હાર્ટ ફેલ્યોર કે સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને મળશે એલર્ટ! મૈરિંગો CIMSમાં AI આધારિત 24×7 મોનિટરિંગથી 115થી વધુ હાઈ-રિસ્ક દર્દીઓના જીવ બચ્યા

Spread the love

ગુજરાતમાં પ્રથમ વખત AI આધારિત રિમોટ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ શરૂ; 6,551થી વધુ હાઈ-રિસ્ક દર્દીઓનું સતત નિરીક્ષણ, ઇમરજન્સી પહેલાં જ ડૉક્ટરોને મળે છે ચેતવણી

અમદાવાદ:

ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ટેક્નોલોજીનો વધુ એક મહત્વપૂર્ણ પડાવ પાર કરતાં મૈરિંગો CIMS હોસ્પિટલ્સે રાજ્યની પ્રથમ 24×7 AI આધારિત રિમોટ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી છે. આ અત્યાધુનિક સિસ્ટમ હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોક, અનિયમિત હૃદયધબકારા સહિતની ગંભીર તબીબી સ્થિતિ સર્જાય તે પહેલાં જ ડૉક્ટરોને એલર્ટ મોકલે છે. હોસ્પિટલના જણાવ્યા મુજબ, છેલ્લા અઢી વર્ષમાં આ ટેક્નોલોજીની મદદથી 115થી વધુ હાઈ-રિસ્ક કાર્ડિયાક દર્દીઓના જીવ બચાવવામાં સફળતા મળી છે.

AI બાયોસેન્સરથી 24 કલાક દર્દી પર નજર

આ સિસ્ટમ AI સક્ષમ વેરેબલ બાયોસેન્સર દ્વારા દર્દીના હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, ઓક્સિજન લેવલ, શ્વાસોચ્છ્વાસનો દર સહિતના વિવિધ આરોગ્ય પરિમાણોનું સતત રિયલ-ટાઈમ મોનિટરિંગ કરે છે. જો દર્દીની સ્થિતિમાં કોઈ ગંભીર ફેરફાર જોવા મળે તો તરત જ દર્દી, સારવાર આપતા ડૉક્ટર અને હોસ્પિટલના 24×7 કમાન્ડ સેન્ટરને એલર્ટ મોકલવામાં આવે છે.

6,551થી વધુ દર્દીઓનું મોનિટરિંગ, અનેક ઇમરજન્સી ટળી

હોસ્પિટલના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 6,551થી વધુ હાઈ-રિસ્ક દર્દીઓનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે. આ દરમિયાન 836 ઇમરજન્સી કેસમાં સમયસર સારવાર આપવામાં આવી, 115 કોડ બ્લૂ જેવી ગંભીર પરિસ્થિતિઓ ટાળવામાં સફળતા મળી, 81 દર્દીઓને ICUમાં ખસેડવાની જરૂરિયાત અટકાવવામાં આવી તેમજ ત્રણ દર્દીઓને સમયસર CPR આપીને જીવન બચાવવામાં આવ્યું.

ડિસ્ચાર્જ પછી પણ રહેશે સતત દેખરેખ

પરંપરાગત હોસ્પિટલ મોનિટરિંગની સરખામણીએ આ AI આધારિત સિસ્ટમ દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પણ ઘરે કે મુસાફરી દરમિયાન સતત મોનિટરિંગ ચાલુ રાખે છે. આથી દર્દી પોતાના ઘરમાં રહીને પણ સુરક્ષિત રીતે સારવાર મેળવી શકે છે અને ડૉક્ટરો દર્દીની સ્થિતિ પર સતત નજર રાખી શકે છે.

ડૉ. ધીરેન શાહે શું કહ્યું?

મૈરિંગો CIMS હોસ્પિટલના CVTS અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના ડિરેક્ટર ડૉ. ધીરેન શાહે જણાવ્યું કે હોસ્પિટલ છેલ્લા અઢી વર્ષથી આ AI આધારિત બાયોસેન્સર ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. તેમના જણાવ્યા મુજબ આ ટેક્નોલોજી દર્દીની સ્થિતિ ગંભીર બને તે પહેલાં જ ચેતવણી આપી દે છે, જેના કારણે સમયસર સારવાર શરૂ કરી દર્દીઓના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ સફળતા મળી રહી છે.

24×7 AI કમાન્ડ સેન્ટર રહેશે સક્રિય

હોસ્પિટલે ખાસ 24×7 AI મોનિટરિંગ કમાન્ડ સેન્ટર પણ શરૂ કર્યું છે, જ્યાં નિષ્ણાતોની ટીમ સતત દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કરે છે. કોઈપણ ગંભીર જોખમ જણાય ત્યારે સારવાર આપતા ડૉક્ટરોને તરત જ જાણ કરવામાં આવે છે, જેથી દર્દીની સ્થિતિ વધુ ગંભીર બનતા પહેલાં જ સારવાર શરૂ કરી શકાય.

હાર્ટ ફેલ્યોર અને સ્ટ્રોકના દર્દીઓ માટે આશીર્વાદ સમાન

આ ટેક્નોલોજી ખાસ કરીને હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોકનું જોખમ, હૃદય અને રક્તવાહિનીના ગંભીર રોગો, અસ્થમા તેમજ અન્ય દીર્ઘકાલીન ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવી રહી છે. AI દર્દીના શરીરમાં થતા સૂક્ષ્મ ફેરફારોનું વિશ્લેષણ કરીને ડૉક્ટરોને વહેલી ચેતવણી આપે છે, જેના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાતા પહેલાં જ જરૂરી સારવાર શરૂ કરી શકાય છે.

ડિજિટલ હેલ્થકેરમાં ગુજરાત માટે નવો માઈલસ્ટોન

મૈરિંગો CIMS હોસ્પિટલ્સના મેનેજમેન્ટના જણાવ્યા મુજબ આ AI પ્લેટફોર્મ માત્ર દર્દીનું મોનિટરિંગ જ નહીં પરંતુ હોસ્પિટલની કામગીરીને પણ વધુ કાર્યક્ષમ બનાવે છે. સમયસર સારવાર, ICUમાં ઓછો સમય, હોસ્પિટલમાં ઓછું રોકાણ અને દર્દીઓના ઝડપી સ્વાસ્થ્યલાભ જેવા અનેક ફાયદા આ ટેક્નોલોજીથી મળી રહ્યા છે. હોસ્પિટલનું માનવું છે કે આ પહેલ ગુજરાતમાં ડિજિટલ હેલ્થકેર અને ક્રિટિકલ કેરની નવી દિશા સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *