ગાંધીનગર-જામનગર વચ્ચે પોઇન્ટ્સ સમાન, ગોલ એવરેજના આધારે ગાંધીનગર આગળ; સુપર લીગ તબક્કામાં ટીમો વચ્ચે રોમાંચક ટક્કર
ગાંધીનગર
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના ફાઇનલ રાઉન્ડના લીગ તબક્કાનો પ્રારંભ થયો છે. ટુર્નામેન્ટના આ તબક્કામાં રાજ્યની વિવિધ જિલ્લાની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવશે.
ફાઇનલ રાઉન્ડના લીગ તબક્કામાં રમાયેલી પ્રથમ મેચમાં અમદાવાદની ટીમે ભાવનગર સામે એકતરફી મુકાબલામાં 16-0થી ભવ્ય વિજય મેળવ્યો હતો. અમદાવાદ તરફથી ટફલ હિંગોરાએ એકલા હાથે 6 ગોલ ફટકારી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અમદાવાદના આક્રમક ખેલાડીઓએ સમગ્ર મેચ દરમિયાન ભાવનગરની ટીમ પર સતત દબાણ જાળવી રાખ્યું હતું.
બીજી મેચમાં વડોદરાની ટીમે આણંદ સામે 9-1થી શાનદાર જીત નોંધાવી હતી. વડોદરા તરફથી કૌશિક પંચાલે 3 ગોલ, જ્યારે તેજ પટેલે 2 ગોલ નોંધાવ્યા હતા. આ ઉપરાંત રુદ્ર ક્ષેત્રી, અરિહંત રાજપુરોહિત, નૈનેશ અને વિજેન્દ્ર કુમારે એક-એક ગોલ કર્યો હતો. આણંદ તરફથી મોયુદ્દીને એક ગોલ નોંધાવ્યો હતો.
ત્રીજી મેચમાં જૂનાગઢ અને રાજકોટ વચ્ચે મુકાબલો થયો હતો. જૂનાગઢની ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં રાજકોટને 3-0થી પરાજય આપ્યો હતો. જૂનાગઢ તરફથી પ્રતિક સ્વામીએ 2 ગોલ, જ્યારે ધર્મેશ પરમારે 1 ગોલ કર્યો હતો. જૂનાગઢે સમગ્ર મેચ દરમિયાન રાજકોટને એક પણ ગોલ કરવાની તક આપી નહોતી.
ચોથી મેચમાં છોટાઉદેપુરની ટીમે દેવભૂમિ દ્વારકા સામે 4-0થી વિજય મેળવ્યો હતો. છોટાઉદેપુર તરફથી રામસંગ રાઠવાએ 2 ગોલ અને રમન રાઠવાએ 1 ગોલ કર્યો હતો. દેવભૂમિ દ્વારકાના સાજિદ હિંગોરાના સેલ્ફ ગોલને કારણે છોટાઉદેપુરના ખાતામાં વધુ એક ગોલ ઉમેરાયો હતો.
પોઇન્ટ્સ ટેબલમાં રસપ્રદ સ્થિતિ
ગાંધીનગર અને જામનગરની ટીમોના પોઇન્ટ્સ સમાન છે. જોકે ગોલ એવરેજના આધારે ગાંધીનગરની ટીમ આગળ છે. સુપર લીગ તબક્કામાં ગાંધીનગર, વડોદરા અને જૂનાગઢ સહિતની ટીમો વચ્ચે આગળ વધવા માટે મહત્વપૂર્ણ મુકાબલા જોવા મળશે.
આવતીકાલે છોટાઉદેપુર-રાજકોટ વચ્ચે મુકાબલો
ફાઇનલ રાઉન્ડના લીગ તબક્કામાં આગામી મુકાબલો છોટાઉદેપુર અને રાજકોટની ટીમો વચ્ચે રમાશે. બંને ટીમો આગામી મેચમાં સારા પ્રદર્શન સાથે ટુર્નામેન્ટમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા મેદાનમાં ઉતરશે.
