ટ્વિટરે એડ રેવન્યુ શેરિંગ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે, જો કે આ માટેની લાયકાત ખુબ જ પડકારજનક હશે
વોશિંગ્ટન
છેલ્લા કેટલાય દિવસથી ટ્વિટર તેના નિર્ણયોને કારણે ચર્ચામાં છે અને અવનવા નિયમોથી યુઝર્સ કંટાળી ગયા છે ત્યારે હવે માઈક્રોબ્લોગિંગ સોશ્યલ પ્લેફોર્મ ટ્વિટરે યુઝર્સ માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં ટ્વિટર તેના ક્રિએટર્સ સાથે રેવન્યુ શેર કરવાની તૈયારી કરી રહ્યું છે. ટ્વિટરે એડ રેવન્યુ શેરિંગ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. જો કે આ માટેની લાયકાત ખુબ જ પડકારજનક હશે. આ કારણથી મોટાભાગના યુઝર્સ રેસમાંથી બહાર નીકળી થઈ શકે છે.
ટ્વિટરે એક ટ્વિટ દ્વારા આ જાણકારી આપી છે. ટ્વિટરે લખ્યું, અમેઝિંગ! અમે આવક વહેંચવા તૈયાર છીએ અને તમને તમારો હિસ્સો બહુ જલ્દી જ મળશે. વધુ વિગતો માટે તમારું ઇમેઇલ ચેક કરો. બીજી તરફ ‘વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ’એ પણ ટ્વીટ કર્યું હતું કે મોટી જાહેરાત! ટ્વિટર ક્રિએટર્સ સાથે રેવન્યુ શેરિંગ પ્રોગ્રામ શરૂ કરી રહ્યું છે. ટ્વિટરના માલિક ઈલોન મસ્કએ ગયા મહિને જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં ટ્વિટર પર બ્લુ ટિક ધરાવતા યુઝર્સ તેમની ટ્વીટની સાથે અન્ય વેરિફાઈડ યુઝર્સને બતાવવામાં આવતી જાહેરાતોમાંથી આવકનો હિસ્સો મેળવી શકશે. મસ્કએ જાહેરાત કરી હતી કે આ સુવિધા થોડા અઠવાડિયામાં જ ઉપલબ્ધ થશે. આ માટે ટ્વિટરે આ રેવન્યુ શેરિંગ પ્રોગ્રામની જાહેરાત કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્વીટના મોનિટાઈઝેશન માટે જરૂરી લાયકાત વધારે હશે.
મોનિટાઇઝેશન માટે કેટલીક જરુરી શર્તો
• ટ્વિટર બ્લુ ટિક-વેરિફિકેશન સાથે સક્રિય સભ્યપદ
• છેલ્લા ત્રણ મહિનામાં દર મહિને પાંચ મિલિયન કે તેથી વધુ ટ્વીટ ઇમ્પ્રેશન
જોકે ટ્વિટરે હજુ સુધી આ શરતોની સત્તાવાર જાહેરાત કરી નથી. આ શરતો ભારતીય યુઝર્સ માટે ખૂબ જ કડક હોઈ શકે છે કારણ કે ઘણા ઓછા સક્રિય ટ્વિટર યુઝર્સ આને મેળવી શકશે. ટ્વિટર પર સારી આવક મેળવવા માટે કોઈપણ યુઝર્સને 50 લાખથી વધુ ઇમ્પ્રેશન મેળવવા માટે ઘણું ટ્વીટ કરવું પડે છે. આનાથી જાહેરાતો બતાવવાની ઘણી તકો મળશે. હાલના તબક્કે તે નક્કી કરવું મુશ્કેલ છે કે શું ટ્વિટર યુઝર્સ ખરેખર આ પ્રોગ્રામમાંથી આવકની અપેક્ષા રાખી શકે છે. પરંતુ ભવિષ્યમાં તે ટોચના ક્રિએટર્સ માટે નોંધપાત્ર આવકનો સ્ત્રોત બની શકે છે.