E20 પેટ્રોલ E10 કરતાં સસ્તુ કેમ નથી? કેન્દ્ર સરકારે તમામ પ્રશ્નો પર આપી સ્પષ્ટતા

Spread the love

ઇથેનોલ મિશ્રણનો હેતુ પેટ્રોલ સસ્તુ કરવો નહીં, પરંતુ આયાતી ક્રૂડ પરની નિર્ભરતા ઘટાડવી અને ખેડૂતોને લાભ પહોંચાડવાનું સરકારે જણાવ્યું

નવી દિલ્હી

પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ (E20) હોવા છતાં તેની કિંમત E10 અથવા શુદ્ધ પેટ્રોલ કરતાં ઓછી કેમ નથી? આ પ્રશ્નનો કેન્દ્ર સરકારે સત્તાવાર જવાબ આપ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે E20નો મુખ્ય હેતુ પેટ્રોલ સસ્તુ બનાવવાનો નહીં, પરંતુ ભારતની ઊર્જા સુરક્ષા મજબૂત કરવી, આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવી અને ખેડૂતોની આવક વધારવી છે.

સરકારે આપી કિંમત પાછળની હકીકત

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા જાહેર કરાયેલા પ્રશ્નોત્તરી દસ્તાવેજમાં જણાવાયું છે કે સરકાર હાલમાં ઇથેનોલ ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે ઊંચા ભાવે ખરીદે છે. મકાઈમાંથી બનતા ઇથેનોલની ખરીદી કિંમત હાલમાં આશરે ₹71.86 પ્રતિ લિટર છે. તેમાં GST, પરિવહન, સંગ્રહ અને ડિપો હેન્ડલિંગ જેવા ખર્ચનો સમાવેશ થતો નથી. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ લગભગ 70 ડોલર હોય ત્યારે E20નું ઉત્પાદન શુદ્ધ પેટ્રોલ કરતાં મોંઘું પડી શકે છે.

ક્રૂડ ઓઇલ મોંઘું થાય ત્યારે બદલાય સ્થિતિ

સરકારે જણાવ્યું કે જો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ 120થી 130 અમેરિકી ડોલર સુધી પહોંચી જાય, તો ઇથેનોલ આધારિત ઇંધણ વધુ સસ્તું સાબિત થાય છે. એટલે E20ની કિંમત આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ સાથે સીધી રીતે જોડાયેલી નથી.

અસલી ફાયદો શું છે?

સરકારના જણાવ્યા અનુસાર સવાલ એ નથી કે E20 સસ્તુ કેમ નથી, પરંતુ એ છે કે ભારતે વૈશ્વિક ક્રૂડના ભાવમાં થતા ભારે ઉતાર-ચઢાવથી ગ્રાહકોને કેવી રીતે સુરક્ષિત રાખ્યા છે. આજે દેશમાં વેચાતા દરેક લિટર પેટ્રોલમાં આશરે 20 ટકા સ્થાનિક ઇથેનોલ હોય છે, જેના કારણે ઇંધણનો એક મહત્વપૂર્ણ હિસ્સો આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતાથી પ્રભાવિત થતો નથી. પરિણામે ભારતમાં ઇંધણના ભાવમાં અન્ય દેશોની સરખામણીએ ઓછી વૃદ્ધિ જોવા મળી છે.

દેશ અને ખેડૂતોને મળ્યા મોટા લાભ

સરકારના જણાવ્યા મુજબ ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ કાર્યક્રમથી અત્યાર સુધી દેશમાં ₹1.97 લાખ કરોડથી વધુની વિદેશી મુદ્રાની બચત થઈ છે. લગભગ 316 લાખ મેટ્રિક ટન કાચા તેલની આયાત ટળી છે અને 952 લાખ મેટ્રિક ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટ્યું છે. ઉપરાંત ₹1.66 લાખ કરોડથી વધુની રકમ સીધી ભારતીય ખેડૂતો સુધી પહોંચી છે. સરકારનું કહેવું છે કે ખેડૂતો હવે માત્ર “અન્નદાતા” નહીં, પરંતુ “ઊર્જાદાતા” પણ બન્યા છે.

2018થી બદલાઈ સમગ્ર નીતિ

સરકારે જણાવ્યું કે શરૂઆતમાં ભારત ઇથેનોલ ઉત્પાદન માટે મુખ્યત્વે શેરડી પર આધારિત હતું, જેના કારણે ઉત્પાદન મર્યાદિત હતું. મે 2018માં રાષ્ટ્રીય બાયોફ્યુઅલ નીતિ અમલમાં મૂક્યા બાદ મકાઈ સહિત અન્ય ફીડસ્ટોકને પ્રોત્સાહન આપવામાં આવ્યું. વિવિધ મંત્રાલયો અને તેલ માર્કેટિંગ કંપનીઓએ મળીને ઇથેનોલ ઉત્પાદન, પુરવઠો અને માળખાગત સુવિધાઓના વિકાસ માટે અભિયાન ચલાવ્યું. વર્ષ 2021માં ઇન્ડિયન ઓઇલ, BPCL અને HPCL દ્વારા ઇથેનોલની અછત ધરાવતા વિસ્તારોમાં વિશેષ ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવા માટે પણ પહેલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *