એડીસી બેંકે રૂ.20,212 કરોડથી વધુનો બિઝનેસ હાંસલ કરી નવો કીર્તિમાન સ્થાપ્યો

Spread the love


101મી વાર્ષિક સામાન્ય સભામાં બેંકની વિકાસયાત્રાની ઝલક; થાપણ, ધિરાણ અને નફામાં નોંધપાત્ર વૃદ્ધિ, સભાસદોને 15 ટકા ડિવિડન્ડની જાહેરાત

અમદાવાદ
ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિ. (એડીસી બેંક)એ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રૂ.20,212 કરોડથી વધુનો કુલ બિઝનેસ હાંસલ કરીને નવી સિદ્ધિ નોંધાવી છે. બેંકની 101મી વાર્ષિક સામાન્ય સભા રવિવારે ટાગોર હોલ, પાલડી ખાતે યોજાઈ હતી, જેમાં બેંકના ચેરમેન અજય પટેલે વર્ષ દરમિયાન થયેલી પ્રગતિ અને સિદ્ધિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

101મી વાર્ષિક સામાન્ય સભામાં મોટી ઉપસ્થિતિ

વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન અજય પટેલ, વાઇસ ચેરમેન જગદીશ પટેલ, ડિરેક્ટરો, વિવિધ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સભાનું આયોજન ઓફલાઇન તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું હતું, જેના કારણે મોટી સંખ્યામાં સભાસદો જોડાયા હતા.

થાપણ અને ધિરાણમાં ડબલ ડિજિટ વૃદ્ધિ

ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે બેંકે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સતત વિકાસની ગતિ જાળવી રાખી છે. બેંકનો કુલ બિઝનેસ અગાઉના વર્ષની સરખામણીએ 13.25 ટકાના વધારા સાથે રૂ.20,212 કરોડે પહોંચ્યો છે. કુલ થાપણમાં 12.64 ટકાનો વધારો નોંધાઈ રૂ.11,826 કરોડ સુધી પહોંચ્યું છે, જ્યારે કુલ ધિરાણ 14.73 ટકાના વધારા સાથે રૂ.8,286 કરોડ થયું છે.

નફાકારકતામાં સતત સુધારો

બેંકના ગ્રોસ એનપીએમાં ઘટાડો નોંધાઈને તે માત્ર 0.18 ટકા સુધી સીમિત રહ્યો છે, જ્યારે નેટ એનપીએ સતત 13મા વર્ષે શૂન્ય ટકા જાળવી રાખવામાં બેંક સફળ રહી છે. આ મજબૂત નાણાકીય પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સભાસદોને 15 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. બેંકના ખાતેદારોની સંખ્યા વધીને 17.75 લાખને પાર પહોંચી છે.

ડિજિટલ બેંકિંગમાં મજબૂત ઉપસ્થિતિ

અમદાવાદ, ગાંધીનગર અને બોટાદ જિલ્લાઓમાં કાર્યરત એડીસી બેંકની 208 શાખાઓ અને 150 જેટલા ઓનસાઇટ તથા ઓફસાઇટ બેંકિંગ ટચપોઇન્ટ કાર્યરત છે. બેંકમાં વર્ષ દરમિયાન 8.44 કરોડ જેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેનું મૂલ્ય રૂ.31.15 લાખ કરોડથી વધુ રહ્યું છે. ચાલુ વર્ષ દરમિયાન થાપણમાં રૂ.1,500 કરોડથી વધુ અને એડવાન્સ બિઝનેસમાં રૂ.830 કરોડથી વધુનો વધારો નોંધાયો છે.

સહકારી ક્ષેત્ર અને સામાજિક જવાબદારી પર ભાર

બેંકે માત્ર નાણાકીય ક્ષેત્રમાં જ નહીં પરંતુ સામાજિક ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સહકારના સિદ્ધાંતોને અનુરૂપ બેંકે વિવિધ ગામોમાં જરૂરિયાત આધારિત સેવાકીય કાર્યો હાથ ધર્યા છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પોનું આયોજન, પર્યાવરણ જાગૃતિ અભિયાન, ગામડાંઓમાં સ્વચ્છતા કાર્યક્રમો અને શિક્ષણ ક્ષેત્રે સહાય જેવી પ્રવૃત્તિઓ દ્વારા બેંકે સામાજિક પ્રતિબદ્ધતા નિભાવી છે.

સહકારથી સમૃદ્ધિના માર્ગે આગળ

સભા દરમિયાન ચેરમેન અજય પટેલે સહકારી ક્ષેત્રના વિકાસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા માટે સહકારી સંસ્થાઓ સતત મહત્વની ભૂમિકા ભજવી રહી છે. બેંક દ્વારા ગામડાંના નાના અને મધ્યમ વર્ગના લોકોને સરળ નાણાકીય સેવાઓ ઉપલબ્ધ કરાવી તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *