૧૬૯ ગામો અને ૧૧ વોર્ડમાં ૩૨૦ સર્વેલન્સ ટીમ દ્વારા સઘન આરોગ્ય કામગીરી, મફત દવાઓ અને ક્લોરિન ટેબ્લેટનું વતરણ શરૂ
નવસારી
નવસારી જિલ્લામાં તાજેતરમાં સર્જાયેલી પૂરની અસર બાદ જનસ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સંભવિત રોગચાળાને અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં યુદ્ધના ધોરણે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નવસારી સિવિલ હોસ્પિટલની અચાનક (સરપ્રાઈઝ) મુલાકાત લઈ ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ અને સફાઈ વ્યવસ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

આરોગ્ય મંત્રીની અચાનક મુલાકાત અને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક
સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ મંત્રીશ્રીની અધ્યક્ષતામાં પૂર બાદની રોગચાળા નિયંત્રણ કામગીરી અંગે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. રંગુનવાલા તેમજ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમીક્ષા બેઠક દરમિયાન મંત્રીશ્રીએ પૂર પ્રભાવિત વિસ્તારોમાં હાથ ધરાયેલ આરોગ્ય સર્વેલન્સ અને કીટક નિયંત્રણ કામગીરીના દૈનિક રિપોર્ટની ઝીણવટપૂર્વક ચકાસણી કરી હતી.
૧૭૯૬થી વધુ આરોગ્ય કર્મચારીઓ મેદાનમાં
જિલ્લાના ૧૬૯ અસરગ્રસ્ત ગામો અને ૧૧ વોર્ડ મળીને કુલ ૨૪૧ વિસ્તારોમાં ૩૨૦ સર્વેલન્સ ટીમો (પ્રત્યેક ટીમમાં ૩ સભ્યો), ૪૫ મેડિકલ ઓફિસરો, ૭ MHU અને ૨૧ RBSK ટીમો સાથે ૧૭૯૬થી વધુ આરોગ્ય કર્મચારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૭૬ જેટલા મેડિકલ કેમ્પ યોજીને ૬૭૭થી વધુ OPD દર્દીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં તમામ પ્રકારની જરૂરી મફત દવાઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે.
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો સામે આગોતરા પગલાં
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો અટકાવવા માટે વ્યાપક સ્તરે વિતરણ અને સફાઈ કામગીરી હાથ ધરાઈ છે:
- ૫૪,૧૩૫ ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરાયું છે.
- ૫૭૮ ORS પેકેટ અને ૩૬,૯૧૪ ડોક્સીસાઈક્લીન કેપ્સ્યુલનું વિતરણ કરવામાં આવ્યું છે.
- પાણીના શુદ્ધિકરણની ચકાસણી માટે લેવાયેલા ૨૯૫૧ સેમ્પલમાંથી ૯૮૫ સ્થળોએ ક્લોરીન પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે.
- મચ્છરોના ઉપદ્રવને અટકાવવા ૪૫,૫૯૩ પાત્રોની તપાસ કરી ૧૧,૨૬০ કન્ટેનરમાં ટેમિફોસ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે.
- ૧૮૫ સ્થળોએ ઓઈલ બોલ અને ૨ સ્થળોએ ડાયફ્લુબેન્ઝ્યુરોનનો છંટકાવ કરવામાં આવ્યો છે.
તંત્રની નાગરિકોને અપીલ અને માર્ગદર્શન
મંત્રીશ્રીએ આરોગ્ય ટીમોને સતત એલર્ટ પર રહીને કામગીરી ચાલુ રાખવા અને દવાઓનો પૂરતો જથ્થો જાળવી રાખવા કડક સૂચના આપી હતી. નવસારી જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને સ્વચ્છતા જાળવવા, ઉકાળેલું પાણી પીવા અને તાવ, ઝાડા-ઊલટી કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા વિશેષ અનુરોધ કર્યો છે.
