નવરાત્રિના અંતિમ ચરણમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આફત: નવમા નોરતે ખેલૈયાઓની ચિંતા વધી, દ્વારકામાં ધોધમાર વરસાદથી પાકને નુકસાનની ભીતિ

Spread the love
  • હવામાન વિભાગની આગાહી મુજબ આજે 7 અને આવતીકાલે 4 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા.
  • દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં આસો મહિનામાં આષાઢ જેવો માહોલ, અડધો કલાકમાં દોઢ ઈંચ સુધી વરસાદ વરસ્યો.

અમદાવાદ

ગુજરાતમાં હાલ નવરાત્રિનો ઉત્સાહ પૂરબહારમાં ખીલ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહીએ ખેલૈયાઓ અને ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે. તારીખ 18 અને 19 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આજે 7 જિલ્લામાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે (૧૮ ઓક્ટોબર) રાજ્યના ૭ જિલ્લાઓમાં વાતાવરણ પલટાઈ શકે છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.

નવમા નોરતે પણ માવઠાની શક્યતા નવરાત્રિના નવમા નોરતે એટલે કે આવતીકાલે સોમવારે (૧૯ ઓક્ટોબર) પણ માવઠાનો દોર યથાવત રહેવાની ધારણા છે. હવામાન વિભાગના મતે અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી શકે છે, જેના કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

દ્વારકાના ભાણવડમાં તોફાની વરસાદથી આશાઢ જેવો માહોલ આ આગાહી વચ્ચે ગઈકાલે ૧૭ ઓક્ટોબરની સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં અચાનક વાતાવરણ બદલાતા તોફાની વરસાદ ત્રાટક્યો હતો. ભાણવડના ગુંદા, સાજડિયારી, સણખલા, કાટકોલા અને અડવાણા સહિતના ગામોમાં ભારે પવન સાથે આશરે અડધા કલાકમાં દોઢ ઈંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો હતો. અચાનક આવેલા આ વરસાદથી આસો મહિનામાં જાણે આષાઢ જેવો માહોલ સર્જાયો હતો અને રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા.

ખેડૂતોની ચિંતા વધી એક તરફ જ્યાં નવરાત્રિની ઉજવણીમાં વિઘ્ન પડવાની આશંકા છે, તો બીજી તરફ આ કમોસમી વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલી મગફળી અને અન્ય ઉભા પાકને મોટાપાયે નુકસાન જવાની દહેશત સેવાઈ રહી છે. અચાનક આવેલા આ વરસાદના વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *