૭૯ કિલો ઘન કચરાનો નિકાલ, ૧૫૯ બિનઉપયોગી મેડિકલ સાધનો થશે સ્ક્રેપ; દર્દી સુરક્ષા માટે માઇક્રો લેવલે ઝુંબેશ
અમદાવાદ
રાજ્ય સરકારના ‘નમો સ્વચ્છતા અભિયાન’ને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં સ્વચ્છતા, દર્દી સુરક્ષા અને હોસ્પિટલજન્ય ચેપ રોકવાના હેતુથી વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અભિયાન અંતર્ગત ૭૯ કિલો ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે ૧૫૯ બિનઉપયોગી મેડિકલ સાધનો અને ૧,૩૬૫ કન્ડમ વસ્તુઓને નિયમ મુજબ સ્ક્રેપ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
હોસ્પિટલજન્ય ચેપ રોકવા વિશેષ અભિયાન
હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડૉ. હેમાંગિની પટેલના જણાવ્યા મુજબ, હોસ્પિટલજન્ય ચેપ (નોઝોકોમિયલ ઇન્ફેક્શન)નું પ્રમાણ ઘટાડવાના ઉદ્દેશ સાથે માઇક્રો લેવલ પર સફાઈ, જંતુમુક્તીકરણ અને બિનજરૂરી સામગ્રી દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દર્દીઓને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે હોસ્પિટલના દરેક વિભાગમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
દરેક વિભાગમાં સઘન સફાઈ
અભિયાન દરમિયાન હોસ્પિટલના ઇનડોર, આઉટડોર, કમ્પાઉન્ડ અને શૌચાલય સહિત તમામ વિસ્તારોમાં સઘન સફાઈ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત હોસ્પિટલમાં ૫૦૮ અગ્નિશામક યંત્રોનું રિફિલિંગ અથવા નવું ઇન્સ્ટોલેશન પૂર્ણ કરવામાં આવ્યું છે, જેથી આગ જેવી આપત્તિ સામે પણ હોસ્પિટલ વધુ સજ્જ બની છે.
વીજ, પ્લમ્બિંગ અને સાધનોનું સમારકામ
સુવિધાઓના જાળવણી કાર્ય અંતર્ગત ૩૧૯ નળોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૫૬ નળોનું સમારકામ અથવા બદલવાની કામગીરી પૂર્ણ થઈ છે. વીજ વ્યવસ્થામાં ૬૩ બલ્બ અને ૨૨ પંખાઓનું સમારકામ કરવામાં આવ્યું છે. હોસ્પિટલના કુલ ૫૭૫ ફર્નિચર, મેડિકલ અને આઈટી સાધનોમાંથી ૧૦૩ વસ્તુઓને રિપેર કરીને ફરી ઉપયોગલાયક બનાવવામાં આવી છે.
જૂની ચાદરો બદલાશે, સ્ટાફને વિશેષ તાલીમ
ડૉ. પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં વપરાતી આશરે ૩૦૦ જૂની ચાદરો, ઓશીકાના કવર અને ગાદલાં તબક્કાવાર બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સાથે જ તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને બાયોમેડિકલ વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલ માટે કલર કોડિંગ આધારિત વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે.
સતત જાળવણી પર ભાર
તેમણે વધુમાં જણાવ્યું કે હોસ્પિટલના દરેક ફ્લોર, દીવાલો, બારીઓ, કાચ અને પંખાઓની નિયમિત સફાઈ ઉપરાંત ટોઇલેટ, બાથરૂમ, તૂટેલી ટાઇલ્સ સહિતના સિવિલ રિપેરિંગના કામ પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા માત્ર એક દિવસનું અભિયાન નહીં પરંતુ સતત ચાલતી પ્રક્રિયા હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું.
દર્દીઓના સ્વજનોએ વ્યક્ત કર્યો સંતોષ
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વજનોએ પણ હોસ્પિટલની સ્વચ્છતા અને સેવાઓની પ્રશંસા કરી હતી. સાણંદના પ્રકાશકુમાર મેણિયાએ જણાવ્યું કે ડૉક્ટરોથી લઈને સફાઈ કર્મચારીઓ સુધી તમામ સ્ટાફે ઝડપી અને સહયોગપૂર્ણ સેવા આપી હતી. તેમણે નાગરિકોને પણ હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જાળવવામાં સહભાગી બનવા અપીલ કરી હતી.
બોડકદેવના અમી પટેલે જણાવ્યું કે સરકારી હોસ્પિટલ અંગે મનમાં રહેલો ગંદકીનો ભ્રમ સોલા સિવિલની મુલાકાત બાદ દૂર થઈ ગયો છે. સતત સફાઈ, શુદ્ધ પીવાનું પાણી અને વ્યવસ્થિત વાતાવરણને કારણે હોસ્પિટલ કોઈ કોર્પોરેટ હોસ્પિટલથી ઓછી લાગતી નથી.
સફાઈ કર્મચારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા
કોરોના કાળથી હોસ્પિટલમાં સેવા આપી રહેલા સફાઈ કર્મચારી રમીલાબેન મકવાણાએ જણાવ્યું કે દર્દીઓના બેડ, લોકર, વેન્ટિલેટર અને મોનિટર જેવા સંવેદનશીલ સાધનોની દરરોજ સઘન સફાઈ અને જંતુમુક્તીકરણ કરવામાં આવે છે. જરૂર પડ્યે દર્દીઓની ચાદરો દિવસમાં બે વખત પણ બદલવામાં આવે છે.
ગુણવત્તાયુક્ત સારવાર સાથે સ્વચ્છતાની પ્રતિબદ્ધતા
સોલા સિવિલ હોસ્પિટલમાં હાથ ધરાયેલી આ કામગીરી રાજ્યની સરકારી હોસ્પિટલો માત્ર ગુણવત્તાયુક્ત સારવાર જ નહીં, પરંતુ સ્વચ્છ, સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવાની સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
