મોસાદ્દેક હુસૈનની ઓલરાઉન્ડ રમત અને નાહિદ રાણાની ઘાતક બોલિંગથી ઓસ્ટ્રેલિયા પર 86 રનની જીત
એસવીએન,ઢાકા
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે ઢાકામાં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાને 86 રને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી છે. 21 વર્ષ બાદ બાંગ્લાદેશે વન-ડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવતાં ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અગાઉ બાંગ્લાદેશે વર્ષ 2005માં ઓસ્ટ્રેલિયા સામે પોતાની પ્રથમ વન-ડે જીત મેળવી હતી. વરસાદથી પ્રભાવિત મેચમાં ડકવર્થ-લુઈસ-સ્ટર્ન (DLS) નિયમ હેઠળ બાંગ્લાદેશને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
બેટિંગમાં બાંગ્લાદેશનો મજબૂત દેખાવ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 284 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. ઓપનર તંજીદ હસને 54 રન જ્યારે કેપ્ટન નજમુલ હુસૈન શાંતોએ 67 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. જોકે મેચનો હીરો મોસાદ્દેક હુસૈન રહ્યો, જેણે ચાર વર્ષ બાદ વન-ડે ટીમમાં વાપસી કરતાં અણનમ 86 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસે ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે લિયામ સ્કોટ અને મેટ રેનશોએ બે-બે વિકેટ મેળવી હતી.
નાહિદ રાણાએ ઓસ્ટ્રેલિયન બેટિંગને તોડી નાંખી
285 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. ટીમે માત્ર 2 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશના યુવા ફાસ્ટ બોલર નાહિદ રાણાએ શાનદાર બોલિંગ કરતાં ચાર વિકેટ ઝડપી હતી. મોસાદ્દેક હુસૈને પણ બોલિંગમાં બે વિકેટ મેળવીને ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું.
કેમેરોન ગ્રીને અણનમ 52 રનની લડાયક ઇનિંગ્સ રમી હતી, પરંતુ તે ટીમને પરાજયમાંથી બચાવી શક્યો નહોતો.
વરસાદ બન્યો નિર્ણાયક પરિબળ
ઓસ્ટ્રેલિયાનો સ્કોર 42.2 ઓવરમાં 9 વિકેટે 191 રન હતો ત્યારે વરસાદ શરૂ થયો હતો. રમત ફરી શરૂ ન થઈ શકતાં DLS નિયમ હેઠળ બાંગ્લાદેશને 86 રને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. મોસાદ્દેક હુસૈનને તેના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.
આ જીત સાથે બાંગ્લાદેશે ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં 1-0ની મહત્વપૂર્ણ સરસાઈ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચેની બીજી મેચ 11 જૂને ઢાકામાં રમાશે.
