અરૂણાચલને ભારતના અભિન્ન અંગ તરીકે યુએસની માન્યતા

Spread the love

પ્રસ્તાવમાં એ વાતની પુષ્ટી કરાઈ કે અમેરિકા મેકમહોન લાઈનને ચાઈના અને ભારતના રાજ્ય અરુણાચલ વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે માન્યતા આપી રહ્યું છે


વોશિંગ્ટન
અરુણાચલ પ્રદેશ મામલે ચીનને ઝાટકો આપતાં અને ભારતન ગદગદીત કરી દે તેવા અહેવાલ અમેરિકાથી આવ્યા છે. માહિતી અનુસાર અમેરિકન કોંગ્રેસની એક સેનેટોરિયલ સમિતિએ અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે માન્યતા આપતો પ્રસ્તાવ પાસ કરી દીધો છે.
આ પ્રસ્તાવ સેનેટર જેફ મર્કલે, બિલ હેગર્ટી, ટિમ કાઈન અને ક્રિસ વાન હોલેન દ્વારા રજૂ કરાયો હતો. આ પ્રસ્તાવમાં એ વાતની પુષ્ટી કરાઈ છે કે અમેરિકા મેકમહોન લાઈનને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના અને ભારતના રાજ્ય અરુણાચલ પ્રદેશ વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે માન્યતા આપી રહ્યું છે.
એક નિવેદનમાં જણાવાયું હતું કે આ પ્રસ્તાવ ચીનના એ દાવાને નકારે છે કે જેમાં અરુણાચલ પ્રદેશના મોટા હિસ્સાને પીઆરસી ક્ષેત્ર ગણાવાયો છે. જોકે પ્રસ્તાવ પૂર્ણ મતદાન માટે સેનેટમાં જશે. કોંગ્રેસના કાર્યકારી આયોગના સહ-અધ્યક્ષ તરીકે કામ કરનારા સેનેટર મર્કલેએ કહ્યું કે સ્વતંત્રતા અને નિયમ-આધારિત વ્યવસ્થાનું સમર્થન કરનાર અમેરિકાના મૂલ્યો દુનિયાભરમા અમારા તમામ કાર્યો અને સંબંધોના કેન્દ્રમાં હોવા જોઈએ.
તેમણે કહ્યું કે આ પ્રસ્તાવ પસાર થવાથી સમિતિ પુષ્ટી કરે છે કે અમેરિકા ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે જુએ છે ન કે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના તરીકે અને અમેરિકા આ ક્ષેત્રને સમર્થન અને સહાય આપવા પ્રતિબદ્ધ છે. હેગર્ટીએ કહ્યું કે એવા સમયે જ્યારે ચીન એક મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે સતત જોખમો ઉભા કરી રહ્યું છે, ત્યારે અમેરિકા માટે આ ક્ષેત્રમાં તેના વ્યૂહાત્મક ભાગીદારો ખાસ કરીને ભારત અને અન્ય ક્વાડ સભ્યો સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા રહેવું અત્યંત મહત્વપૂર્ણ અને જરૂરી બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *