સાવરકુંડલાના જુના સાવર ખાતે રૂ. 1.30 કરોડના ખર્ચે અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

Spread the love

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે લોકાર્પણ; મેડિકલ ફેસિલિટી, ઈમરજન્સી સારવાર, મમતા ક્લિનિક અને ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓથી ગ્રામ્ય વિસ્તારોને મળશે ગુણવત્તાસભર આરોગ્ય સેવા

સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જુના સાવર મુકામે રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા આરોગ્ય કેન્દ્રના કાર્યરત થતાં આસપાસના ગામોના નાગરિકોને ઘરઆંગણે આધુનિક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે, જેના કારણે સારવાર માટે દૂર જવાની જરૂરિયાતમાં પણ ઘટાડો થશે.

ગ્રામ્ય આરોગ્ય સેવાઓને મળશે નવી દિશા

નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સામાન્ય મેડિકલ સારવાર ઉપરાંત ઈમરજન્સી સારવાર, મમતા ક્લિનિક, ઓપરેશન થિયેટર તેમજ અન્ય જરૂરી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાઓના કારણે સગર્ભા મહિલાઓ, બાળકો, વૃદ્ધો તેમજ સામાન્ય દર્દીઓને સમયસર સારવાર મળી રહેશે અને ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે.

સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય માળખું મજબૂત બનાવી રહી છે: પ્રફુલભાઈ પાનશેરીયા

લોકાર્પણ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સતત પ્રયાસોના પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આરોગ્ય સેવાઓનું માળખું ઝડપથી મજબૂત બની રહ્યું છે. ગામડાં સુધી આધુનિક આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાનો સરકારનો સંકલ્પ છે, જેથી લોકોને ઘરઆંગણે જ સારવાર મળી શકે અને તેમના આરોગ્ય પર થતા આર્થિક બોજમાં ઘટાડો થાય.

તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર દરેક ગામના પ્રશ્નોને સાંભળી તેનું સમયસર નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છે. સમાજમાં પરસ્પર પ્રેમ, કરુણા અને દયાની ભાવના જળવાઈ રહે ત્યારે જ સમાજ વધુ સુખાકારી અને સશક્ત બની શકે છે. આરોગ્ય ક્ષેત્રે વિકાસ સાથે સામાજિક મૂલ્યોનું જતન પણ એટલું જ જરૂરી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું.

સ્થાનિક નાગરિકોમાં ખુશીની લાગણી

આરોગ્ય કેન્દ્ર શરૂ થતાં સ્થાનિક નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. અત્યાર સુધી નાની-મોટી સારવાર માટે શહેર સુધી જવું પડતું હતું, જ્યારે હવે પ્રાથમિક આરોગ્ય સેવાઓ, માતા-બાળ આરોગ્ય સેવા, ઈમરજન્સી સારવાર અને અન્ય આરોગ્ય સુવિધાઓ ગામ નજીક જ ઉપલબ્ધ બનશે. આ કેન્દ્રથી સમગ્ર વિસ્તારના હજારો લોકોને સીધો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

આગેવાનો અને અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાચોડવડીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશકસવાલા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન પ્રદીપ ભાખર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ કલ્પેશ કાનાણી, જિલ્લા આરોગ્ય અધિકારી એ.કે. સિંઘ, સાવરકુંડલા મામલતદાર દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી જિગ્નેશ વાઘાણી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *