વરસાદની હાલાકી સાથે અમદાવાદીઓને વીજળીનો બેવડો માર

Spread the love

અમદાવાદના નારાણપુરાના વિજયનગર ફ્લેટ્સ સહિતના અનેક વિસ્તારો-સોસાયટીઓમાં ભારે વરસાદ દરમિયાન વીજળી ખોરવાતાં ટોરેન્ટ પાવરની આધુનિક સેવાની પોલ ખુલી ગઈ, 24 કલાકે વીજપુરવઠો ચાલુ કરાયો

અમદાવાદ

અમદાવાદમાં ગુરુવારે આખો દિવસ ધમધોકાર વરસાદ પડ્યો હતો. એક તરફ વરસાદ ચાલુ હતો તો બીજી બાજુ શહેરના નારણપુરા વિસ્તારના વિજયનગર ફ્લેટ સહિતના અનેક ફ્લેટ અને સોસાયટીઓમાં વીજપુરવઠો ખોરવાયો હતો. આધુનિક ટેકનિકની ગુલબાંગો સાથે વીજપુરવઠો જાળવવાની ગુલબાંગ મારતું ટોરેન્ટ પાવરની આ કપરા સમયમાં પોલ ખુલી ગઈ હતી. કેટલાક સ્થળે તો વીજપુરવઠો યથાવત કરવામાં 24 કલાક લાગ્યા હતા.

વિજયનગરમાં વીજપુરવઠો આટલો લાંબો સમય ખોરવાવાની પહેલી ઘટના

નારણપુરાના વિજયનગરમાં રહેતા રહીશોનું કહેવું છે કે 1972 બાદથી આજદીન સુધી અમદાવાદમાં પુરની સ્થિતિ પણ જોઈ છે અને આનાથી પણ ભયાનક વરસાદ જોયો છે અને અનેક વખત લાઈટો પણ ગઈ છે. જોકે, આ વખતે ટોરેન્ટ પાવરના કર્મચારીઓની બેદરકારીને લીધે લકોએ 24 કલાક લાઈટ વગર વીતાવવા પડ્યા હતા.

ગુરુવાર બપોરથી ખોરવાયેલો વીજ પુરવઠો શુક્રવારે બપોરે ચાલુ કરાયો

વિજયનગર અને તેની આસપાસની સોસાયટીઓના રહેવાસીઓનું કહેવું છે કે ગુરુવારે બપોરે લાઈટ ગયા બાદ ટોરેન્ટના કર્મચારીઓ ફોલ્ટ મળી ગયા હોવા છતાં વીજ પુરવઠાને પુર્વવત કરવામાં અસહાય રહ્યા હતા. તેઓએ થોડા-છોડા કરીને કેટલાક ઘરોમાં તો વીજપુરવઠો યથાવત કર્યો પણ અનેક ઘરોમાં 24 કલાક પછી લાઈટ આવી.

હેલ્પલાઈન પર કોમ્પ્યુટરાઈઝ જવાબ

લોકોનું કહેવું છે કે ટોરેન્ટની હેલ્પલાઈન એક ફારસ બની રહી હતી. ફોન કરતા તેમાં કોમ્પ્યુટરાઈઝડ મેસેજ પર ટેક્નિકલ ખામીનું કારણ આગળ ધરીને વીજ પુરવઠો યથાવત થવાનો સમય આપી દેવાતો હતો. જોકે. આ સમય મર્યાદામાં ટોરેન્ટના કર્મચારીઓ વીજળી ફરી શરૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.હેલ્પલાઈને અનેક વખત મુદતો આપી હતી.

હેલ્પલાઈન બની માત્ર એક દેખાડો

અનેક ઘરોમાં લાઈટ ન આવતા લોકોએ હેલ્પલાઈનમાં વારંવાર ફોન કરતા કોલસેન્ટરના કર્મચારીએ અત્યંત વિવેકપુર્વક કહ્યું હતું કે પાણી ભરાઈ ગયા હોઈ ટેકનિક માણસો ફોલ્ટના સ્થળે પહોંચી શખતા નથી તેથી રિપેરિંગ થઈ શકતું નથી.

