શિક્ષાથી બાળભિક્ષા મુક્તિ અભિયાન, શ્રી શક્તિ સેવા કેન્દ્રનો સમાજમાં નોંધપાત્ર પરિવર્તનનો પ્રયાસ

Spread the love

શ્રી શક્તિ સેવા કેન્દ્ર 1 મેથી બાળ ભિક્ષાવૃત્તિની સામે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરશે

અમદાવાદ

અંબાજીમાં વંચિત બાળકોના કલ્યાણ માટે કાર્યરત સામાજિક સંસ્થા શ્રી શક્તિ સેવા કેન્દ્રએ 1 મેથી ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે બાળ ભિક્ષા મુક્ત ગુજરાત નામનું રાજ્યવ્યાપી જાગૃરતા અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય માત્ર સહાનુભૂતિ સુધી સીમિત ન રહેતાં સમાજમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાનો છે, જેમાં ભિક્ષાવૃત્તિમાં સામેલ બાળકો માટે શિક્ષણ અને પુનર્વાસ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ અભિયાનની જાહેરાત ગુરૂવારે અમદાવાદમાં વૈષ્ણો દેવી સર્કલ સ્થિત શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટરમાં કરાઇ હતી. આ અભિયાનનો મુખ્ય સંદેશ એ છે કે પ્રત્યેક બાળકને રોડ નહીં, પરંતુ ક્લાસરૂમ મળવા જોઇએ.

રાજ્યના 66મા સ્થાપના દિવસે 66 અગ્રણીઓ વીડિયો મેસેજ શેર કરશે

ગુજરાતના 66માં સ્થાપના દિવસે આ અભિયન અંતર્ગત 66 અગ્રણીઓ કે જેમાં પ્રોફેશનલ્સ, ઉદ્યોગપતિ અને સાર્વજનિક જીવન સાથે જોડાયેલા લોકો છે, તેમના 20-30 સેકંડના વિડિયો મેસેજ શેર કરાશે. આ મેસેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા રજૂ કરાશે, જેના દ્વારા જનતાને આ પહેલને ટેકો આપવા તથા સકારાત્મક પરિવર્તનનો હિસ્સો બનવા આહ્વાન કરાશે.

સંસ્થાના સંસ્થાપક ઉષા અગ્રવાલે જણાવ્યું હતું કે, આ અમારા માટે એક આધ્યાત્મિક સફર છે. અમે થોડાં બાળકોને મદદ કરવાના એક નાના પ્રયાસથી અમારી પહેલ શરૂ કરી હતી, જે આજે ઘણાં બાળકોને સ્પર્શ કરતું અભિયાન બની ગયું છે. આ વર્ષો દરમિયાન અમે એવાં બાળકોને પણ જોયા છે કે જેઓ રોડ ઉપર ભિખ માગતા હતાં, પરંતુ આજે ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યાં છે તેમજ સફળ પ્રોફેશનલ અને ખેલાડી બન્યાં છે. આ ઉદાહરણ દર્શાવે છે કે જો સમાજ આગળ આવીને જવાબદારી ઉઠાવશે તો પરિવર્તન લાવવું શક્ય છે.

દોઢ દાયકામાં 200થી વધુ બાળકોને શિક્ષિત કર્યા

શ્રી શક્તિ સેવા કેન્દ્ર વર્ષ 2011થી અંબાજીમાં કાર્યરત છે અને સંસ્થાએ અત્યાર સુધીમાં 200થી વધુ બાળકોને આશ્રય, પોષણ અને શિક્ષણ પ્રદાન કર્યું છે. એક નાના પ્રયાસરૂપે શરૂ થયેલી આ પહેલ હવે એક મજબૂત અને સુઆયોજિત વ્યવસ્થામાં વિકસિત થઇ છે, જે બાળકોમાં આત્મવિશ્વાસ અને આકાંક્ષાઓને વિકસિત કરે છે.

આદિવાસીઓનું બેગપાઇપર બેન્ડ

સંસ્થાની એક મહત્વપૂર્ણ પહેલ હેઠળ ગુજરાતની પ્રથમ આદિવાસી કન્યાઓનું બેગપાઇપર બેન્ડની રચના થઇ છે, જેમાં એવા બાળકો સામેલ છે કે જેઓ એક સમયે ભિક્ષાવૃત્તિમાં સામેલ હતાં. આ બેન્ડે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ સમક્ષ પ્રસ્તુતિ કરી છે, જે જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનનું પ્રતિક છે.

મહિલાઓને આત્મનિર્ભર બનાવ્યા

બાળકોના ઉત્કર્ષ માટે કામ કરવાની સાથે-સાથે સંસ્થાએ મહિલા સશક્તિકરણ ઉપર પણ વિશેષ ધ્યાન આપ્યું છે અને 350થી વધુ મહિલાઓને સિલાઇ, દીવા અને અગરબત્તી બનાવવા જેવાં કૌશલ્યોના માધ્યમથી આત્મનિર્ભર બનાવ્યાં છે. મહિલાઓને પણ સશક્ત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. સંસ્થા થરાદમાં એક નવું પ્રશિક્ષણ કેન્દ્ર સ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *