શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત જામનગરમાં ઉત્સાહભેર ઉજવણી

Spread the love

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે 135 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ; તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જામનગર
રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત જામનગર તાલુકાના હડમતિયા ક્લસ્ટરની વિવિધ શાળાઓમાં ઉત્સાહ અને ઉમંગ સાથે કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમોમાં નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં આવકારવામાં આવ્યા હતા.

135 વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્વાગત

કાર્યક્રમ દરમિયાન પસાયા તાલુકા શાળા, બેરાજા પ્રાથમિક શાળા અને સપડા સરકારી માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવનાર કુલ 135 વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. પસાયા તાલુકા શાળામાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશ મેળવનાર 44 વિદ્યાર્થીઓ, બેરાજા પ્રાથમિક શાળામાં 47 વિદ્યાર્થીઓ તથા સપડા સરકારી માધ્યમિક અને પ્રાથમિક શાળામાં 44 વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

શિક્ષણ એ વિકાસનો મજબૂત પાયો : મંત્રીશ્રી

આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ દરેક બાળકને જ્ઞાન અને સંસ્કારના માર્ગે આગળ વધારવાનો પવિત્ર લોકોત્સવ છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. આજના યુગમાં શિક્ષણ માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું મર્યાદિત નથી, પરંતુ ટેકનોલોજી, સર્જનાત્મકતા, નવીનતા અને જીવન કૌશલ્યોના વિકાસ સાથે જોડાયેલું છે.

કન્યા કેળવણીને પ્રોત્સાહન

મંત્રીએ દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણના સંદેશને વધુ મજબૂત બનાવવા માટે વિદ્યાર્થીનીઓને સન્માનની ઓઢણી અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે, જેના કારણે શિક્ષણ ક્ષેત્રે દીકરીઓની ભાગીદારી સતત વધી રહી છે.

તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને વૃક્ષારોપણ

કાર્યક્રમ દરમિયાન CET, જ્ઞાનસાધના અને નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવનાર તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે તમામ શાળાઓમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. મહાનુભાવોએ વૃક્ષોનું વાવેતર કરી હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના નિર્માણ માટે સૌને પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજી પટેલ, અગ્રણી ડૉ. વિનોદ ભંડેરી, શિક્ષણ જગતના પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *