ઉઝબેકિસ્તાન બાદ ઇન્ડોનેશિયાને 17-1થી હરાવ્યું; દીપિકા, રુતુજા અને નવનીત કૌરનો હેટ્રિક, સવિતા પુનિયાએ રચ્યો ઐતિહાસિક રેકોર્ડ
ગિફુ :
એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા હોકી ટીમનો શાનદાર ગોલવર્ષા સાથેનો દબદબો યથાવત્ રહ્યો છે. પૂલ-બીની બીજી મેચમાં ભારતે ઇન્ડોનેશિયાને 17-1થી હરાવી સતત બીજી જીત નોંધાવી. ભારતે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યું હતું. આમ, બે મેચમાં ભારતીય ટીમે કુલ 36 ગોલ નોંધાવ્યા છે.
ભારત તરફથી દીપિકા સેહરાવત, રુતુજા દાદાસો પિસલ અને નવનીત કૌરે ત્રણ-ત્રણ ગોલ કરીને હેટ્રિક નોંધાવી હતી. આ જીત સાથે ભારતના બે મેચમાં છ પોઈન્ટ થયા છે અને ગોલ ડિફરન્સ +35 થયું છે.
પ્રથમ ક્વાર્ટરમાં જ ચાર ગોલ, હાફ ટાઈમે 9-0ની લીડ
ગિફુ પ્રીફેક્ચરલ ગ્રીન સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે શરૂઆતથી જ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ક્વાર્ટરમાં ભારતે ચાર ગોલ નોંધાવ્યા હતા. ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં વધુ પાંચ ગોલ કરીને હાફ ટાઈમે ભારતે 9-0ની મજબૂત લીડ મેળવી હતી.
ત્રીજા ક્વાર્ટરમાં ભારતે વધુ પાંચ ગોલ કર્યા હતા. ઇન્ડોનેશિયાએ આ દરમિયાન એક ગોલ કરીને ખાતું ખોલાવ્યું હતું, પરંતુ ભારતીય ટીમે તરત જ વળતો પ્રહાર કરીને અંતિમ ક્વાર્ટરમાં વધુ ત્રણ ગોલ નોંધાવ્યા હતા.
દીપિકા, રુતુજા અને નવનીત કૌરની હેટ્રિક
ભારતની જીતમાં દીપિકા સેહરાવત, રુતુજા દાદાસો પિસલ અને નવનીત કૌર મુખ્ય સ્કોરર રહી હતી. ત્રણેય ખેલાડીઓએ ત્રણ-ત્રણ ગોલ નોંધાવ્યા હતા. ઉઝબેકિસ્તાન સામેની પ્રથમ મેચમાં આઠ ગોલ કરનાર દીપિકાએ પોતાની શાનદાર ફોર્મ યથાવત્ રાખી હતી.
સુનેલિતા ટોપ્પો, લાલરેમ્સિયામી અને સાક્ષી રાણાએ બે-બે ગોલ કર્યા હતા. જ્યારે કેપ્ટન સલીમા ટેટે અને ઇશિકા ચૌધરીએ પણ ભારત માટે ગોલ નોંધાવ્યા હતા. ભારત તરફથી આઠમી મિનિટે દીપિકાએ પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ખાતું ખોલાવ્યું હતું.
સવિતા પુનિયાએ રચ્યો ભારતીય મહિલા હોકીનો રેકોર્ડ
ઇન્ડોનેશિયા સામેની મેચ ભારતીય મહિલા હોકીની અનુભવી ગોલકીપર સવિતા પુનિયા માટે પણ ઐતિહાસિક બની હતી. સવિતાએ 321મી સિનિયર આંતરરાષ્ટ્રીય મેચ રમતાં ભારતીય મહિલા હોકીમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડી બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
સવિતાએ 320 આંતરરાષ્ટ્રીય મેચનો અગાઉનો રેકોર્ડ ધરાવતી વંદના કટારિયાને પાછળ છોડી આ સિદ્ધિ મેળવી છે. ભારતીય હોકીમાં સવિતાની કારકિર્દીમાં અનેક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટનો સમાવેશ થાય છે.
હવે થાઈલેન્ડ સામે મુકાબલો
ભારતીય મહિલા ટીમ હવે પૂલ-બીની ત્રીજી મેચમાં બુધવારે થાઈલેન્ડ સામે મેદાનમાં ઉતરશે. ભારત સતત ત્રીજી જીત સાથે પોતાની વિજયી લય જાળવી રાખવા પ્રયાસ કરશે.
એશિયન ગેમ્સની મહિલા હોકી સ્પર્ધા લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફિકેશનના માર્ગ તરીકે પણ મહત્વપૂર્ણ છે.
