વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયામાં નંબર-3ની જર્સી પહેરીને રમશે

Spread the love

માતાની સલાહ બાદ બદલ્યો જર્સી નંબર, ભારત માટે રમવાનું સપનું સાકાર થતાં ભાવુક થયો 15 વર્ષનો યુવા ક્રિકેટર

નવી દિલ્હી:

ભારતીય ક્રિકેટના ઉદયમાન સ્ટાર વૈભવ સુર્યવંશીનું ટીમ ઈન્ડિયા માટે રમવાનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. ભારત અને આર્યલેન્ડ વચ્ચે 26 જૂનથી શરૂ થનારી બે મેચની ટી-20 શ્રેણી માટે વૈભવની ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં વૈભવને તેમની ભારતીય ટીમની જર્સી આપવામાં આવી હતી, જેમાં તેમના જર્સી નંબરનો પણ ખુલાસો થયો હતો.

નંબર-3ની જર્સી સાથે મેદાનમાં ઉતરશે

વિડિયોમાં ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફના સભ્ય દ્વારા વૈભવને જર્સી સોંપવામાં આવે છે. જર્સી હાથમાં લેતા જ તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે વૈભવને નંબર-3ની જર્સી ફાળવવામાં આવી છે. ભારતીય ક્રિકેટમાં અગાઉ સુરેશ રૈના, હરભજન સિંહ અને યુડવેન્દ્ર ચહલ જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ આ જર્સી નંબર સાથે રમ્યા છે.

માતાની સલાહથી લીધો નિર્ણય

વૈભવે પોતાના ક્રિકેટ કારકિર્દીની શરૂઆત દરમિયાન નંબર-12ની જર્સી પહેરવાનું પસંદ કર્યું હતું. જોકે તેમની માતાએ તેમને નંબર બદલવાની સલાહ આપી હતી. માતાના જણાવ્યા અનુસાર 12ના અંકોનો સરવાળો 3 થાય છે (1+2=3), તેથી સીધો નંબર-3 પસંદ કરવો વધુ યોગ્ય રહેશે. વૈભવે માતાની સલાહ સ્વીકારી અને ત્યારથી નંબર-3ની જર્સી સાથે રમવાનું શરૂ કર્યું હતું.

જર્સી મળતા જ લાગણીસભર બન્યો વૈભવ

ભારતીય ટીમની જર્સી મળ્યા બાદ વૈભવ સૂર્યવંશીએ પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, “મેં પ્રથમ વખત બેટ હાથમાં લીધો ત્યારથી જે સપનું જોયું હતું તે આજે પૂર્ણ થયું છે. આ ક્ષણને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. જર્સી જોતા જ હું એટલો ખુશ થઈ ગયો કે કંઈ સમજાતું નહોતું. ક્યારેક જેની કલ્પના પણ ન કરી હોય તે જીવનમાં સાકાર થઈ જાય છે.”

આયર્લેન્ડ પ્રવાસે રવાના

વૈભવ સૂર્યવંશી 23 જૂનના રોજ ભારતીય ટીમ સાથે આયર્લેન્ડ પ્રવાસે રવાના થયો છે. ટીમના પ્રથમ દળમાં સંજુ સેમસન, અક્ષર પટેલ અને અભિષેક શર્મા જેવા ખેલાડીઓ પણ સામેલ છે. માત્ર 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરી રહેલા વૈભવની સંભાળ માટે તેમના માતા-પિતાને પણ આ પ્રવાસમાં સાથે રહેવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય BCCI દ્વારા યુવા ખેલાડીના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *