નવી દિલ્હી
વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયામાં એક અદ્ભુત સિદ્ધિ હાંસલ થઈ છે. દક્ષિણ કોરિયાની કેસ્ટ (KAIST) યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા વિકસાવવામાં આવેલા ‘RAIBO2’ નામના ચાર પગવાળા રોબોટે એક જ બેટરી ચાર્જ પર આખી મેરેથોન સફળતાપૂર્વક પૂરી કરીને ઇતિહાસ રચી દીધો છે. આ રોબોટે માનવીઓ કરતાં પણ ઓછી ઉર્જાનો ખર્ચ કરીને પોતાની અનોખી ક્ષમતા સાબિત કરી છે.
આ ચાર પગવાળા રોબોટ ડોગે કોઈપણ પ્રકારના બેટરી રિચાર્જ વગર 42.195 કિલોમીટર ની લાંબી મેરેથોન માત્ર 4 કલાક 19 મિનિટ અને 52 સેકન્ડ માં પૂર્ણ કરી છે. આ દોર દરમિયાન રોબોટે 2.64 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ જાળવી રાખી હતી. ખાસ વાત એ છે કે તેણે પોતાના વજનની સરખામણીમાં ચાલવા માટે માનવીઓની તુલનામાં ખૂબ જ ઓછી ઉર્જાનો વપરાશ કર્યો હતો.
મુખ્ય હકીકત:
- રોબોટનું નામ: RAIBO2 (KAIST યુનિવર્સિટી દ્વારા વિકસિત)
- કુલ અંતર: 42.195 કિલોમીટર
- સમય: 4 કલાક 19 મિનિટ અને 52 સેકન્ડ
- ઊર્જા દક્ષતા (COT): રોબોટ (0.25) વિરુદ્ધ માનવ (0.37)
2024 ની નિષ્ફળતામાંથી શીખીને મેળવી સફળતા
આ રસ્તો રોબોટ માટે બિલકુલ સરળ નહોતો. સપ્ટેમ્બર 2024માં આ જ રોબોટે મેરેથોન પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 37 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તે બંધ પડી ગયો હતો. તેનું મુખ્ય કારણ એ હતું કે રોબોટ અન્ય સ્પર્ધકો સાથે સ્પર્ધા કરવા માટે વારંવાર પોતાની સ્પીડ બદલી રહ્યો હતો, જેના કારણે તેની બેટરી જલ્દી ઉતરી ગઈ હતી.
પરંતુ રિસર્ચર્સે હાર ન માની અને રોબોટની ડિઝાઇનમાં મોટા ફેરફારો કર્યા. તેઓએ મોટી બેટરી ઉમેરવાને બદલે રોબોટની ઊર્જા બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. રોબોટના પગ હળવા બનાવવામાં આવ્યા અને મોટર-ડ્રાઇવ સર્કિટની એવી રચના કરવામાં આવી કે વીજળીનો બગાડ ઓછામાં ઓછો થાય.
સામાન્ય રીતે ચાર પગવાળા રોબોટ્સ ઉબડ-ખબડ અને મુશ્કેલ રસ્તાઓ પર ચાલવા માટે જાણીતા છે, પરંતુ બેટરી ઓછી હોવાને કારણે તેઓ માત્ર 20 કિલોમીટર સુધી જ જઈ શકતા હતા. RAIBO2 ની આ નવી સફળતાથી તેમની ક્ષમતામાં મોટો વધારો થયો છે.
ભવિષ્યમાં જ્યારે કોઈ રેસ્ક્યુ મિશન (બચાવ કામગીરી) કે આપત્તિ વ્યવસ્થાપનનો સમય આવશે, ત્યારે આવા રોબોટ્સ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તે લાંબા સમય સુધી અને મુશ્કેલ ભૂપ્રદેશમાં પણ ચાર્જિંગ વગર મિશન પાર પાડી શકશે.
