ફટાકડાના ધુમાડા અને ઘોંઘાટથી આરોગ્ય પર જોખમ; 7થી 13 નવેમ્બર દરમિયાન AMA-AFPAની ‘ડૉક્ટર ઑન કૉલ’ સેવા, અનુભવી તબીબોની ટીમ નાગરિકોને માર્ગદર્શન આપશે
અમદાવાદ
દિવાળીના તહેવારમાં ફટાકડાની આતશબાજી અને ઉજવણીનો ઉત્સાહ વચ્ચે હવાના પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણનું જોખમ પણ વધી જાય છે. ગયા વર્ષની દિવાળીના આંકડા અમદાવાદ માટે ચેતવણીરૂપ છે. 2025માં દિવાળીની રાત્રે શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 410 સુધી પહોંચ્યો હતો, જ્યારે બીજા દિવસે પીક AQI 457 નોંધાયો હતો. પ્રદૂષણની અસર હોસ્પિટલોમાં પણ જોવા મળી હતી અને શ્વાસની તકલીફ સાથે હોસ્પિટલ પહોંચતા દર્દીઓની દૈનિક સરેરાશ સંખ્યા 78થી વધીને 89 થઈ હતી. આવી સ્થિતિમાં દિવાળીની રજાઓ દરમિયાન નાગરિકોને સમયસર તબીબી માર્ગદર્શન મળી રહે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન (AFPA) દ્વારા ‘ડૉક્ટર ઑન કૉલ’ સેવાની જાહેરાત કરવામાં આવી છે.
આ સેવા 7 નવેમ્બરથી 13 નવેમ્બર, 2026 સુધી ઉપલબ્ધ રહેશે. દિવાળીની રજાઓ દરમિયાન નિયમિત ક્લિનિક્સ બંધ અથવા મર્યાદિત સમય માટે કાર્યરત હોય છે. આવા સમયે અચાનક તબિયત બગડવી, દાઝવું, શ્વાસ લેવામાં તકલીફ થવી કે અન્ય આરોગ્યલક્ષી સમસ્યા સર્જાય તો નાગરિકોને નિઃશુલ્ક પ્રાથમિક તબીબી માર્ગદર્શન અને જરૂરિયાત મુજબ નિષ્ણાત તબીબોની મદદ મળી રહેશે.
ગયા વર્ષની દિવાળીના આંકડા આરોગ્ય માટે ચેતવણીરૂપ
દિવાળી 2025 દરમિયાન અમદાવાદની હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. 20 ઓક્ટોબરે દિવાળીની રાત્રે 9 વાગ્યે AQI 410 નોંધાયો હતો, જ્યારે 21 ઓક્ટોબરે પીક AQI 457 સુધી પહોંચ્યો હતો. આ દિવસે સરેરાશ AQI 254 અને PM2.5નું પ્રમાણ 138 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર નોંધાયું હતું.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, શ્વાસની તકલીફ સાથે હોસ્પિટલ પહોંચતા દર્દીઓની સરેરાશ દૈનિક સંખ્યા 78 હતી, જે દિવાળી પછીના દિવસે વધીને 89 થઈ હતી. કેટલાક દર્દીઓ એવા પણ હતા, જેઓ છેલ્લા ચારથી છ મહિનાથી સારવાર માટે આવ્યા નહોતા, પરંતુ દિવાળી પછી ફરી હોસ્પિટલ પહોંચ્યા હતા.
ગુજરાતમાં દિવાળીના દિવસે 108 ઇમરજન્સી સેવામાં કુલ 5,406 કેસ નોંધાયા હતા, જે સામાન્ય દિવસોની સરખામણીએ 12.06 ટકા વધુ હતા. ફટાકડા સહિતની ઘટનાઓમાં દાઝવાના 58 કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદના 17 કેસ હતા. શ્વાસની તકલીફના કેસોમાં પણ સામાન્ય દિવસોની સરખામણીએ 4.82 ટકાનો વધારો નોંધાયો હતો. આ આંકડા દર્શાવે છે કે દિવાળીમાં પ્રદૂષણ અને ફટાકડાથી થતી ઇજાઓ બંને આરોગ્ય માટે ગંભીર પડકાર બની શકે છે.
નિષ્ણાત તબીબોનો સહયોગ
AMAના માનદ મંત્રી ડૉ. મૌલિક શેઠના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષના ડેટા પ્રમાણે ‘ડૉક્ટર ઑન કૉલ’ સેવામાં સરેરાશ 60થી 70 કોલ આવે છે. તેમાં નાના-મોટા દાઝવાના બનાવો, માઇનર અકસ્માતો તેમજ હવાના પ્રદૂષણને કારણે થતી ઉધરસ અને ગંભીર ખાંસીની ફરિયાદો મુખ્ય હોય છે.
આ સેવાનું મહત્ત્વ માત્ર ફોન પર સામાન્ય સલાહ આપવા પૂરતું નથી. ઘણી વખત દર્દીને શ્વાસ ચડવાની તકલીફ થતી હોય છે, પરંતુ પરિવારજનો તેને સામાન્ય સમસ્યા માનીને અવગણતા હોય છે. દર્દીની હિસ્ટ્રી અને લક્ષણો જાણીને તબીબો યોગ્ય માર્ગદર્શન આપે છે. જરૂર જણાય ત્યારે તાત્કાલિક હોસ્પિટલ પહોંચવાની સલાહ આપવામાં આવે છે. સમયસર સારવાર માટે પહોંચવાથી ગંભીર સ્થિતિમાં દર્દીનો જીવ પણ બચાવી શકાય છે.