વિજયનગરમાં આવી સ્થિતિ ક્યારેય સર્જાઈ નથી

વિજયનગરના રહીશોનું કહેવું છે કે 1972થી અમે અહીં રહીએ છીએ. અનેક કુદરતી આફતોનો સામનો કર્યો છે પણ પહેલી વખત આવી માનવસર્જિત આફતનો સામનો કરવાનો આવ્યો છે. બે-ચાર કલાકમાં હંમેશા વીજપુરવઠો પુર્વવત કરી દેવાતો હતો પરુંતુ આ વખત તો તંત્રની બેદરકારીને લીધે આવી સ્થિતિ ઊભી થઈ છે.

વાહનો-માણસો ફસાવાનો ડર

એક વાત એવી પણ સામે આવી હતી કે ટોરેન્ટ દ્વારા હવે ફોલ્ટ રિપેરિંગ માટે ઈકો ગાડીનો મહત્તમ ઉપયોગ થાય છે. આ ગાડી જે સ્થળે વધુ પાણી ભરાયા હોય ત્યાં જઈ શકતી નથી તેથી રિપેરિંગના કામને અસર થઈ છે. અગાઉ વીજળીના ટેકનિક કર્મચારીઓ જીપમાં આવતા અને ગમે એવા પાણીમાં તેઓ ફોલ્ટના સ્થળે પહોંચી જતા હતા.

રુબરુ મુલાકાત બાદ ત્વરિત કાર્યવાહી

વિજયનગરમાં રહેતી એક યુવતીએ અસામાન્ય સ્થિતિ જણાતા ટોરેન્ટની નારણપુરા ઓફિસે જઈને રજૂઆત કરતા શુક્રવારે બપોરે ટેકનિકલ ટીમ વિજયનગર આવી અને મિનિટોમાં જ વીજ પુરવઠો ચાલુ કરીને જતી રહી હતી.

સ્થાનિકોનું કહેવું છે કે ફોલ્ટ મળી પણ ગયો હતો અને મહદઅંશે રિપેરિંગ પણ થઈ ગયો હતો પરંતુ આ કર્મચારીઓની બેદરકારીને લીધે લોકોએ ગુરૂવારની આખીરાત અંધારામાં વિતાવવી પડી હતી.જોકે મોટા ભાગના વિસ્તારોમાં એક જ સોસાયટી કે એક જ ફ્લેટમાં કેટલાકને ત્યાં લાઈટ આવતી હતી અને કેટલાકને ત્યાં અંધારપટ જોવા મળ્યો હતો. આ બાબત તંત્રની બેદરકારીની ચાડી ખાતો હોવાનું લોકોનું કહેવું છે.

ફોલ્ટ બાબતે વાત કરવા કોઈ તૈયાર નહીં

મળતી માહિતી મુજબ માત્ર નારણપુરા જ નહીં અમદાવાદના અનેક વિસ્તારોમાં આવી ગંભીર સ્થિતિ જોવા મળી હતી. જોકે, ટોરેન્ટ દ્વારા મોટા પ્રમાણમાં ફોલ્ટનું નિરાકરણ કરાયાનું પણ જાણવા મળ્યું છે પરંતુ કેટલાક સ્થળોએ પાણી ભારાયાનું બહાનું આગળ ધરીને સમારકામ થવા છતાં પુરવઠો યથાવત કવામાં ભાર વિલંબ કરાયો હોવાનું જણાયું છે.આ બાબતે હેલ્પલાઈન પરથી કોઈ યોગ્ય જવાબ પણ આપવામાં આવ્યા નથી. અત્યંત વિવિકી સ્ટાફે માત્ર તેઓ નિઃસહાય હોવાનું રટણ કર્યે રાખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *