અમદાવાદ

ગુજરાત ગેસ લિમિટેડે (મોરબીમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ના અધિકૃત સપ્લાયર) તાજેતરના ભૂ-રાજકીય વિક્ષેપોની વચ્ચે અવિરત ગેસ પુરવઠો અને ભાવોની સ્થિરતા સુનિશ્ચિત કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર મજબૂત રીતે સાબિત કરી છે.
ગુજરાત ગેસ દ્વારા મોરબી સિરામિક વિસ્તારની ગેસની જરૂરિયાતને સંપૂર્ણત: પૂરી કરી શકે એ માટે વ્યાપક ગેસ નેટવર્ક ઉભું કર્યું છે. તાજેતરના ભૂ-રાજકીય સંકટ દરમિયાન, કંપનીએ અવિરત પુરવઠો જાળવવા માટે, મધ્ય પૂર્વ સિવાયના બજારોમાંથી બજાર ભાવે ગેસની ખરીદી કરી હતી અને ભારત સરકારના નિર્દેશો અનુસાર ગેસનો પુરવઠો અવિરત ચાલુ રાખ્યો હતો.
આ સંકટના પરિણામે કાચા માલના ખર્ચમાં વધારો, પ્રોપેનના ઔદ્યોગિક ઉપયોગ પર મૂકવવામાં આવેલ કાપ અને વધેલા પરિવહન ખર્ચને કારણે મોરબીના અનેક સિરામિક એકમોએ માર્ચ 2026ના બીજા પખવાડિયાથી સ્વૈચ્છિક રીતે કામગીરી બંધ કરી દીધી હતી, જેના કારણે 2 લાખથી વધુ કામદારોની રોજીરોટી પર અસર પડી હતી.
આ પરિસ્થિતિમાં, ગુજરાત ગેસનું મુખ્ય ધ્યેય ઉદ્યોગોને તેમની જરૂરિયાત મુજબ ગેસનો પુરવઠો, સ્પર્ધાત્મક પરંતુ સ્થિર ભાવે ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા પર હતુ. ગુજરાત ગેસની સ્થાનિક તેમજ કોર્પોરેટ ટીમોએ મોરબીના સિરામિક એસોસિએશન સહિતના ઉદ્યોગકારો સાથે વ્યાપક રીતે સંકલન કરીને ઉદ્યોગોની કામગીરી ફરી શરૂ થાય એ માટે સહાય કરી.
આ સંયુક્ત અને સકારાત્મક પ્રયાસોના પરિણામો હવે દેખાવા લાગ્યા છે, અને એપ્રિલ 2026 દરમિયાન મોરબીમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ ધીમે ધીમે પુનઃ શરૂ થઈ રહી છે. માર્ચ 31ની તારીખે ગેસનો દૈનિક વપરાશ 3.6 લાખ ક્યુબિક મીટર હતો (83 વપરાશકર્તા ગ્રાહકો) જે વધીને અત્યારે દૈનિક 27 લાખ ક્યુબિક મીટર (290 વપરાશકર્તા ગ્રાહકો) સુધી પહોચ્યો છે. જે નીચેના ગ્રાફ પરથી સ્પષ્ટ થાય છે.
ગુજરાત ગેસે, ગેસની ઉપલબ્ધતા, ભાવ અને ગ્રાહકોની જરૂરિયાત જેવા મુદ્દાઓ બાબતે ઉદ્યોગની ચિંતાઓનું અસરકારક નિરાકરણ કર્યું છે અને સિરામિક એકમો સાથે ગેસ સેલ્સ એગ્રીમેન્ટ્સ સાઇન કર્યા છે. પરિણામે કાર્યરત એકમો હાલના અંદાજે 270થી વધીને મે 2026 સુધીમાં લગભગ 675 થી 700 સુધી પહોંચવાની શક્યતા છે જેનો કુલ વપરાશ દૈનિક 60-70 લાખ ક્યુબિક મીટર સુધી રહેવાનો અંદાજ છે.
ગુજરાત ગેસ દ્વારા વૈવિધ્યપૂર્ણ સોર્સિંગ વ્યૂહરચનાને લીધે મે-2026ના મહિના માટે અવિરત ગેસ પુરવઠા અને ભાવોની ખાતરી આપવામાં આવી છે જેના પરિણામે ઉદ્યોગોમાં વિશ્વાસ વધ્યો છે અને સમગ્ર ક્લસ્ટરમાં ઉત્પાદન પુનઃ શરૂ થવા માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓના પુનઃપ્રારંભથી અસરગ્રસ્ત થયેલા લગભગ 2 લાખ કામદારોને ફરી રોજગારના અવસર મળશે
તદુપરાંત, ઉદ્યોગોની આનુસંગિક સુવિધાઓને મજબૂત બનાવવા માટે ગુજરાત ગેસ કર્મચારીઓ માટેની કેન્ટીન સુવિધાઓમાં PNG કનેક્શન સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે પણ સહાય કરી રહ્યું છે, જે સમગ્ર ઉદ્યોગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે.
ગુજરાત ગેસ મોરબી સિરામિક ઉદ્યોગને આ પડકારજનક પરિસ્થિતિમાં સંપૂર્ણ સહકાર આપવાની તેની પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરે છે. સંયુક્ત પ્રયત્નો અને પરસ્પર સહકાર દ્વારા અમે આ પડકારોને પાર કરી ભવિષ્યના વિકાસ તરફ આગળ વધવા માટેનો વિશ્વાસ વ્યકત કરીએ છીએ.
