કર્ણાટકમાં સક્રિય કટ્ટરપંથી સમૂહોમાં સંભવિત જોખમને ધ્યાનમાં રાખી તાજેતરમાં જ આઈબીએ તેમની સુરક્ષાનું મૂલ્યાંકન કર્યું હતું
નવી દિલ્હી
કર્ણાટકના પૂર્વ સીએમ અને બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાને ઝેડ કેટેગરીની સિક્યોરિટી મળી છે. તાજેતરમાં જ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા ખતરાનું એલર્ટ જાહેર કર્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે.
કર્ણાટકમાં સક્રિય કટ્ટરપંથી સમૂહોમાં સંભવિત જોખમને ધ્યાનમાં રાખી તાજેતરમાં જ આઈબીએ તેમની સુરક્ષાનું મૂલ્યાંકન કર્યું હતું. આઈબીના રિપોર્ટમાં તેમની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ રિપોર્ટ કેન્દ્રીય ગૃહમંત્રાલયને પણ સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમની સુરક્ષા વધારવાનો નિર્ણય લોવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે યેદિયુરપ્પાની સુરક્ષાની જવાબદારી સીઆરપીએફ કમાન્ડોના સશસ્ત્ર જવાનો સંભાળશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે યેદિરુપ્પાની સુરક્ષા માટે કુલ 33 સીઆરપીએફ જવાનો તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત તેમના આવાસ પર 10 સશસ્ત્ર સ્ટૈટિક ગાર્ડ તૈનાત રહેશે. તેમની સાથે મળીને પર્સનલ સુરક્ષા અધિકારી 24 કલાક સુરક્ષા નિશ્ચિત કરશે.
તેમના કાફલામાં વિશેષ રીતે પ્રશિક્ષિત કુશળ ડ્રાઈવરોને પણ સામેલ કરવામાં આવ્યા છે જેઓ ખતરાની સ્થિતિમાં તેમને સુરક્ષિત બહાર કાઢવામાં સક્ષમ હશે. સંભવિત ખતરા સામે સતત તકેદારી રાખવા માટે 12 સશસ્ત્ર એસ્કોર્ટ કમાન્ડોને ત્રણ શિફ્ટમાં તૈનાત કરવામાં આવશે. સતત દેખરેખ માટે બે નિરીક્ષકોને શિફ્ટમાં તૈનાત કરવામાં આવશે જેમના બે સ્તરીય સુરક્ષા ઘેરામાં હંમેશા યેદિયુરપ્પા રહેશે.
તેમની સુરક્ષામાં તૈનાત થનારા કમાન્ડો માર્શલ આર્ટમાં પણ નિપુણ છે અને હથિયારો વગર લડવામાં પણ પારંગત છે. તેઓ 24 કલાક મશીન ગન અને મોર્ડન કમ્યુનિકેશન ડિવાઈસથી લેશ હશે. યેદિયુરપ્પાના પરિવારના અનેક લોકો રાજનીતિમાં સક્રિય છે. એવો પણ દાવો કરવામાં આવ્યો રહ્યો છે કે, તેમને ચરમપંથી સમૂહો દ્વારા ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ ગૃહ મંત્રાલયે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.