‘નમો સ્વચ્છતા અભિયાન’માં છ દિવસમાં 5.49 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ

Spread the love

5.03 લાખથી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ, 1,677 ઓરડાઓ ઉપયોગ માટે થયા ખાલી; છઠા દિવસે 23 હજારથી વધુ સાધનોનું સમારકામ

ગાંધીનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યભરમાં ચાલી રહેલા નમો સ્વચ્છતા અભિયાનને નોંધપાત્ર સફળતા મળી રહી છે. રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજો અને સરકારી હોસ્પિટલો સુધી વ્યાપક સ્તરે હાથ ધરાયેલા આ અભિયાનના પ્રથમ છ દિવસમાં કુલ 5,49,897 બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી 5,03,329 વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે, જેના પરિણામે 1,677 ઓરડાઓ ખાલી થયા છે. આ ઓરડાઓનો આગામી સમયમાં દર્દીઓની સુવિધા માટે ઉપયોગ કરવામાં આવશે.

છઠા દિવસે 12 હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાન

અભિયાનના છઠા દિવસે રાજ્યભરની 12 હજારથી વધુ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન 38 હજારથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી અને તેમાંથી 44 હજારથી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. પરિણામે 165 ઓરડાઓ ખાલી થયા, જ્યારે બાકી રહેલી બિનઉપયોગી વસ્તુઓનો નિયમ મુજબ નિકાલ કરવાની કાર્યવાહી ચાલુ છે.

23 હજારથી વધુ સાધનોનું સફળતાપૂર્વક સમારકામ

સ્વચ્છતા અભિયાન માત્ર સફાઈ પૂરતું મર્યાદિત ન રહી, પરંતુ સરકારી સંપત્તિના જતન પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. છઠા દિવસે અંદાજે 23 હજારથી વધુ વસ્તુઓનું સમારકામ કરવામાં આવ્યું છે. તેમાં લાકડા અને લોખંડના ફર્નિચર, એમ્બ્યુલન્સ, સરકારી વાહનો, ઇલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી. ઉપકરણો તેમજ વિવિધ તબીબી સાધનોનો સમાવેશ થાય છે.

છ દિવસમાં 34 હજારથી વધુ વસ્તુઓનું રીપેરિંગ પૂર્ણ

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અભિયાનના પ્રથમ છ દિવસ દરમિયાન કુલ 34,166 જેટલી વસ્તુઓનું સફળતાપૂર્વક રીપેરિંગ કરવામાં આવ્યું છે. સમારકામથી અનેક ઉપકરણો અને સાધનો ફરી ઉપયોગલાયક બનતા સરકારી ખર્ચમાં બચત થવાની સાથે આરોગ્ય સેવાઓ પણ વધુ અસરકારક બનશે.

હોસ્પિટલોમાં સુરક્ષા અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન

આ અભિયાન હેઠળ હોસ્પિટલ પરિસરમાં પડેલા સ્ક્રેપ, ભંગાર અને અન્ય બિનઉપયોગી સામગ્રીનો યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે. સાથે જ બિલ્ડિંગ અને કેમ્પસની સઘન સફાઈ, શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા, પાણીની પાઇપલાઇનનું સમારકામ, ફાયર અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી, ફર્નિચરની મરામત, માઇનર સિવિલ વર્ક્સ તેમજ ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ જેવી મહત્વપૂર્ણ કામગીરીઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

1થી 7 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં અભિયાન

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત GMERS ઓડિટોરિયમથી આ રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તા. 1થી 7 જુલાઈ, 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા આ વિશેષ અભિયાનનો મુખ્ય હેતુ સરકારી આરોગ્ય સંસ્થાઓને વધુ સ્વચ્છ, સુરક્ષિત, સુવ્યવસ્થિત અને દર્દીકેન્દ્રિત બનાવવાનો છે. અભિયાનને રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ અને વહીવટી તંત્રનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *