ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી, બ્રિજ પર અકસ્માતની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો
અમદાવાદ
શહેરના ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટનાથી સૌ કોઈ હચમચી ગયું છે. ત્યારે બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો ત્યાં ફરી ગણતરીના કલાકોમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. ઈસ્કોન બ્રિજ પર આજે સવારે ફરીથી અકસ્માત સર્જાયો હતો અને એક પછી એક એમ ચાર જેટલી કાર અથડાઈ હતી. જોકે અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઈને ગંભીર ઈજાઓ પહોંચી નહોતી. તમામ ચાલકોને આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. બ્રિજ પર અકસ્માતની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક સાથે લાઈનમાં ચાર કાર વચ્ચે ટક્કર બાદ નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. જ્યારે કારની બાજુમાં લોકો ઊભેલા દેખાય છે. અકસ્માતનો આ વીડિયો પણ ઈસ્કોન બ્રિજનો જ હોવાનું કહેવાઈ રહ્યું છે.
ગત મોડી રાત્રે એક થાર ગાડી ડમ્પર પાછળ ઘુસી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાની કોઈ વિગતો નથી. પરંતું આ અકસ્માત જોવા માટે ઉભા રહેલા ટોળાને ફૂલ સ્પીડે આવી રહેલી એક જગુઆર કારે અડફેટે લીધું હતું. જેમાં 9 લોકોના મોત થયાં છે અને સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયાં છે. હવે આ બ્રિજ પર ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં કોઈ કારણોસર એક સાથે ચાર ગાડીઓ અથડાઈ હતી. જેમાં ગાડીઓને નુકસાન થયાના અહેવાલ છે. પરંતુ આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
અકસ્માત સર્જનાર તથ્ય પટેલના પિતાનું નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે કહ્યું કે જેગુઆર કારમાં અન્ય 5 લોકો હતા તેમજ મારો દીકરો લોહીલુહાણ હાલતમાં હતો જેને મે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. તથ્યના પિતાએ વધુમાં જણાવ્યુ હતું કે તથ્ય તેના મિત્રો સાથે રાત્રે 11 વાગ્યે કેફેમાં ગયો હતો. આ ઉપરાંત જેગુઆર કાર ભાગીદાર નામે નોંધાયેલી છે તેમ જણાવ્યુ હતું.
અકસ્માતની ઘટના અંગે તથ્ય પટેલના વકીલે કહ્યું હતું કે અકસ્માતની ઘટના અજાણતા થતી ઘટના છે. આ ઘટનાસ્થળે પહેલા ટ્રક અને થારનો અકસ્માત થયો હતો તેને હટાવવા માટે કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા અને બેરિયર પણ મૂકાયા ન હતા. વકિલે વધુમાં કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ અકસ્માત કરવાના ઈરાદે ઘરેથી નથી નીકળતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કારની સ્પીડ 160ની નહતી કે કાર ઓવરસ્પીડ પણ ન હતી. અકસ્માત જ્યા થયો હતો ત્યા લોકોનું ટોળું ભેગું થયુ હતું. અમે કાયદાનું પાલન કરીશું અને સાચું હશે સામે આવી જશે.