વલસાડના ગામડાના યુવાન રાહુલ જાખરે એશિયન યુ-20 ડેકેથલોનમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

Spread the love

વાપીના મેદાનથી એશિયાના પોડિયમ સુધીની સફર: વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો

વાપી

ગુજરાતના વલસાડ જિલ્લાના ચરવાડા ગામના 18 વર્ષીય રાહુલ જાખરે હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 (અન્ડર 20) એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકેથલોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. રાહુલે દસ ઇવેન્ટની આ કઠિન સ્પર્ધામાં કુલ 7,185 પોઈન્ટ મેળવી ખિતાબ પોતાના નામે કર્યો અને સાથે જ અંડર-20 વર્ગમાં ભારતનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો. આ પ્રદર્શન સાથે રાહુલ એશિયાનાં શ્રેષ્ઠ યુ-20 ડેકાથલિટ બન્યો છે અને વૈશ્વિક ક્રમમાં પણ ટોચના આઠ ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે.

કોમનવેલ્થ-ઓલિમ્પિક્સ પર નજર

મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના રહેવાસી અને 30 વર્ષ પહેલા વલસાડ જિલ્લાનાં વાપીમાં આવી સ્થાયી થઈ બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા પરિવારના પુત્ર રાહુલે હોંગકોંગથી ફોન પર વાત કરતાં રાહુલે જણાવ્યું, “મારી સમગ્ર સફરમાં મને માર્ગદર્શન અને સહયોગ આપનારા મારા તમામ કોચનો હું આભારી છું. ગુજરાત સરકારે ખેલાડીઓને ઉત્તમ સુવિધાઓ અને તકો પૂરી પાડી છે. હવે મારું સ્વપ્ન કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે અને તે માટે હું સતત મહેનત કરતો રહીશ.”

સૌથી કઠિન સ્પર્ધા

રાહુલની સિદ્ધિનું મહત્વ સમજાવતા તેમના એક્સપર્ટ એથ્લેટિક કોચ શિવમ ઉપાધ્યાયે જણાવ્યું કે, ડેકેથલોન એ એથ્લેટિક્સની સૌથી કઠિન સ્પર્ધાઓમાંની એક માનવામાં આવે છે, જેમાં ખેલાડીએ 100 મીટર દોડ, લાંબી કૂદ, શોટપુટ, ઊંચી કૂદ, 400 મીટર દોડ, 110 મીટર હર્ડલ્સ, ડિસ્કસ થ્રો, પોલ વોલ્ટ, જેવલિન થ્રો અને 1,500 મીટર દોડ સહિત કુલ દસ ઇવેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડે છે.

નડિયાદના હાઈ-પરફોર્મન્સ સેન્ટરમાં તાલીમ

તાજેતરમાં ધોરણ 11ની પરીક્ષા પાસ કરનાર રાહુલ હાલમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના નડિયાદ સ્થિત હાઈ-પરફોર્મન્સ સેન્ટર  ખાતે તાલીમ લઈ રહ્યો છે, જ્યાં તેને અદ્યતન કોચિંગનો સહયોગ મળે છે.

 હર્ષ સંઘવીએ રાહુલને અભિનંદન પાઠવ્યા

નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ રાહુલને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે રાહુલની મહેનત અને રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે કરાયેલા રોકાણના પરિણામે આવી પ્રતિભાઓ વિકસી રહી છે. ગુજરાતે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે મજબૂત રમતગમત માળખું અને વિશ્વસ્તરીય સુવિધાઓ ઊભી કરી છે. યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન માટે દરેક શક્ય તક આપવાનો અમારો સંકલ્પ છે. રાહુલની સિદ્ધિ આ પ્રયાસોનું જ પરિણામ છે.

તાલીમ લેતા ખેલાડીઓને જોઈને એથ્લેટિક્સ તરફ વળ્યો

રાહુલની એથ્લેટિક્સની સફર એક અણધાર્યા સંયોગથી શરૂ થઈ હતી. થોડાં વર્ષો પહેલાં તે પોતાના પિતા સાથે વાપીમાં સાંજે ફરવા નીકળ્યો હતો ત્યારે તેણે સ્થાનિક મેદાનમાં કેટલાક ખેલાડીઓને તાલીમ લેતા જોયા. ઉત્સુકતાથી તેમણે પૂછ્યું કે તેઓ શું કરી રહ્યા છે. મેદાનમાં દોડતા લોકોએ તેને કહ્યું કે તેઓ સ્પર્ધાઓ માટે તૈયારી કરતા એથ્લેટ્સ છે. બીજા જ દિવસે તે પણ એ જ મેદાનમાં દોડવ લાગ્યો.  આ પછી રાહુલે પોતાની શાળા વતી ખેલ મહાકુંભમાં ભાગ લીધો અને લાંબી કૂદમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. આ જીતે તેના મનમાં એથ્લેટિક્સ પ્રત્યેનો જુસ્સો જગાવ્યો અને આ જ ક્ષેત્રે આગળ વધવાનો મક્કમ નિર્ધાર કર્યો.

બનાસકાંઠાના ગઢથી કાર્કિર્દીની શરૂઆત

રાહુલ જાખરે પોતાની એથ્લેટિક્સ કારકિર્દીની શરૂઆત બનાસકાંઠા જિલ્લાના ગઢ ખાતે આવેલી ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)માં કોચ વિપુલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરી હતી. તેની પ્રતિભાને ઓળખીને વર્ષ 2024માં તેને નડિયાદ સ્થિત હાઈ-પરફોર્મન્સ સેન્ટરમાં ઉચ્ચ સ્તરની તાલીમ માટે પસંદ કરવામાં આવ્યો હતો. કોચ શિવમ ઉપાધ્યાય, ધર્મેન્દ્ર પરમાર અને સતેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ રાહુલે ડેકાથલોન અને અન્ય સંયુક્ત ઇવેન્ટ્સમાં સતત ઉત્તમ પ્રદર્શન કર્યું અને ધીમે ધીમે એક આશાસ્પદ એથ્લેટ તરીકે પોતાની ઓળખ ઉભી કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *