E10 કમ્પેટીબલ વાહનોમાં E20 ઇંધણના વપરાશથી ફ્યુલ સિસ્ટમ પ્રભાવિત થવાની આશંકા; માઇલેજમાં 2 થી 6 ટકાનો ઘટાડો નોંધાયો અને BS-VI ટર્બો એન્જિનમાં પણ સમસ્યાઓ સામે આવી

નવી દિલ્હી
દેશભરમાં હાલમાં E20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) ના અમલીકરણ અને તેની વાહનો પર થતી અસરોને લઈને ભારે ચર્ચા અને વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ ગ્રાહકો અને કેટલાક નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે આ ઇંધણના કારણે વાહનોના એન્જિન બગડી રહ્યા છે, જ્યારે બીજી તરફ સરકાર આ ઇંધણને સંપૂર્ણપણે સુરક્ષિત ગણાવી રહી છે. આ ખેંચતાણ વચ્ચે ‘ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા’ (ARAI) નો એક અત્યંત મહત્વનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં E20 પેટ્રોલને તબક્કાવાર લાગુ કરવાની ભલામણ કરવામાં આવી હતી. જોકે આ રિપોર્ટ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ તે સરકાર અને વાહન ઉત્પાદક કંપનીઓ (OEMs) વચ્ચેનો એક મુખ્ય દસ્તાવેજ રહ્યો છે.
રબરના ભાગોને નુકસાન અને માઇલેજમાં ઘટાડો
ARAI ના રિપોર્ટમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે જે વાહનો માત્ર E10 (10% ઇથેનોલ) માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, તેમાં જો E20 પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે તો ફ્યુલ સિસ્ટમના રબરના ભાગોને ભારે નુકસાન થાય છે. આ ઇંધણના કારણે વાહનના હોઝ (પાઇપ), સીલ, ગેસ્કેટ અને O-રિંગ જેવા મહત્વના ભાગો ખરાબ થઈ શકે છે અને તેને વહેલી તકે બદલવાની જરૂર પડી શકે છે.
આ ઉપરાંત, રિપોર્ટમાં માઇલેજ અંગે પણ ચિંતાજનક વિગતો સામે આવી છે. E10 ઇંધણની તુલનામાં E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી વાહનોમાં ઇંધણનો વપરાશ 2% થી 6% સુધી વધી શકે છે, જેનો સીધો અર્થ એ છે કે વાહનની માઇલેજમાં 2 થી 6 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. જોકે, આ અસર અલગ-અલગ વાહનોના મોડલ અને એન્જિન ક્ષમતા પર આધાર રાખે છે.
BS-VI ટર્બો એન્જિનમાં જોવા મળી ખામી
રિપોર્ટના ડ્યુરેબિલિટી (ટકાઉપણું) ટેસ્ટ દરમિયાન જાણવા મળ્યું કે, ફોર-વ્હીલર વાહનોમાં જૂના BS-IV એન્જિનનું પ્રદર્શન E20 પેટ્રોલ સાથે બરાબર રહ્યું હતું. પરંતુ આધુનિક BS-VI ટર્બો-ચાર્જ્ડ એન્જિનમાં 265 કલાકના ટેસ્ટિંગ બાદ જ સમસ્યાઓ દેખાવા લાગી હતી.
એન્જિન ટકાઉપણાની આ તપાસ બે અગ્રણી ફોર-વ્હીલર ઉત્પાદક કંપનીઓ દ્વારા કરવામાં આવી હતી. જેમાં એક કંપનીનું એન્જિન 400 કલાક સુધી કોઈપણ સમસ્યા વિના ચાલ્યું હતું, જ્યારે બીજી કંપનીના એન્જિનમાં 809 કલાકના કુલ પરીક્ષણ દરમિયાન એન્જિનના એક્ઝોસ્ટ વાલ્વમાં ‘થર્મોમેકેનિકલ ફેલ્યોર’ (Thermomechanical Failure) જોવા મળ્યું હતું. નિષ્ણાતોના મતે, સામાન્ય રીતે વાહનોના એન્જિનનું પરીક્ષણ 2,000 કલાક સુધી કરવામાં આવતું હોય છે, તેની સરખામણીએ આ ખામી ઘણી વહેલી સામે આવી છે.
શું છે થર્મોમેકેનિકલ ફેલ્યોર? નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે એન્જિનમાં અતિશય ગરમી (થર્મલ) અને ઝડપી તથા વારંવાર થતી શારીરિક હલચલ (મિકેનિકલ) ભેગી થાય છે, ત્યારે તેના સંયુક્ત દબાણના કારણે એન્જિનનો એક્ઝોસ્ટ વાલ્વ કાં તો વળી જાય છે, તેમાં તિરાડ પડી જાય છે અથવા તે તૂટી જાય છે.
ટુ-વ્હીલર સુરક્ષિત અને મેટલ પાર્ટ્સ પર કોઈ અસર નહીં
આ રિપોર્ટમાં રાહતના સમાચાર એ છે કે દેશની ત્રણ અગ્રણી ટૂ-વ્હીલર (બાઇક અને સ્કૂટર) ઉત્પાદક કંપનીઓ દ્વારા કરવામાં આવેલા પરીક્ષણોમાં E20 ઇંધણના કારણે કોઈ ગંભીર ટેકનિકલ સમસ્યા જોવા મળી નથી. બે પૈડાવાળા વાહનોના એન્જિનનું પ્રદર્શન સંતોષજનક રહ્યું હતું.
આ ઉપરાંત, ટેસ્ટ કરવામાં આવેલા તમામ વાહનોના મેટલ (ધાતુ) ના ભાગો પર E20 પેટ્રોલની કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી. પ્રદૂષણના મોરચે પણ રાહત છે, કારણ કે E10 કમ્પેટીબલ વાહનોમાં E20 વાપરવા છતાં સાઇલેન્સરમાંથી નીકળતું ઉત્સર્જન (Tailpipe Emission) કાયદાકીય મર્યાદાની અંદર જ નોંધાયું હતું.
