બંને દેશોની સરકારો વચ્ચે ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવા માટે પણ ચર્ચા થઈ રહી છે, જેથી યુપીઆઈ અને અન્ય સમાન સંસાધનોનો ઉપયોગ કરી શકાય
નવી દિલ્હી
તાજેતરમાં, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સાથે સ્થાનિક ચલણમાં વેપાર અંગેની ડીલ બાદ હવે ભારત અને ઈન્ડોનેશિયા સાથે આવો જ કરાર કરવાની તૈયારી કરી રહ્યો છે. બંને દેશો રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ અને સ્થાનિક ચલણમાં વેપાર કરવા માટે એકબીજા સાથે વાટાઘાટો કરી રહ્યા છે અને સારા સમાચાર ટૂંક સમયમાં આવી શકે છે.
એક અહેવાલ મુજબ, બંને દેશોની સરકારો વચ્ચે ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવા માટે પણ ચર્ચા થઈ રહી છે, જેથી યુપીઆઈઅને અન્ય સમાન સંસાધનોનો ઉપયોગ કરી શકાય. ભારત-ઇન્ડોનેશિયા આર્થિક અને નાણાકીય સંવાદ, જે રવિવાર (15 મે) ના રોજ ગુજરાતના ગાંધીનગરમાં શરૂ થયો હતો, જેમાં દ્વિપક્ષીય વેપાર અને રોકાણ વધારવા, નાણાકીય સેવાઓ અને માળખાકીય સુવિધાઓના વિકાસ વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
વાટાઘાટોની શરૂઆતની ઘોષણા કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, “ભારતે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કુશળતા વિકસાવી છે તેથી તે અનુકૂળ અને સસ્તું ડિજિટલ ચૂકવણી માટે ઉકેલો પ્રદાન કરી શકે છે. સમાવેશના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરી શકે છે.”
મીટિંગ માટે ભારત પહોંચેલા ઈન્ડોનેશિયાના નાણા મંત્રી મિલ્યાની ઈન્દ્રાવતીએ કહ્યું કે, બંને દેશો ડિજિટલ ટેક્નોલોજી, સેન્ટ્રલ બેંકો હેઠળની પેમેન્ટ સિસ્ટમ અને સ્થાનિક ચલણના ઉપયોગમાં સહયોગની શક્યતાઓ પર ચર્ચા કરશે. અહેવાલ અનુસાર, ઈન્ડોનેશિયા સાથેની મુદ્રા વ્યવસ્થા યુએઈ જેવી જ હોઈ શકે છે. એટલે કે, ભારતીય નિકાસકારો ઇન્ડોનેશિયન રૂપિયામાં વેપાર કરી શકે છે, જ્યારે ઇન્ડોનેશિયા તેની ચુકવણી ભારતીય રૂપિયામાં મેળવી શકે છે.