સુરતના નાસીરનગર ડિમોલિશનમાં મંજૂરી વિના 150 જેટલા મકાનો તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત

Spread the love

ગુજરાત હાઈકોર્ટના વેધક સવાલો, ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે તપાસના આદેશ

અમદાવાદ

સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ મેગા ડિમોલિશન કેસમાં રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ કબૂલાત કરી છે. સરકારે સ્વીકાર્યું છે કે નાસીરનગરમાં થયેલા દબાણો કોઈપણ સત્તાધીશની મંજૂરી વિના તોડી પાડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં ગંભીર બેદરકારી સામે આવતાં ગુજરાત હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકા (SMC), પોલીસ અને અન્ય સંબંધિત વિભાગોને આકરા સવાલો પૂછ્યા છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

150 મકાનો તોડાયા, અધિકારીઓ સ્થળ પર હાજર હતા

કોર્ટમાં સરકારે જણાવ્યું હતું કે જ્યારે અંદાજે 150 જેટલા મકાનો તોડી પાડવામાં આવી રહ્યા હતા ત્યારે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને ટોરેન્ટ પાવરના અધિકારીઓ સ્થળ પર હાજર હતા. તેમ છતાં, કોઈએ પણ મંજૂરી સંબંધિત દસ્તાવેજો માંગ્યા નહોતા કે ગેરકાયદે કાર્યવાહી રોકવાનો પ્રયાસ કર્યો નહોતો. સરકારે આ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપી દીધા હોવાનું પણ કોર્ટમાં જણાવ્યું.

હાઈકોર્ટના SMCને વેધક સવાલો

સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાને આડે હાથ લીધી હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે આટલા મોટા પાયે ડિમોલિશન થઈ રહ્યું હતું ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ શું કરી રહ્યા હતા? જો ડિમોલિશન માટે કોઈ સત્તાવાર મંજૂરી નહોતી, તો લોકોના મકાનો કેવી રીતે તોડી શકાય? કોર્ટે એ પણ પૂછ્યું કે જો અધિકારીઓ માત્ર જમીનનું ડિમાર્કેશન કરવા ગયા હતા, તો પછી પોલીસ અને અન્ય વિભાગોની હાજરીનું કારણ શું હતું?

ટોરેન્ટ પાવરને પણ આપવો પડશે જવાબ

સુનાવણી દરમિયાન ટોરેન્ટ પાવરે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમને કોઈ લેખિત આદેશ મળ્યો નહોતો, પરંતુ માત્ર ટેલિફોનિક સૂચના આધારે સ્થળ પર પહોંચ્યા હતા. કંપનીના જણાવ્યા મુજબ તેઓ પહોંચ્યા ત્યાં સુધીમાં 10થી 15 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને તેમના વીજ મીટરોને પણ નુકસાન થયું હતું. હાઈકોર્ટે ટોરેન્ટ પાવરને સોગંદનામું દાખલ કરીને સ્પષ્ટ કરવા આદેશ આપ્યો છે કે વીજ જોડાણ કયા અધિકારીના આદેશથી કાપવામાં આવ્યા હતા.

ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી જરૂરી

સુરત મહાનગરપાલિકાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે સંબંધિત જમીનના પુનર્વિકાસ માટે અધિકારીઓ સ્થળ પર હાજર હતા અને ડિમાર્કેશન દરમિયાન દબાણો જોવા મળતાં ઘટના બની હતી. જોકે કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મંજૂરી વિના ડિમોલિશન કરવું કાયદેસર નથી અને જો ગેરરીતિ થઈ હોય તો ઉચ્ચ અધિકારીઓ સામે નક્કર કાર્યવાહી કરવી પડશે. કોર્ટે એ પણ નોંધ્યું કે ઘટનાને એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કેમ કરવામાં આવી નથી.

26 પીડિતોએ હાઈકોર્ટનો આશરો લીધો

આ સમગ્ર મામલે નાસીરનગરના 26 અસરગ્રસ્ત પરિવારો ન્યાયની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે. અરજદારો દ્વારા રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ કમિશનર, એસ.ઓ.જી.ના અધિકારીઓ તેમજ ટોરેન્ટ પાવર કંપનીને પક્ષકાર બનાવી અરજી દાખલ કરવામાં આવી છે.

સુઓમોટો કાર્યવાહીનો સંકેત

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે અસરગ્રસ્તોની સંખ્યા પાંચ હોય કે ત્રણ કરોડ, દરેક નાગરિકને કાયદા સમક્ષ સમાન અધિકાર મળે છે. કોર્ટે સમગ્ર ઘટનાને ગંભીર ગણાવી સંબંધિત વિભાગો પાસેથી વિગતવાર જવાબ માંગ્યો છે. સાથે જ, જરૂર પડશે તો આ મુદ્દે સ્વયંપ્રેરિત (સુઓમોટો) કાર્યવાહી કરવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. હવે તપાસ અહેવાલ અને આગામી સુનાવણીમાં જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *