોક્યા જેમણે તેમને તેમની સમસ્યા જણાવી. ગવર્નરે અટકીને તેમની વાત સાંભળી હતી.
પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી પહેલા અથડામણમાં વધુ 7 રાજકીય કાર્યકરોના મોત થયા છે. કૂચબિહારના તુફનગંજમાં મોડી રાત્રે ટીએમસી કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. ટીએમસીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે. આ પછી કૂચ બિહારમાં જ બીજેપી કાર્યકર માધવ વિશ્વાસની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે જ સમયે, મુર્શિદાબાદના બેલડાંગામાં ટીએમસી સમર્થકની હત્યા કરવામાં આવી હતી. મુર્શિદાબાદના ખારગ્રામમાં ટીએમસી કાર્યકર સબીરુદ્દીનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સબીરુદ્દીન પર કોંગ્રેસ કાર્યકરની હત્યાનો પણ આરોપ હતો. ઉત્તર ચોવીસ પરગણામાં એક અપક્ષ ઉમેદવારના સમર્થકની હત્યા કરવામાં આવી હતી. સીપીએમ કાર્યકર રેબીના બીબીને ગોળી વાગ્યા બાદ મુર્શિદાબાદ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું પણ મોત થયું હતું. ઉત્તર બંગાળના દિનહાટામાં કોંગ્રેસના એક સમર્થકને ગોળી મારી દેવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. મતદાન પહેલા ભાજપે ટીએમસી પર બૂથ કબજે કરવાનો આરોપ લગાવ્યો હતો.
મુર્શિદાબાદના હુલાશપુરમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. વિસ્ફોટમાં કોંગ્રેસના બે કાર્યકરો ઘાયલ થયા હતા. આરોપ છે કે વોટ કરવા જતાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. બંને ઘાયલ કોંગ્રેસના કાર્યકરોને લાલબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
કૂચબિહારના સીતાઈમાં બારવિતા પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્રમાં તોડફોડ કરવામાં આવી અને બેલેટ પેપરને આગ લગાવવામાં આવી હોવાના સમાચાર છે.
મતદાનના એક દિવસ પહેલા, શુક્રવારે સવારે મુર્શિદાબાદ જિલ્લાના રાણીનગર બ્લોકમાં શાસક ટીએમસી સાથે જોડાયેલા લોકો દ્વારા કોંગ્રેસના કાર્યકર પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે કોંગ્રેસના કાર્યકરનું મોત નીપજ્યું હતું. રાજ્યપાલ સીવી આનંદ બોઝ હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા પહોંચ્યા તેના કલાકો પહેલા આ ઘટના બની હતી.
બંગાળમાં કેન્દ્રીય દળોની 485 કંપનીઓ તૈનાત છે. હિંસા રોકવા માટે આ કંપનીઓના 65,000 જવાન તૈનાત કરવામાં આવ્યા છે. છતાં હિંસા પર નિયંત્રણ મેળવી શકાયું નથી.