દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની તૈયારીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’

Spread the love

6 જૂને દિલ્હી પહોંચશે અભિજીત દીપકે, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગને લઈને આંદોલનનાં સંકેત

એસવીએન,નવી દિલ્હી
સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) હવે દિલ્હીમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવા જઈ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને CJPના સ્થાપક અભિજીત દીપકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરીને સમર્થકોને 6 જૂને દિલ્હી એરપોર્ટ પર એકત્ર થવા અપીલ કરી છે.

દીપકે વીડિયોમાં જણાવ્યું છે કે તે 6 જૂનની સવારે દિલ્હી પહોંચશે અને ત્યારબાદ પોતાના સમર્થકો સાથે મળીને જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન યોજવા માટે જરૂરી મંજૂરી મેળવવાનો પ્રયાસ કરશે. તેના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.

પરીક્ષા વિવાદોને લઈને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

હાલમાં અમેરિકામાં વસવાટ કરતા અભિજીત દીપકે પોતાના સમર્થકો, વિદ્યાર્થીઓ અને યુવાનોને આંદોલનમાં જોડાવા આહ્વાન કર્યું છે. તેણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે દેશના યુવાનો બંધારણીય માર્ગ અપનાવીને એકજૂથ થાય અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરે.

દીપકના જણાવ્યા મુજબ, પરીક્ષાઓને લગતા વિવાદો અને કથિત ગેરરીતિઓને કારણે વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે જો મોટી સંખ્યામાં લોકો એકસાથે અવાજ ઉઠાવશે તો સરકારને તેમની માંગણીઓ પર ધ્યાન આપવું પડશે.

જંતર-મંતર ખાતે પ્રદર્શન માટે મંજૂરી માંગવાની તૈયારી

અભિજીત દીપકે પોતાના સંદેશમાં જણાવ્યું છે કે 6 જૂને દિલ્હી એરપોર્ટ પર ભેગા થયા બાદ તેઓ સૌ પ્રથમ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચશે અને ત્યારબાદ જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ પ્રદર્શન માટે પરવાનગી માગશે. તેમણે આંદોલનને સંપૂર્ણપણે લોકશાહી અને બંધારણીય માળખામાં રહીને આગળ વધારવાનો દાવો કર્યો છે.

શું છે ‘કોકરોચ જનતા પાર્ટી’?

તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ સૂર્યકાંત દ્વારા યુવાનો અને ‘કોકરોચ’ અંગે કરવામાં આવેલી ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) નામનું વ્યંગાત્મક અભિયાન શરૂ થયું હતું. આ અભિયાનના સ્થાપક અભિજીત દીપકે છે.

CJP સોશિયલ મીડિયા અને પોતાની વેબસાઇટ મારફતે ઝડપથી લોકપ્રિય બન્યું છે. દીપકનું કહેવું છે કે તેણે આ અભિયાન કથિત રીતે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને યુવાનોના અવાજને સમર્થન આપવા માટે શરૂ કર્યું હતું. યુવા કેન્દ્રિત આ સોશિયલ મીડિયા અભિયાનને અનેક જાણીતી જાહેર હસ્તીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સનું સમર્થન પણ મળ્યું હોવાનું જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *