અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે નિર્દેશક ઓમ રાઉત, નિર્માતા ભૂષણ કુમાર અને ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરને સમન્સ પાઠવ્યા
નવી દિલ્હી
ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘આદિપુરુષ’ને થિયેટરોમાં રિલીઝ થયાને 22 દિવસ વીતી ગયા છે. પરંતુ ફિલ્મને લઈને કરવામાં આવેલા તમામ દાવા રિલીઝ થયા બાદ નિષ્ફળ ગયા હતા. ‘આદિપુરુષ’માં ભગવાન હનુમાનના કેટલાક ડાયલોગ એવી રીતે બોલવામાં આવ્યા છે કે તેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
ત્રેતાયુગની કથાને જે રીતે અને જે ભાષામાં બતાવવામાં આવી છે તે લોકોને પસંદ નથી આવી. આ જ કારણ છે કે ફિલ્મનો આંકડો દરરોજ ઘટી રહ્યો છે. આ દરમિયાન હવે ‘આદિપુરુષ’ના ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરના શૂર બદલાતા નજર આવી રહ્યા છે. અત્યાર સુધી પોતાના બચાવમાં બોલનાર મનોજ મુંતશિરે માફી માંગી છે. શનિવારે તેણે ટ્વિટર પર હાથ જોડીને બધાની માફી માંગી હતી. તેણે કબુલ કર્યું હતું કે આ ફિલ્મથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
તેણે ટ્વીટ કર્યું કે, ‘હું સ્વીકારું છું કે, આદિપુરુષ ફિલ્મથી જનતાની ભાવનાઓને ઠેસ પહોંચી છે. મારા તમામ ભાઈઓ અને બહેનો, વડીલો, આદરણીય ઋષિઓ અને શ્રી રામના ભક્તોની હું હાથ જોડીને બિનશરતી માફી માંગુ છું. ભગવાન બજરંગ બલી આપણા બધા પર કૃપા કરે તથા આપણને એક અને અતૂટ રહેવાની અને આપણા પવિત્ર શાશ્વત અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે!’
‘આદિપુરુષ’નો વિવાદ કોર્ટમાં પહોંચ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે નિર્દેશક ઓમ રાઉત, નિર્માતા ભૂષણ કુમાર અને ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરને સમન્સ પાઠવ્યા છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ફિલ્મમાં હિંદુ દેવી-દેવતાઓને જે હાસ્યજનક રીતે દર્શાવવામાં આવ્યા છે. ત્રણેયને આ મામલાની આગામી સુનાવણી માટે 27 જુલાઈના રોજ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.