આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલા તેમને થપ્પડ માર્યા બાદ તેમની સાથે દુર્વ્યવહાર કરી રહી છે, ધારાસભ્યએ મહિલા સામે ફરિયાદ નોંધાવી

ચંદિગઢ
યમુના અને ઘગ્ગર નદીના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે દિલ્હી અને હરિયાણાના મોટા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હરિયાણાના એક ગામમાં પૂરની સમીક્ષા કરવા આવેલા જેજેપી ધારાસભ્ય ઈશ્વર સિંહને એક મહિલાએ થપ્પડ મારી હતી. ધારાસભ્ય ઈશ્વર સિંહ ગઈકાલે કૈથલ જિલ્લાના એક ગામમાં પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલા તેમને થપ્પડ માર્યા બાદ તેમની સાથે દુર્વ્યવહાર કરી રહી છે. મહિલાને એમ કહેતી સાંભળી શકાય છે કે ‘હવે કેમ આવ્યા છો?’
મહિલાનએ થપ્પડ માર્યા બાદ ધારાસભ્ય સાથે રહેલા સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સાથે જ ગામના લોકોએ પણ મહિલાના આ કૃત્યની નિંદા કરી છે. ઇશ્વર સિંહે કહ્યું, મહિલાએ મારા પર હાથ ઉઠાવ્યો. તે ઉત્પીડનની સમાન હતો. આ અંગે અમે ફરિયાદ નોંધાવી છે. આ પ્રકારનું કૃત્ય યોગ્ય નથી.
ઈશ્વર સિંહના જણાવ્યા અનુસાર, તેઓ ગુહલા ચીકા વિધાનસભા મતવિસ્તારના પૂર પ્રભાવિત ભાટિયા ગામમાં પહોંચ્યા હતા. ઘગ્ગર નદીના પાણીના સ્તરમાં વધારો થતા ગામમાં પાણી ભરાઈ ગયું છે. તેમણે કહ્યું કે ગામડાઓ અને ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે. આમાં ધારાસભ્યનો શું વાંક? તેમણે કહ્યું કે ગામલોકો કહે છે કે બંધ યોગ્ય રીતે બાંધવો જોઈએ. 75 વર્ષીય ઈશ્વર સિંહ રાજ્યસભાના પૂર્વ સભ્ય છે. તેઓ એસસી નેશનલ કમિશનના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
હરિયાણામાં ભાજપ અને જેજેપીની સરકાર છે. ભૂતકાળમાં પડેલા ભારે વરસાદ બાદ ચીકા વિસ્તારમાં આવેલી ઘગ્ગર નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બીજી તરફ પંજાબની સરહદ પર ઘગ્ગર નદીનો બંધ તુટી ગયો છે. ગામમાં મહિલાઓએ ઈશ્વરસિંહનો વિરોધ કર્યો હતો. ઈશ્વરસિંહે કહ્યું કે ગામમાં પ્રવર્તતી પરિસ્થિતિ પર ગુસ્સો આવવો સ્વાભાવિક છે, પરંતુ કુદરતી આફત પર કોઈનો કાબુ રહી શકે નહી.