રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે જિલ્લાકક્ષાની હોસ્પિટલના વિકાસકામનું ખાતમુહૂર્ત; ગ્રામ્ય વિસ્તારને મળશે ગુણવત્તાસભર આરોગ્ય સેવા
સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે રૂ. 55 કરોડના ખર્ચે જિલ્લાકક્ષાની અદ્યતન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. ક્રિટિકલ કેર સહિતની અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓથી સજ્જ બનનારી આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે સંપન્ન થયું હતું. આ હોસ્પિટલ કાર્યરત બન્યા બાદ સાવરકુંડલા-લીલીયા સહિત આસપાસના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના લોકોને ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ માટે દૂર જવાની જરૂર રહેશે નહીં.
અંતરિયાળ વિસ્તારો માટે આશીર્વાદરૂપ બનશે હોસ્પિટલ
કાર્યક્રમને સંબોધતા રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, નવી હોસ્પિટલમાં મલ્ટીસ્પેશિયાલિટી સારવાર, ક્રિટિકલ કેર સહિત આરોગ્યની તમામ જરૂરી અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે, આ જિલ્લાકક્ષાની હોસ્પિટલ અંતરિયાળ ગામોમાં વસતા નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને લોકોને સમયસર તેમજ ગુણવત્તાસભર સારવાર મળી શકશે.
સરકાર આરોગ્ય ક્ષેત્રે સતત વિકાસ માટે પ્રતિબદ્ધ
આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને આધુનિક બનાવવા માટે સતત કાર્ય કરી રહી છે. ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ રહેતી સુવિધાઓ હવે સરકારી હોસ્પિટલોમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ગરીબ અને વંચિત વર્ગના લોકોને પણ શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળી રહે તે માટે સરકાર અવિરત પ્રયાસો કરી રહી છે. ગુજરાતની સરકારી હોસ્પિટલો આજે વધુ સુવિધાસંપન્ન અને ટેક્નોલોજીથી સજ્જ બની રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
જન્મથી વૃદ્ધાવસ્થા સુધી આરોગ્ય સુરક્ષાનું વિઝન
પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર બાળકના જન્મથી લઈને વૃદ્ધ નાગરિકોની સંભાળ સુધીની આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે કાર્યરત છે. તેમણે પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધવાની પણ અપીલ કરી હતી. “જેમ પરિવાર માટે ફેમિલી ડોક્ટર જરૂરી છે, તેમ સમાજ માટે ફેમિલી ફાર્મરનું મહત્વ પણ વધતું જાય છે,” એમ તેમણે જણાવ્યું હતું. સમાજમાં પ્રેમ, કરુણા અને દયાની ભાવનાઓ દ્વારા જ વધુ સશક્ત સમાજનું નિર્માણ શક્ય હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષા ચોડવડીયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન પ્રદીપ ભાખર, તાલુકા પંચાયત પ્રમુખ દક્ષા મહીડા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ નયના કાપડીયા, ઉપપ્રમુખ નુતન તન્ના, એસ.ઈ.પી.આઈ.યુ. ગાંધીનગરના એસ.સી. મિસ્ત્રી, આર.ડી.ડી. ભાવનગર ડૉ. હરેશ વાળા, સી.ડી.એચ.ઓ. અમરેલી ડૉ. સિંઘ, મામલતદાર દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી જિગ્નેશ વાઘાણી સહિત અનેક અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
