રાજધાનીના દરેક મેટ્રો સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી

લખનૌ
રાજધાની લખનૌના મેટ્રો સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારબાદ રાજધાનીના દરેક મેટ્રો સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મેટ્રો સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપતી આ માહિતી પોલીસ કંટ્રોલ રૂમ 112 પર મળી છે. આ માહિતી મળતાં જ પોલીસે ચારબાગથી હઝરતગંજ સુધી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે.
શુક્રવારે લખનૌના પોલીસ કંટ્રોલ રૂમ 112ને મેટ્રો સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ફોન કરનારે હઝરતગંજ મેટ્રો સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. લખનૌ પોલીસે આ અંગે માહિતી આપી છે. ફોન કરનારે બોમ્બ બ્લાસ્ટની માહિતી આપ્યા બાદ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. મેટ્રો સ્ટેશનો પર સઘન પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.
ધમકી મળતા જ કેટલાક મેટ્રો સ્ટેશનો પર બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મેટ્રો સ્ટેશનો પર ડોગ સ્કવોડ સહિત ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે. રાત્રે 10:00 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભરી સૂચના મળી હતી. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે સ્ટેશન પર બોમ્બ રાખવામાં આવ્યો છે અને રાત્રે 11:40 વાગ્યે બ્લાસ્ટ થશે. આ વાતની જાણ થતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.
આ માહિતી મળતા જ એસીપી હઝરતગંજ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે અનેક ઈન્સ્પેક્ટર લખનૌના હઝરતગંજ મેટ્રો સ્ટેશન પર પહોંચ્યા હતા. સૂત્રોનું માનીએ તો ધમકી મળ્યા બાદ પોલીસે રાત્રે લગભગ 12:00 વાગ્યા સુધી મેટ્રો સ્ટેશનો પર સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ ઉપરાંત ચુસ્ત સુરક્ષા સાથે ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચારબાગ મેટ્રો સ્ટેશન પર પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ મામલે હઝરતગંજના એસીપી અરવિંદ કુમાર વર્માએ જણાવ્યું કે, હજરતગંજ મેટ્રો સ્ટેશનને ઉડાવી દેવા માટે ગઈકાલે રાત્રે પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ રમેશ શુક્લા હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે સ્ટેશનને ઉડાવી દેવાની યોજના બનાવવામાં આવી છે. આખા મેટ્રો સ્ટેશનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ મોડી રાત સુધી પોલીસને કોઈ બોમ્બ નથી મળ્યો. હજુ પણ તપાસ ચાલું છે.
