સૌરાષ્ટ્રે ગાંધીનગર જાયન્ટ્સને 2-0થી હરાવ્યું, વડોદરા વોરિયર્સે સુરત સ્ટ્રાઈકર્સ સામે 3-1થી મેળવી જીત; માનવીરસિંહ દેઓલનો બે ગોલ સાથે ચમકારો
અમદાવાદ
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3માં સોમવારે રમાયેલી બે મેચમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ અને વડોદરા વોરિયર્સે શાનદાર જીત નોંધાવી હતી. પ્રથમ મેચમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે ગાંધીનગર જાયન્ટ્સને 2-0થી હરાવીને પોઇન્ટ્સ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરી હતી. જ્યારે બીજી મેચમાં ગત વર્ષની વિજેતા વડોદરા વોરિયર્સે સુરત સ્ટ્રાઈકર્સને 3-1થી પરાજય આપી ટૂર્નામેન્ટમાં જીતનો સ્વાદ ચાખ્યો હતો.
સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સનો દબદબો
એકા અરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદ ખાતે રમાયેલી પ્રથમ મેચમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ અને ગાંધીનગર જાયન્ટ્સ આમને-સામને હતા. સૌરાષ્ટ્રનો આ ત્રીજો મુકાબલો હતો. અગાઉ એક જીત અને એક ડ્રો સાથે ટીમના ખાતામાં 4 પોઇન્ટ હતા. બીજી તરફ ગાંધીનગર જાયન્ટ્સે બે મેચમાં એક જીત અને એક હાર સાથે 3 પોઇન્ટ મેળવ્યા હતા.
મેચની શરૂઆતથી જ બંને ટીમોએ આક્રમક રમત દર્શાવી હતી. જોકે, 34મી મિનિટે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે પ્રથમ સફળતા મેળવી હતી. ટીમના કેપ્ટન અને મિડફિલ્ડર મોયુદ્દીન ખાને હાફિઝને પાસ આપ્યો હતો. હાફિઝે આગળ આદિત્ય કલોલીને બોલ પહોંચાડ્યો અને આદિત્ય કલોલીએ સુંદર પ્લેસમેન્ટ દ્વારા ગોલ કરીને સૌરાષ્ટ્રને 1-0ની લીડ અપાવી હતી.
મુકેશ કુમારે લીડ વધારી
હાફ ટાઇમ બાદ પણ સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે આક્રમક રમત ચાલુ રાખી હતી. 83મી મિનિટે નંબર-7 મુકેશ કુમારે સુંદર પ્લેસમેન્ટ દ્વારા બીજો ગોલ નોંધાવી સૌરાષ્ટ્રની લીડ 2-0 કરી હતી.
બાકીની મિનિટોમાં ગાંધીનગર જાયન્ટ્સે વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સૌરાષ્ટ્રની મજબૂત રક્ષણાત્મક રમત સામે તેને સફળતા મળી નહોતી. અંતે મેચનો સ્કોર સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સના પક્ષમાં 2-0 રહ્યો.
મોયુદ્દીન ખાન મેન ઓફ ધ મેચ
સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સના કેપ્ટન મોયુદ્દીન ખાનને તેમના શાનદાર પ્રદર્શન બદલ ‘મેગ પ્રોટીન મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર નીરવ ઓઝા અને કુનાલ શાહના હસ્તે એનાયત કરાયો હતો.
વડોદરા વોરિયર્સની આક્રમક શરૂઆત
દિવસની બીજી મેચમાં ગત વર્ષની વિજેતા વડોદરા વોરિયર્સનો સામનો સુરત સ્ટ્રાઈકર્સ સામે થયો હતો. સુરત સ્ટ્રાઈકર્સ ત્રણ મેચમાં બે હાર અને એક જીત સાથે 3 પોઇન્ટ પર હતી, જ્યારે વડોદરા વોરિયર્સે અગાઉની બે મેચમાં પોઇન્ટ મેળવ્યા નહોતા.
મેચમાં વડોદરા વોરિયર્સે શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી. 12મી મિનિટે માનવીરસિંહ દેઓલના હેડરથી મળેલા પાસ પર નંબર-7 ધરમપ્રીતે સુંદર ગોલ કરી વડોદરાને 1-0ની લીડ અપાવી હતી.
માનવીરસિંહે બે ગોલ ફટકાર્યા
વડોદરાની આક્રમક રમત આગળ પણ ચાલુ રહી હતી. 36મી મિનિટે માનવીરસિંહ દેઓલે ટોપ ઓફ ધ પેનલ્ટી એરિયામાંથી શાનદાર પ્લેસમેન્ટ કરીને ગોલ નોંધાવ્યો હતો, જેના કારણે વડોદરા વોરિયર્સની લીડ 2-0 થઈ હતી.
જોકે, સુરત સ્ટ્રાઈકર્સે હાર માન્યા વિના વળતો પ્રહાર કર્યો હતો. 40મી મિનિટે નંબર-20 ફારૂક શોઢાએ જોરદાર પ્લેસમેન્ટ દ્વારા ગોલ કરીને સ્કોર 2-1 કર્યો હતો. હાફ ટાઇમ પહેલાં સુરતે બરાબરીનો ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી.
90+4મી મિનિટે વડોદરાની જીત પાકી
બીજા હાફમાં બંને ટીમોએ ગોલ માટે સતત પ્રયાસો કર્યા હતા. સુરત સ્ટ્રાઈકર્સે બરાબરી માટે દબાણ બનાવ્યું હતું, જ્યારે વડોદરા પોતાની લીડ જાળવી રાખવા સાથે તક મળતાં હુમલા કરી રહ્યું હતું.
આખરે 90+4મી મિનિટે માનવીરસિંહ દેઓલે ટોપ ઓફ ધ પેનલ્ટી એરિયામાંથી જોરદાર કિક મારીને પોતાનો બીજો અને ટીમનો ત્રીજો ગોલ નોંધાવ્યો હતો. આ ગોલ સાથે વડોદરા વોરિયર્સની જીત નિશ્ચિત થઈ હતી. મેચનો અંતિમ સ્કોર વડોદરા વોરિયર્સ 3-1 સુરત સ્ટ્રાઈકર્સ રહ્યો હતો.
માનવીરસિંહ દેઓલ મેન ઓફ ધ મેચ
વડોદરા વોરિયર્સના માનવીરસિંહ દેઓલને બે ગોલ સહિતના શાનદાર પ્રદર્શન બદલ મેગ પ્રોટીન મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર સુરત ટીમના ઓનર ધ્રુવ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
8 સપ્ટેમ્બરે બે રસપ્રદ મુકાબલા
ગુજરાત સુપર લીગ-3માં હવે 8 સપ્ટેમ્બરે બે મેચ રમાશે. સાંજે 6:30 વાગ્યે કર્ણાવતી નાઇટ્સ અને સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે, જ્યારે રાત્રે 9:00 વાગ્યે અમદાવાદ એવેન્જર્સ અને ગાંધીનગર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે.
