અંગદાન ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ: ત્રણ સરકારી હોસ્પિટલોને રાષ્ટ્રીય એવોર્ડ

Spread the love

IKDRC, અમદાવાદ સિવિલ અને સુરત નવી સિવિલ હોસ્પિટલનું રાષ્ટ્રીય સ્તરે સન્માન

નવી દિલ્હીમાં 16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે-2026 સમારોહમાં ગુજરાતને ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા

અમદાવાદ:

ગુજરાતે અંગદાન અને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 3 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીના ડૉ. બી.આર. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયેલા 16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે (IODD-2026) સમારોહમાં ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

IKDRCને શ્રેષ્ઠ સરકારી ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલનો એવોર્ડ

અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે દેશભરમાં અગ્રણી સ્થાન ધરાવતા IKDRC-અમદાવાદને “Excellence in Leading Government Hospital in Organ Transplantation” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વર્ષ 2025 દરમિયાન IKDRC ખાતે કુલ 597 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. તેમાં 502 કિડની, 86 લિવર અને 9 પેન્ક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. PM-JAY યોજના હેઠળ 380 દર્દીઓને વિનામૂલ્યે ટ્રાન્સપ્લાન્ટની સુવિધા મળી હતી. અહીં સારવાર લેતા 34 ટકા દર્દીઓ અન્ય રાજ્યોના હોવા ગુજરાતની આરોગ્ય સેવાઓ પર દેશવ્યાપી વિશ્વાસ દર્શાવે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલને ‘Best Non-Transplant Organ Retrieval Centre’ એવોર્ડ

અમદાવાદ સિવિલ હોસ્પિટલને મૃતદાતાઓ પાસેથી જીવનદાયી અંગોના સફળ રીટ્રીવલ માટે “Best Non-Transplant Organ Retrieval Centre (NTORC)” એવોર્ડ મળ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન હોસ્પિટલમાં 104 બ્રેઇન સ્ટેમ ડેથ કેસ નોંધાયા હતા, જેમાંથી 48 મૃતદાતાઓ દ્વારા 171 અંગો અને 34 ટિશ્યૂનું સફળ રીટ્રીવલ કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે.

સુરત નવી સિવિલની ‘Brain Stem Death Team’ને રાષ્ટ્રીય સન્માન

સુરતની નવી સિવિલ હોસ્પિટલની ટીમને “Best Brain Stem Death Team” એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ટીમે વર્ષ દરમિયાન 82 બ્રેઇન સ્ટેમ ડેથ કેસનું સફળતાપૂર્વક સર્ટિફિકેશન કર્યું હતું. બ્રેઇન સ્ટેમ ડેથની સમયસર ઓળખ, પરિવારજનોનું સંવેદનશીલ કાઉન્સેલિંગ અને વૈજ્ઞાનિક પ્રક્રિયાના અસરકારક અમલીકરણ બદલ ટીમને આ સન્માન મળ્યું છે.

આરોગ્ય મંત્રીએ ટીમોને અભિનંદન પાઠવ્યા

આ ત્રણેય રાષ્ટ્રીય એવોર્ડ બદલ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તમામ તબીબો, નર્સિંગ સ્ટાફ, ટેકનિકલ ટીમો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે આરોગ્ય વિભાગ, SOTTO ગુજરાત અને સરકારી હોસ્પિટલોના મજબૂત સંકલન, અદ્યતન ટેક્નોલોજી તથા તબીબોની નિષ્ઠાના પરિણામે ગુજરાત આજે અંગદાન ક્ષેત્રે દેશ માટે ‘રોલ મોડેલ’ બની રહ્યું છે.

અંગદાન માટે નાગરિકોને અપીલ

આરોગ્ય મંત્રીએ અંગદાન કરનારા પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જણાવ્યું કે સ્વજન ગુમાવ્યા બાદ પણ અંગદાનનો નિર્ણય લઈને આવા પરિવારો અનેક લોકોને નવજીવન આપે છે. તેમણે નાગરિકો અને તબીબોને અંગદાન અંગે વધુ જાગૃત બનવા તથા કોઈપણ બ્રેઇન ડેડ વ્યક્તિના ઉપયોગી અંગો વ્યર્થ ન જાય તે માટે સહભાગી બનવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *