રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવી આરોગ્ય સુવિધાનો પ્રારંભ, ગ્રામજનોને મળશે આધુનિક સારવારનો લાભ
અમરેલી:
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામના ગ્રામજનોની વર્ષો જૂની માંગણીને પૂર્ણ કરતાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવનિર્મિત અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ આરોગ્ય કેન્દ્રથી આંબરડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને ઘરઆંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે.
જૂના જર્જરિત મકાનના સ્થાને આધુનિક બિલ્ડિંગનું નિર્માણ
આંબરડી ગામમાં વર્ષો જૂનું અને જર્જરિત થઈ ગયેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન તોડી પાડીને વિભાગના નિયત પ્લાન મુજબ અદ્યતન સુવિધાઓથી સજ્જ નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. નવી ઇમારત આધુનિક આરોગ્ય માળખા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવશે અને દર્દીઓને વધુ સુવિધાજનક સારવાર ઉપલબ્ધ કરાવશે.
દર્દીઓ માટે તમામ જરૂરી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ
નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ માટે કુલ 6 બેડની ક્ષમતા ધરાવતા પુરુષ અને મહિલા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત માઇનર ઓપરેશન થિયેટર, ડ્રેસિંગ અને ઇન્જેક્શન રૂમ, લેબોરેટરી તેમજ રસીના સુરક્ષિત સંગ્રહ માટે કોલ્ડ ચેઇન રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ સુવિધાઓના કારણે સામાન્ય તેમજ પ્રાથમિક સારવાર માટે લોકોને અન્ય શહેરોમાં જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે.
માતા અને બાળકના આરોગ્ય પર વિશેષ ભાર
ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓને વધુ સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે હોસ્પિટલમાં મમતા ક્લિનિક, લેબર રૂમ, પ્રિ-ઓપરેશન રૂમ તેમજ પીએમ રૂમની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. માતા અને બાળકના આરોગ્ય માટે આ સુવિધાઓ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે અને ગ્રામ્ય આરોગ્ય સેવાઓને નવી દિશા આપશે.
વહીવટી અને પૂરક સુવિધાઓથી સજ્જ આરોગ્ય કેન્દ્ર
હોસ્પિટલમાં વહીવટી કામગીરી માટે ઓફિસ કમ સ્ટોર રૂમ, દવા વિતરણ અને કેસ રજીસ્ટ્રેશન રૂમ, મેડિકલ ઓફિસર રૂમ તેમજ આયુષ ડોક્ટર રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પીવાના શુદ્ધ પાણી માટે વોટર કુલર, જરૂરી ફર્નિચર, સબમર્સિબલ પંપ અને બોરવેલ, આંતરિક માર્ગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ મજબૂત કમ્પાઉન્ડ વોલ જેવી પૂરક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
લોકાર્પણ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષા ચોડવડીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન પ્રદીપ ભાખર, તાલુકા પંચાયત પ્રમુખ દક્ષા મહીડા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ નયના કાપડીયા, આર.ડી.ડી. ભાવનગર ડો. હરેશ વાળા, સી.ડી.એચ.ઓ. અમરેલી ડો. સિંઘ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
