અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી

Spread the love

‘અમરગાથા’ પુસ્તકનું વિમોચન, ‘પ્રેરણા કક્ષ’ અને દર્દીઓ માટે ઇલેક્ટ્રિક કાર સેવાનું લોકાર્પણ; 250થી વધુ અંગદાનથી 1000થી વધુ દર્દીઓને નવજીવન

અંગદાન મહાદાન, પરંતુ સંતુલિત જીવનશૈલી અને સંવેદનશીલતા પણ જીવન બચાવવાનું મોટું દાન: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા

અમદાવાદ:

અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આધુનિક કોન્ફરન્સ હોલ પ્રેરણા કક્ષ’નું અનાવરણ તેમજ દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ અને હોસ્પિટલ સ્ટાફની સુવિધા માટે ઇલેક્ટ્રિક કાર સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધી થયેલા 250થી વધુ અંગદાન અને 1000થી વધુ અંગ-પેશી દાનની પ્રેરણાદાયી સફરને રજૂ કરતું ‘અમરગાથા’ પુસ્તક પણ વિમોચિત કરવામાં આવ્યું હતું.

અંગદાનમાં ગુજરાતની સરકારી હોસ્પિટલોની આગવી કામગીરી

આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે અંગદાન એ મહાદાન છે. અમદાવાદ અને સુરત સિવિલ હોસ્પિટલ તેમજ IKDRC જેવી સરકારી સંસ્થાઓમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને ઓર્ગન ડોનેશન ક્ષેત્રે દેશભરમાં નોંધપાત્ર અને અગ્રણી કામગીરી થઈ રહી છે. તેમણે જણાવ્યું કે વધુમાં વધુ લોકો અંગદાન માટે આગળ આવે તે જરૂરી છે, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર જીવનદાન મળી શકે.

અસંતુલિત જીવનશૈલીથી વધી રહ્યા છે ગંભીર રોગો

મંત્રીશ્રીએ જણાવ્યું કે નાની ઉંમરે ડાયાલિસિસ અને હૃદયરોગના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેનું એક મોટું કારણ અસંતુલિત ખાનપાન અને જંક ફૂડ છે. ભારતીય સંસ્કૃતિ તથા આયુર્વેદની ચરક અને સુશ્રુત સંહિતામાં રોગ થતાં પહેલાં જ તેને અટકાવવાની જીવનશૈલી પર ભાર મૂકવામાં આવ્યો છે. ખોરાકમાં ભેળસેળ અટકાવવી, કેમિકલ પ્રદૂષણ રોકવું અને વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી જેવી બાબતો પણ જીવન બચાવવાની દિશામાં મહત્વપૂર્ણ છે.

અંગદાન ધર્મની સીમાઓથી પર માનવસેવા

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે મેડિસિટી કેમ્પસમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ યોજાયો છે. તેમણે અંગદાન અંગે જાગૃતિ ફેલાવવામાં દિલીપભાઈ દેશમુખ ‘દાદા’ના યોગદાનની પ્રશંસા કરી. દાદાએ 5 લાખ કિલોમીટરથી વધુ પ્રવાસ કરીને અંગદાનનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો છે. યાસ્મીનબેનના સહયોગથી મુસ્લિમ પરિવારો દ્વારા પણ અંગદાન માટે આગળ આવવાની કામગીરી થઈ છે, જે અંગદાન માનવસેવાની ભાવના છે અને ધર્મની સીમાઓથી પર છે તે દર્શાવે છે.

‘દાન’ એટલે દિલીપભાઈ દેશમુખ દાદા

UNMICRCના નિયામક ડૉ. ચિરાગ દોશીએ અંગદાન અંગે ‘દાન એટલે દિલીપભાઈ દેશમુખ દાદા’ એવો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે દિલીપદાદાએ પોતાના આરોગ્યની ચિંતા કરતાં બીજાના જીવન અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી અનેક લોકોને નવજીવન આપવાનો પ્રયાસ કર્યો છે. દેશમાં દર વર્ષે આશરે 50 હજાર દર્દીઓ હાર્ટ ફેલિયરની સમસ્યાથી પીડાય છે, જ્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા તેની સરખામણીમાં ઘણી ઓછી છે. બ્રેન ડેડ વ્યક્તિઓના અંગદાનમાં વધારો થાય તો હજારો દર્દીઓને સમયસર નવજીવન મળી શકે છે.

‘અમરગાથા’માં અંગદાતાઓની પ્રેરણાદાયી સફર

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા 250થી વધુ અંગદાન અને 1000થી વધુ અંગ-પેશી દાનની ભાવુક સફરને ‘અમરગાથા’ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે. પુસ્તકમાં અંગદાતાઓ અને તેમના પરિવારોના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ પ્રસંગે IKDRC, UNMICRC અને સિવિલ હોસ્પિટલની અંગદાન અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવનારી ટીમોનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.

તબીબો અને સ્ટાફની ઉપસ્થિતિ

કાર્યક્રમમાં IKDRCના નિયામક ડૉ. પ્રાંજલ મોદી અને દિલીપભાઈ દેશમુખ ‘દાદા’એ પણ અંગદાનના મહત્વ અંગે વિચારો રજૂ કર્યા હતા. BJ મેડિકલ કોલેજના ડીન ડૉ. મીનાક્ષી પરીખ, DMERના અધિક નિયામક ડૉ. જયેશ સચદે સહિત મોટી સંખ્યામાં તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *