અગાઉ ભાજપ તરફથી એસ જયશકંર ઉમેદવારી ફોર્મ ભરી ચૂક્યા છે

નવી દિલ્હી
ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આગામી 24મી જુલાઈએ ચુટણી યોજાનાર છે ત્યારે આજે ભાજપે વધુ બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે બાબુભાઈ જેસંગ દેસાઇ અને કેસરીસિંહ ઝાલાના નામની જાહેરાત કરી છે. આ અગાઉ ભાજપ તરફથી એસ જયશકંર ઉમેદવારી ફોર્મ ભરી ચૂક્યા છે. કેસરીસિંહ ઝાલાના પિતા દિગ્વિજયસિંહ કોંગ્રેસની સરકારમા ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી હતા. તેઓ મુંબઈ રહે છે. કેસરીસિંહ ઝાલાના લગ્નમા પીએમ મોદીએ પણ હાજરી આપી હતી. એમના કાકા રણજીતસિંહ હાલ ઉંમર 83 વર્ષના છે અને રાજસ્થાનમા રહે છે. તેઓ ફોરેસ્ટ સેક્રેટરી હતા ત્યારે તેમણે વન્યજીવ સંરક્ષણ કાયદો ઘડાયો હતો અને ભારતમાં ચિતાને લાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પક્ષ રાખ્યો હતો.
ભાજપે કેસરીસિંહ ઝાલાને ઉમેદવાર બનાવીને એક કાંકરે બે પક્ષી મારવાનો દાવ રમ્યો છે. કેસરીસિંહનો ફાયદો ભાજપને આગામી રાજસ્થાનની ચૂંટણીમાં પણ થઈ શકે છે. કારણ કે કેસરીસિંહનું મોસાળ રાજસ્થાનના રાજવી પરિવારમાં થાય છે.
બાબુભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2007માં બનાસકાંઠાની કાંકરેજ બેઠક પરથી જીત્યા હતા. આ સિવાય તેઓ વર્ષ 2012થી ગુજરાત પ્રદેશ ભાજપના ગૌ સંવર્ધન સેલના કન્વીનર રહ્યા હતા. બાબુભાઇ દેસાઇ કાંકરેજ તાલુકાના ઉબરી ગામના વતની છે. તેઓએ ઓલ્ડ એસએસસી ઉપરાંત અંગ્રેજી મીડિયમમાં સ્ટેનોગ્રાફીનો અભ્યાસ કર્યો છે.
ભાજપે ગુજરાતની સાથે સાથે બંગાળના રાજ્યસભાના ઉમેદવારના નામની પણ જાહેરાત કરી છે. ભાજપે બંગાળમાંથી અનંત મહારાજના નામની જાહેરાત કરી છે. તેમને મિથુન ચક્રવર્તી જેવા નેતાઓને પાછળ છોડીને ટિકિટ મળી છે. અનંત મહારાજ ગ્રેટર કૂચ બિહાર પીપલ્સ એસોસિએશનના વડા છે.
ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થઈ રહી છે ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચે 27મી જૂને રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. ભાજપના ત્રણ સાંસદોની ટર્મ 18મી ઓગષ્ટના રોજ પૂર્ણ થઈ રહી છે ત્યારે ત્રણ બેઠકો માટે ચૂંટણી આગામી 24મી જૂલાઈએ યોજાશે. ઉમેદવારો માાટે 13મી જૂલાઈએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે. ફોર્મ ભરાયા બાદ 14મી જૂલાઈએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 14મી જૂલાઈએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. બંને ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે.
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે જેમા હાલ ભાજપ પાસે 8 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. ભાજપના 8 રાજ્યસભા સાંસદોમાં રામભાઈ મોકરિયા, રમીલાબેન બારા, નરહરિ અમીન, પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, એસ. જયશંકર, દિનેશચંદ્ર અનાવડીયા અને જુગલજી ઠાકોરનો સમાવેશ થાય છે. જયારે કોંગ્રેસના ત્રણ રાજ્યસભા સાંસદોમાં શક્તિસિંહ ગોહિલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. આ સાંસદોમાંથી ભાજપના ત્રણ સાંસદો દિનેશ અનાવડીયા, જુગલજી ઠાકોર અને એસ.જયશંકરની ટર્મ 18 ઓગષ્ટ 2023ના રોજ પૂર્ણ થઇ રહી છે ત્યારે આ ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે.