ત્રિ-પાંખિયા ટાઈ બાદ ટાઈ-બ્રેકમાં ઇઝરાયેલી ખેલાડીએ માર્યો બાજી; ત્રણ યુવા ખેલાડીઓએ મેળવ્યા ઇન્ટરનેશનલ માસ્ટર (IM) નોર્મ્સ

અમદાવાદ
વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે યોજાયેલી ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ-2026નો સોમવારે રોમાંચક સમાપન થયો હતો. વિશ્વભરના દિગ્ગજ અને ઉભરતા ખેલાડીઓ વચ્ચે રમાયેલી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ઇઝરાયલના ઇન્ટરનેશનલ માસ્ટર બેની આઈઝેનબર્ગે ટાઈ-બ્રેકના આધારે ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું.
ટાઈ-બ્રેકથી નક્કી થયો ચેમ્પિયન
ટુર્નામેન્ટના અંતે ચેમ્પિયનશિપ માટે કાંટાની ટક્કર જોવા મળી હતી. ઇઝરાયલના બેની આઈઝેનબર્ગ, વિયેતનામના ઇન્ટરનેશનલ માસ્ટર ક્વોક હાય ન્ગ્યુએન અને ભારતના ગ્રાન્ડમાસ્ટર અભિજીત ગુપ્તા ત્રણેય ખેલાડીઓ 8-8 પોઈન્ટ સાથે સંયુક્ત રીતે ટોચ પર રહ્યા હતા. અંતિમ રાઉન્ડમાં આઈઝેનબર્ગ અને ન્ગ્યુએન વચ્ચે ડ્રો થયો હતો, જ્યારે અભિજીત ગુપ્તાએ શ્રીહરિ એલ.આર. સામે પોઈન્ટ વહેંચ્યા હતા. સમાન પોઈન્ટ્સને કારણે વિજેતાની પસંદગી ટાઈ-બ્રેક દ્વારા કરવામાં આવી હતી, જેમાં આઈઝેનબર્ગે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ન્ગ્યુએન પ્રથમ રનર-અપ અને અભિજીત ગુપ્તા બીજા રનર-અપ રહ્યા હતા.
યુવા પ્રતિભાઓએ રચ્યો નવો ઇતિહાસ
ટુર્નામેન્ટનું સૌથી નોંધપાત્ર પાસું ત્રણ યુવા ખેલાડીઓ દ્વારા ઇન્ટરનેશનલ માસ્ટર (IM) નોર્મ્સ હાંસલ કરવાનું રહ્યું હતું. આદિક થિયોફેન લેનિન, કૈવલ્ય સંદીપ નાગરે અને આદિત્ય વરુણ ગામ્પાએ અનુભવી આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામે શાનદાર પ્રદર્શન કરીને આ મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી હતી. ચેસ જગતમાં IM નોર્મ્સ મેળવવું એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે અને આ સિદ્ધિએ તેમની ઉજ્જવળ કારકિર્દી માટે નવા દ્વાર ખોલ્યા છે.
સી કેટેગરીમાં ગુજરાતના ગૌરવ ત્રિવેદી ચેમ્પિયન
પ્રીમિયર વિભાગની સાથે પૂર્ણ થયેલી સી કેટેગરીમાં ગુજરાતના ગૌરવ ત્રિવેદીએ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું. દમણ અને દીવના આર્યન અરુણ ગદ્રે બીજા સ્થાને રહ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના માર્મિક શાહે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ વિભાગમાં પણ ખેલાડીઓ વચ્ચે ઉચ્ચ સ્તરની સ્પર્ધા જોવા મળી હતી.
દેશ-વિદેશના ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા
ટુર્નામેન્ટ દરમિયાન ભારત સહિત વિવિધ દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. સમગ્ર સ્પર્ધા દરમિયાન અનેક રોમાંચક મુકાબલાઓ જોવા મળ્યા હતા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓની ઉપસ્થિતિને કારણે ટુર્નામેન્ટનું સ્તર અત્યંત ઊંચું રહ્યું હતું. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશન દ્વારા આયોજિત આ ઇવેન્ટે રાજ્યને આંતરરાષ્ટ્રીય ચેસ નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવ્યું છે.
મહાનુભાવોની હાજરીમાં થયો સમાપન સમારોહ
સમાપન સમારોહમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અદિતિ સિંહ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનના ભાવેશ પટેલ અને મયુર પટેલ, ગુજરાતના પ્રથમ ગ્રાન્ડમાસ્ટર તેજસ બાકરે તેમજ ગુજરાતના બીજા ગ્રાન્ડમાસ્ટર અંકિત રાજપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ તમામ વિજેતાઓને ટ્રોફી અને પુરસ્કારો અર્પણ કર્યા હતા.
50 લાખના ઇનામોનું વિતરણ
સ્વિસ સિસ્ટમના આધારે કુલ 10 રાઉન્ડમાં રમાયેલી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં કેટેગરી A, B અને C સહિત કુલ 50 લાખ રૂપિયાના રોકડ ઇનામો રાખવામાં આવ્યા હતા. વિજેતાઓને રોકડ પુરસ્કારો ઉપરાંત આકર્ષક ટ્રોફીઓ પણ એનાયત કરવામાં આવી હતી.
