વર્લ્ડ કપમાં સૌથી વધુ 6 સદીના સચિનના રેકોર્ડની વોર્નરે બરોબરી કરી

Spread the love

વોર્નરે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને શ્રીલંકાના પૂર્વ ખેલાડી કુમાર સંગાકારાના 5 સદીના રેકોર્ડને તોડી દીધો


મુંબઈ
ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે નેધરલેન્ડ્સ સામે વન-ડે વર્લ્ડ કપ 2023માં ગઈકાલે રમાયેલી મેચમાં 93 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી શાનદાર 104 રન બનાવ્યા હતા. આ તેની વન-ડે વર્લ્ડ કપ 2023માં ત્રીજી સદી છે. આ સદી સાથે વોર્નરે એક નહીં પણ ત્રણ રેકોર્ડ બનાવ્યા હતા.
ડેવિડ વોર્નર વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર સંયુક્ત રીતે બીજો ખેલાડી બની ગયો છે. તેણે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. વોર્નર અને સચિને વન-ડે વર્લ્ડ કપમાં 6-6 સદી ફટકારી છે. આ સાથે જ વોર્નરે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને શ્રીલંકાના પૂર્વ ખેલાડી કુમાર સંગાકારાના 5 સદીના રેકોર્ડને તોડી દીધો છે. આ લીસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનું નામ ટોપ પર છે.
વોર્નર સૌથી ઝડપી 22 સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેણે 153 ઇનિંગ્સમાં 22 સદી ફટકારી છે. આ મામલામાં તેણે એબી ડી વિલિયર્સ અને રોહિત શર્માને પાછળ છોડી દીધા છે. ડી વિલિયર્સ અને રોહિતે અનુક્રમે 186 અને 188 ઇનિંગ્સમાં 22 સદી ફટકારી હતી. આ લીસ્ટમાં સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી હાશિમ અમલાનું નામ ટોપ પર છે. અમલાએ 126 ઇનિંગ્સમાં 22 સદી ફટકારી હતી. બીજા નબર પર વિરાટ કોહલી છે. કોહલીએ 143 ઇનિંગ્સમાં 22 સદી ફટકારી હતી.
ઓસ્ટ્રેલિયા માટે વન-ડે વર્લ્ડ કપમાં સતત બે સદી ફટકારનાર બેટ્સમેનની લીસ્ટમાં પણ ડેવિડ વોર્નરનું નામ સામેલ થઇ ગયું છે. વોર્નર ઉપરાંત માર્ક વો (1996), પોન્ટિંગ (2003-07) અને મેથ્યુ હેડન (2007) વન-ડે વર્લ્ડ કપમાં સતત બે સદી ફટકારી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *