ભાજપે ઈશ્વરપ્પાના પુત્ર કાંતેશને ટિકિટ ન આપતા પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને હાવેરી બેઠકથી મેદાનમાં ઉતાર્યા
નવી દિલ્હી
ભાજપના વરિષ્ઠ નેતા કે એસ ઈશ્વરપ્પાએ શુક્રવારે 15 માર્ચે આગામી લોકસભા ચૂંટણીમાં શિમોગા બેઠકથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ નિર્ણય પોતાના પુત્ર કાંતેશને હાવેરી મતવિસ્તારથી ટિકિટ ન આપવાના કારણે લીધો છે. ભાજપે પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને હાવેરી બેઠકથી મેદાનમાં ઉતાર્યા છે.
ઈશ્વરપ્પાએ કાંતેશને ટિકિટ ન મળવા બદલ પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને દોષી ઠેરવ્યા. ભાજપે યેદિયુરપ્પાના પુત્ર બી વાઈ રાઘવેન્દ્રને શિમોગાથી ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠકથી કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી એસ બંગારપ્પાની પુત્રી ગીતા શિવરાજકુમારને મેદાનમાં ઉતાર્યા છે. ગીતા કન્નડ ફિલ્મ સ્ટાર શિવરાજ કુમારના પત્ની છે. ઈશ્વરપ્પા અપક્ષ ચૂંટણી લડશે.
ઈશ્વરપ્પાએ પોતાના સમર્થકો તરફથી બોલાવાયેલી બેઠકમાં ભાજપ સામે વિદ્રોહનું એલાન કરતા કહ્યુ, હું શિમોગા લોકસભા વિસ્તારથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ. કર્ણાટકમાં ભાજપને ઊભુ કરવા અને ફરી તેને મજબૂત કરવાનું ક્રેડિટ ઈશ્વરપ્પા, યેદિયુરપ્પા અને દિવંગત એચએન અનંત કુમારને આપવામાં આવે છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ આરોપ લગાવતા કહ્યુ કે ભાજપના સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય યેદિયુરપ્પાએ તેમના પુત્રને ટિકિટ આપવાનું આશ્વાસન આપ્યુ હતુ. એટલુ જ નહીં પરંતુ તેમની જીત માટે પ્રચાર કરવાનું વચન પણ આપ્યુ હતુ પરંતુ હવે તેમણે તેમને દગો આપ્યો છે.