સેવા માટે 5થી 7 તબીબોની મુખ્ય ટીમ કાર્યરત રહેશે, જેમાં જનરલ પ્રેક્ટિશનર, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને પીડિયાટ્રિશિયનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 70થી 80 જેટલા વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબોનો સહયોગ ઉપલબ્ધ રહેશે. કોમ્યુનિકેશનમાં વિલંબ ન થાય તે માટે છ સભ્યોની મુખ્ય ટીમ સમગ્ર સંકલન અને વ્યવસ્થા સંભાળશે.
ધુમાડો શ્વાસ અને હૃદયના દર્દીઓ માટે જોખમી
ફટાકડાના ધુમાડા અને સૂક્ષ્મ રજકણોથી હવાની ગુણવત્તા બગડે છે. તેની અસર ખાસ કરીને અસ્થમા, શ્વાસની બીમારી, હૃદયરોગ અને શ્વાસ ચડવાની સમસ્યા ધરાવતા લોકો પર થઈ શકે છે. આવા દર્દીઓએ ધુમાડાવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું, બિનજરૂરી બહાર નીકળવાનું ઓછું કરવું અને તકલીફ જણાય તો તબીબી સલાહ લેવી જોઈએ.
ધ્વનિ પ્રદૂષણની અસર પણ અવગણવા જેવી નથી. નાના બાળકો અને 60થી 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો વધુ પડતા અવાજથી કાનમાં દુખાવો, સાંભળવામાં તકલીફ અને અન્ય શારીરિક અસ્વસ્થતા અનુભવી શકે છે.
બાળકોની સુરક્ષા અને ફટાકડા ફોડતી વખતે સાવચેતી જરૂરી
બે થી પાંચ વર્ષનાં નાનાં બાળકોને ફટાકડા ફોડવા કે તેની આસપાસ રમવા માટે એકલાં છોડવાં નહીં. વડીલોની દેખરેખ હેઠળ જ બાળકોને સુરક્ષિત જગ્યાએ રાખવાં જોઈએ. ફટાકડા ફોડતી વખતે શરીરનો મોટાભાગનો ભાગ ઢંકાય તેવાં કપડાં અને યોગ્ય ફૂટવેર પહેરવાં તેમજ સુરક્ષિત અંતર જાળવવું જરૂરી છે. હૃદય અને શ્વાસની બીમારી ધરાવતા લોકોએ ફટાકડાના ધુમાડા અને વધુ અવાજથી દૂર રહેવું જોઈએ.
છ તબીબોના સંપર્ક નંબર જાહેર
AMA અને AFPA દ્વારા નાગરિકોને નિઃશુલ્ક પ્રાથમિક તબીબી માર્ગદર્શન આપવા માટે છ પ્રાથમિક કોઓર્ડિનેટર્સના સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે. જરૂરિયાત મુજબ દર્દીઓને વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબો સાથે પણ જોડવામાં આવશે.
| તબીબનું નામ | સંપર્ક નંબર |
| ડૉ. ધીરેન મહેતા | 9898854158 |
| ડૉ. અશ્વિન શાહ | 9824038816 |
| ડૉ. સુનીલ પટેલ | 9879225294 |
| ડૉ. રમેશ પટેલ | 9426495264 |
| ડૉ. જ્યોતિન્દ્ર મહેતા | 9825039653 |
| ડૉ. પાર્થ પટેલ | 9924119778 |
AMAનાં પ્રમુખ ડૉ. કલ્પિતા દવે, માનદ મંત્રી ડૉ. મૌલિક શેઠ, AFPAના પ્રમુખ ડૉ. રમેશ આઈ. પટેલ અને માનદ મંત્રી ડૉ. મેહુલ શેલતના સંયુક્ત પ્રયાસથી આ પહેલ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના દરેક પરિવારને સુરક્ષિત અને સ્વસ્થ દિવાળી ઉજવવામાં મદદરૂપ થવા સાથે તહેવારોની રજાઓમાં જરૂરિયાતના સમયે તબીબી માર્ગદર્શન મળી રહે તે આ સેવાનો મુખ્ય ઉદ્દેશ છે.
દિવાળી 2025માં પ્રદૂષણ અને આરોગ્યની સ્થિતિ
| વિગતો | નોંધાયેલા આંકડા |
| 20 ઓક્ટોબરે રાત્રે 9 વાગ્યે AQI | 410 |
| 21 ઓક્ટોબરે પીક AQI | 457 |
| 21 ઓક્ટોબરનો સરેરાશ AQI | 254 |
| PM2.5નું પ્રમાણ | 138 µg/m³ |
| શ્વાસની તકલીફના દૈનિક દર્દીઓ | 78થી વધીને 89 |
| ગુજરાતમાં કુલ 108 ઇમરજન્સી કેસ | 5,406 |
| દાઝવાના કેસ (ગુજરાત) | 58 |
| દાઝવાના કેસ (અમદાવાદ) | 17 |
| શ્વાસની તકલીફના કેસમાં વધારો | 4.82% |
| રોડ અકસ્માતની ઇમરજન્સી | 919 |
| રોડ અકસ્માતના કેસમાં વધારો | 73.18% |
સ્રોત: 2025ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલો તથા EMRI-108ના આંકડા. AQIના પીક અને સરેરાશ આંકડા અલગ છે. 108ના આંકડા ગુજરાતના છે, જ્યારે અમદાવાદના 17 દાઝવાના કેસ શહેરના છે.
