અમદાવાદ: ગૂગલ AIથી બોગસ ટિકિટ બનાવી રેલવેમાં મુસાફરી કરવાનું રેકેટ ઝડપાયું, CTIની સતર્કતાથી ભાંડો ફૂટ્યો

Spread the love

11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસમાં તપાસ દરમિયાન કૌભાંડ પ્રકાશમાં આવ્યું; રેલવે પોલીસે ગોંડલથી મુખ્ય સૂત્રધાર સહિત ૩ આરોપીઓને દબોચ્યા

અમદાવાદ:

પશ્ચિમ રેલવેના ટિકિટ ચેકિંગ સ્ટાફની તીક્ષ્ણ સતર્કતાને કારણે અમદાવાદમાં ગૂગલ AI (Google AI) એપ્લિકેશનના ઉપયોગથી બનાવટી (બોગસ) રેલવે ટિકિટો બનાવી મુસાફરી કરવાના એક આશ્ચર્યજનક ષડયંત્રનો ખુલાસો થયો છે. રેલવે તંત્ર અને રેલવે પોલીસ દ્વારા તાત્કાલિક સંયુક્ત કાર્યવાહી કરીને નકલી ટિકિટ પર પ્રવાસ કરતા બે મુસાફરો તથા આ બોગસ ટિકિટો તૈયાર કરી આપનાર મુખ્ય સૂત્રધાર મળી કુલ ત્રણ શખસોની ધરપકડ કરી તેઓને જેલહવાલે કરવામાં આવ્યા છે.

ટ્રેનમાં સીટીઆઈ (CTI) ની તપાસ દરમિયાન ફૂટ્યો ભાંડો

આ બનાવની મળતી વિગતો અનુસાર, ગત ૧૫ ઓક્ટોબરના રોજ ટ્રેન નંબર ૧૧૪૬૩ વેરાવળ–જબલપુર એક્સપ્રેસ વાંકાનેર જંક્શન સ્ટેશનેથી ઉપડી હતી. આ દરમિયાન ડ્યુટી પર તૈનાત ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર (CTI) નિયમિત ચેકિંગ કરી રહ્યા હતા. કોચ H-1 અને S-1 ના કોરિડોરમાં ઉભેલા બે શંકાસ્પદ મુસાફરો પાસે ટિકિટ માગવામાં આવતા, તેઓએ પોતાના મોબાઈલ સ્ક્રીન પર માસિક સીઝન ટિકિટ (MST) અને સામાન્ય મુસાફરી ટિકિટ દર્શાવી હતી.

જોકે, ટિકિટમાં દર્શાવેલ ભારત સરકારનું નામ, ભારતીય રેલવેનો સત્તાવાર લોગો તેમજ સિક્કાઓ શંકાસ્પદ જણાતાં CTIને કૌભાંડ હોવાની શંકા ગઈ હતી. તેમણે સમયસૂચકતા વાપરી તુરંત કમર્શિયલ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ટ્રેન સુરેન્દ્રનગર સ્ટેશને પહોંચતા જ બંને મુસાફરોને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના હવાલે કરી દેવાયા હતા.

ગૂગલ AI નો ઉપયોગ કરી વોટ્સએપ પર ટિકિટ મોકલી હતી

આ મામલે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ (BNS) ની કલમ- ૩૩૬(૩), ૩૪૦(૨) અને ૫૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ સર્વેલન્સ ટીમની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. પકડાયેલા મુસાફરોની નકલી ટિકિટ ગોંડલના રહેવાસી ‘મનમોહન’ નામના શખસે ગૂગલ AI એપ્લિકેશન વડે એડિટ કરીને બનાવી હતી. ત્યારબાદ તેણે પોતાના મોબાઈલથી વોટ્સએપ (WhatsApp) મારફતે તેના મિત્રને મોકલી આપી હતી, જેનો ઉપયોગ મુસાફરી માટે થઈ રહ્યો હતો.

મુખ્ય કાવતરાખોર ગોંડલથી ઝડપાયો

રાજકોટ રેલવે પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર મનમોહનને ગોંડલ ખાતેથી ઝડપી પાડ્યો હતો. રેલવે પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટના બાદ રેલવે તંત્રે મુસાફરોને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને સત્તાવાર માધ્યમોથી જ ટિકિટ ખરીદવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *