અમદાવાદમાં રમાયેલી મેચોમાં ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને અને કઝાકિસ્તાને ચાઈનીઝ તાઈપેઈને હરાવ્યું; રાત્રે 9 વાગ્યે ભારતની મહત્વપૂર્ણ મેચ

અમદાવાદ
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલા AVC મેન્સ કપ 2026માં મંગળવારે રમાયેલી બે મેચોમાં ન્યૂઝીલેન્ડ અને કઝાકિસ્તાનની ટીમોએ મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી. પૂલ-એમાં સ્થાન મજબૂત બનાવવા માટે બંને ટીમોએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ યજમાન ભારતની ટીમ આજે રાત્રે બહેરીન સામે મહત્વપૂર્ણ મુકાબલામાં મેદાનમાં ઉતરશે.
ન્યૂઝીલેન્ડની રોમાંચક જીત
દિવસની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. પાંચ સેટ સુધી ખેંચાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે 3-2થી વિજય મેળવ્યો હતો. મેચનો સ્કોર 16-25, 25-23, 27-25, 19-25 અને 17-15 રહ્યો હતો. પ્રથમ સેટમાં ઓસ્ટ્રેલિયાએ દબદબો જમાવ્યો હતો, પરંતુ ત્યારબાદ ન્યૂઝીલેન્ડે શાનદાર વાપસી કરી હતી. ચોથો સેટ ગુમાવ્યા બાદ પણ ટીમે નિર્ણાયક પાંચમા સેટમાં ધીરજપૂર્વક રમત દાખવી જીત મેળવી હતી.
કઝાકિસ્તાનની મજબૂત વાપસી
આજની બીજી મેચમાં ચાઈનીઝ તાઈપેઈએ પ્રથમ સેટ 25-20થી જીતીને સારો આરંભ કર્યો હતો. જોકે કઝાકિસ્તાને ત્યારબાદ પોતાની રમતનું સ્તર ઊંચું લઈ જઈ સતત ત્રણ સેટ જીત્યા હતા. કઝાકિસ્તાને 26-24, 25-16 અને 25-23ના સ્કોર સાથે મેચ 3-1થી પોતાના નામે કરી હતી. આ જીત સાથે કઝાકિસ્તાનની ટીમે આગામી તબક્કા માટેનો પોતાનો દાવો વધુ મજબૂત બનાવ્યો છે.
ભારત સામે બહેરીનની કસોટી
ટૂર્નામેન્ટની સૌથી વધુ રાહ જોવાતી મેચ આજે રાત્રે 9 વાગ્યે ભારત અને બહેરીન વચ્ચે રમાશે. ઘરઆંગણે રમતી ભારતીય ટીમ માટે આ મુકાબલો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અગાઉની મેચોમાં મળેલી સફળતાના આત્મવિશ્વાસ સાથે ભારત જીતનો સિલસિલો જાળવી રાખવા ઉતરશે, જ્યારે બહેરીન પણ જીત મેળવી આગળ વધવાની આશા રાખશે.
સેમિફાઇનલની રેસ રસપ્રદ બની
પૂલ તબક્કાની મેચો હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહી છે. દરેક જીત અને હાર પોઈન્ટ ટેબલ પર સીધી અસર કરી રહી હોવાથી સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટેની હરીફાઈ વધુ રસપ્રદ બની છે. અમદાવાદમાં યોજાઈ રહેલી આ એશિયાઈ સ્પર્ધામાં દર્શકોનો ઉત્સાહ પણ સતત વધી રહ્યો છે.
