અમદાવાદ: ગરબા જોવા જતાં મહિલા કોર્પોરેટરના પરિવાર પર હુમલો અને છેડતી, સાઇડ આપવાના વિવાદમાં 3 આરોપી પકડાયા

Spread the love

ફતેવાડી કેનાલ પાસે વાહન હટાવવાની ક્ષુલ્લક બાબતે ઝઘડો થયો; વેજલપુર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓની અટકાયત કરી

અમદાવાદ:

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફતેવાડી કેનાલ પાસે એક અત્યંત શરમજનક અને ગંભીર ઘટના સામે આવી છે. શનિવાર (17 ઓક્ટોબર)ની રાત્રે ગરબા જોવા જઈ રહેલા મહિલા કોર્પોરેટર અને તેમના પરિવાર સાથે વાહન સાઇડ આપવાની બાબતમાં તકરાર થઈ હતી. આ મામલો એટલો વધી ગયો કે સામા પક્ષના યુવકોએ મહિલા કોર્પોરેટરના પરિવાર સાથે મારામારી કરી હતી અને કોર્પોરેટર સાથે છેડતી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે ફરિયાદ નોંધાતાં વેજલપુર પોલીસે ગુનો નોંધીને ત્વરિત 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ગૂગલ મેપના શોર્ટકટ રસ્તે બન્યો બનાવ

મળેલી માહિતી અનુસાર, ઈસનપુર વિસ્તારમાંથી મહિલા કોર્પોરેટર, તેમના પુત્ર, પુત્રના મિત્ર અને તેમની પત્ની રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે ગરબા જોવા માટે નીકળ્યા હતા. તેઓ ગૂગલ મેપ દ્વારા બતાવવામાં આવેલા ફતેવાડી કેનાલ વાળા શોર્ટકટ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા.

તે સમયે આગળ ચાલતા એક વાહનચાલક ફોન પર વાત કરી રહ્યો હતો અને સતત 2 થી 4 વખત હોર્ન મારવા છતાં રસ્તો આપતો ન હતો. આથી કોર્પોરેટરના પુત્રએ ગાડી ઊભી રાખીને વાહનચાલકને નીચે ઉતારી સાઇડ કેમ નથી આપતા તે અંગે પૂછપરછ કરી હતી. આ બાબતે ઉશ્કેરાયેલા યુવકે ગાળાગાળી શરૂ કરી દીધી હતી અને મારામારી કરી હતી. જોકે, તે સમયે આસપાસના લોકો એકઠા થઈ જતાં મામલો થાળે પડ્યો હતો અને પરિવાર આગળ રવાના થયો હતો.

રસ્તો રોકીને ધમકી અને છેડતીનો પ્રયાસ

પ્રાથમિક ઘર્ષણ બાદ, શોએબ શાહ ફકીર નામના યુવકે આગળ સરખેજ જવાના ટર્નિંગ પાસે ફરીથી મહિલા કોર્પોરેટરની ગાડીનો રસ્તો રોકી લીધો હતો. તેણે ફોન કરીને પોતાની સાસુ અને અન્ય બે મિત્રોને ઘટનાસ્થળે બોલાવી લીધા હતા. આરોપીઓએ ગાડી રોકીને ગાળો ભાંડવાનું અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું.

મામલો શાંત પાડવા માટે મહિલા કોર્પોરેટરે ગાડીનો કાચ ખોલી સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપી શોએબ શમાએ તેમનો હાથ પકડી બહાર ખેંચવાનો પ્રયત્ન કરી બિભત્સ ચેનચાળા કર્યા હતા. કોર્પોરેટરે તુરંત હાથ છોડાવી કાચ બંધ કરી દીધો હતો, જેથી આરોપીઓએ ગાડીનો કાચ તોડવા તેમજ દરવાજો ખોલવા માટે તોડફોડ કરી હતી અને સાઇડ મિરર પણ તોડી નાખ્યો હતો.

પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 3 આરોપી ઝડપ્યા

ઘટનાની ગંભીરતા જોઈ મહિલા કોર્પોરેટરે તાત્કાલિક Emergency Helpline 112 પર કૉલ કર્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પીડિત પરિવારે વેજલપુર પોલીસ સ્ટેશન પહોંચીને તમામ વિગતો સાથે લેખિત ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે મુખ્ય આરોપી શોએબ શાહ ફકીર અને તેના અન્ય બે સાથીદારો સામે ગુનો નોંધી રાત્રે જ બાતમીદારોના આધારે ત્રણેયની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓનો અગાઉ કોઈ ગુનાહિત ભૂતકાળ (Criminal Background) છે કે નહીં તે અંગે પણ વેજલપુર પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *