નારોલની મ્યુનિસિપલ શાળાઓમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાંનો આક્ષેપ: પાણીની ટાંકીઓમાં ગંદકી, ભોજનની ગુણવત્તા સામે પણ સવાલ

Spread the love

કોંગ્રેસ નેતા રાજેશ ટી. સોનીએ શાળાઓની મુલાકાત લઈ તાત્કાલિક તપાસ, પાણીની લેબોરેટરી ચકાસણી અને ભોજનની ગુણવત્તા તપાસની માગ કરી

અમદાવાદ

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ગુજરાતી શાળાઓમાં બાળકોને આપવામાં આવતી મૂળભૂત સુવિધાઓને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેશ ટી. સોનીએ નારોલ ગુજરાતી શાળા નંબર 1 અને 2 સહિત સામસામે આવેલી મ્યુનિસિપલ શાળાઓની મુલાકાત દરમિયાન પીવાના પાણીની ટાંકીઓમાં ગંદકી જોવા મળવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે.

પાણીની ટાંકીઓમાં કચરો અને ગંદકી જોવા મળ્યાનો આક્ષેપ

મુલાકાત દરમિયાન શાળામાં બાળકો માટે રાખવામાં આવેલી પીવાના પાણીની ટાંકીઓની તપાસ કરવામાં આવી હતી. રાજેશ ટી. સોનીના જણાવ્યા મુજબ, ટાંકીઓમાં પાણી સાથે કચરો, ગંદકી અને ગાળ જેવો જમાવ જોવા મળ્યો હતો. તેમના આક્ષેપ પ્રમાણે પાણીની સ્થિતિ પ્રથમ નજરે જ પીવા યોગ્ય ન જણાતી હોવા છતાં આ પાણીનો ઉપયોગ બાળકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

નાના બાળકોના આરોગ્ય સાથે સીધી રીતે જોડાયેલા પીવાના પાણીની સ્વચ્છતા અંગે આવી સ્થિતિ ગંભીર ચિંતાનો વિષય હોવાનું કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું.

“શુદ્ધ પાણી ન આપી શકાય તો તંત્રની નિષ્ફળતા”

રાજેશ ટી. સોનીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષણ અને શાળાકીય સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાનું બજેટ ખર્ચે છે. તેમ છતાં જો મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરતા બાળકોને શુદ્ધ પીવાનું પાણી પણ ઉપલબ્ધ ન થઈ શકે તો તે તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે.

તેમણે કહ્યું કે બાળકો માટે સ્વચ્છ પાણી અને પૌષ્ટિક ભોજન જેવી મૂળભૂત સુવિધાઓ કોઈ ઉપકાર નહીં પરંતુ તંત્રની ફરજ છે.

ભોજનની ગુણવત્તા અંગે પણ સવાલ

શાળાની મુલાકાત દરમિયાન બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. બાળકોના પોષણ અને આરોગ્ય સાથે સીધી રીતે સંકળાયેલા ભોજનમાં ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવી જરૂરી છે. આ મામલે પણ જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.

“બાળક બીમાર પડે તો જવાબદારી કોની?”

કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે જો દૂષિત પાણીના કારણે કોઈ બાળક બીમાર પડે, ચેપ ફેલાય અથવા ગંભીર આરોગ્ય સમસ્યા સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? નારોલની શાળાઓમાં પાણી અને ભોજનની ગુણવત્તા અંગે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

તમામ મ્યુનિસિપલ શાળાઓમાં ચેકિંગની માંગ

રાજેશ ટી. સોનીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓને નારોલની શાળાઓની તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે. પાણીની તમામ ટાંકીઓની સફાઈ અને સેનિટાઇઝેશન કરાવવા, પાણીના નમૂનાઓની લેબોરેટરી તપાસ કરાવવા તથા બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાની પણ ચકાસણી કરવાની માગ કરવામાં આવી છે.

સાથે જ જો બેદરકારી સાબિત થાય તો જવાબદાર અધિકારી અથવા એજન્સીની જવાબદારી નક્કી કરીને જરૂરી કાર્યવાહી કરવા અને અમદાવાદની તમામ મ્યુનિસિપલ શાળાઓમાં પીવાના પાણી તથા ભોજનની ગુણવત્તાનું વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવાની માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *