મોદી એવા સમયે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જ્યારે મણિપુરમાં હિંસા થઈ રહી છે અને યુરોપિયન યુનિયન સંસદ ભારતના આંતરિક મામલાની ચર્ચા કરી રહી છે
નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી. ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટોણો માર્યો છે કે રાફેલે પીએમ મોદીને બેસ્ટિલ ડે પરેડ માટે ટિકિટ અપાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ એવા સમયે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જ્યારે મણિપુરમાં હિંસા થઈ રહી છે અને યુરોપિયન યુનિયન સંસદ ભારતના આંતરિક મામલાની ચર્ચા કરી રહી છે. પીએમ મોદી બંને મુદ્દાઓ પર મૌન છે.
રાહુલ ગાંધીએ લખ્યું છે કે મણિપુર સળગી ગયું છે. યુરોપિયન યુનિયન સંસદમાં ભારતના આંતરિક મામલાની ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન મોદી આ અંગે એક શબ્દ પણ બોલી રહ્યા નથી. આ સિવાય રાહુલ ગાંધીએ ટોણો મારતા લખ્યુ કે રાફેલે તેને બેસ્ટિલ ડે પરેડની ટિકિટ અપાવી છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની મુલાકાત પહેલા યુરોપિયન સંસદે એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં ભારત સરકારને મણિપુરમાં હિંસા રોકવા માટેના પ્રયાસો વધુ તીવ્ર બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. ભારતે કહ્યું કે યુરોપિયન યુનિયન દ્વારા મણિપુર અંગેનો ઠરાવ તેની સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે.
આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સ મુલાકાતની કેટલીક તસ્વીરો ટ્વિટ કરી હતી. આ સિવાય પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત-ફ્રાંસની દોસ્તી આગળ વધતી રહે! આ સાથે પીએમ મોદીની ફ્રાન્સ પ્રવાસ દરમિયાન ભારતીય નવસેના દ્વારા આઈએનએસ વિક્રાંત માટે 26 રાફેલ-સમુદ્રી લડાકૂ વિમાનોની ખરીદીની સંપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી.