અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગના પ્રમુખ રબ્બી અબ્રાહમ કુપરે ભારત સામે ઝેર ઓક્યું
નવી દિલ્હી
પીએમ મોદીની અમેરિકા યાત્રા બાદ બંને દેશો એક બીજા સાથેના સબંધો મજબૂત થઈ રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે પણ અમેરિકાની સંસ્થાઓ ભારત સામે ઝેરીલા નિવેદનો આપવામાંથી બાજ આવી રહી નથી.
અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગના પ્રમુખ રબ્બી અબ્રાહમ કુપરે ભારત સામે ઝેર ઓકતા કહ્યુ છે કે, ભારતમાં ધાર્મિક ભેદભાવ ભયાનક સ્તરે પહોંચી ચુકયો છે. આ પ્રકારનો ભેદભાવ રાષ્ટ્રીય ગૌરવનો વિષય ના બનવા જોઈએ. જો ભારતમાં સ્થિતિ નહીં સુધરી તો ભારતે અમેરિકાના પ્રતિબંધો ઝેલવા માટે તૈયાર રહેવુ પડશે.
રબ્બી કૂપરે અમેરિકન સાંસદોને સંબોધન કરતા કહ્યુ હતુ કે, ભારતે પોતાનો રસ્તો બદલવો પડશે. કારણકે સ્થિતિ ખરાબ થઈ રહી છે.ભારતને અમેરિકન સરકારે સિરિયા, નાઈજિરિયા, વિયેતનામ જેવા વિશેષ ચિંતાવાળા દેશોના લિસ્ટમાં મુકવુ જોઈએ. આ તમામ દેશોમાં ધાર્મિક સ્વતંત્રતાની હાલત સારી નથી.
આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે તો ધાર્મિક ભેદભાવ કરતી એજન્સીઓ અને તેના અધિકારીઓ પર અમેરિકામાં આવવા પર પ્રતિબંધ મુકવાની તથા આર્થિક પ્રતિબંધો મુકવાની પણ માંગણી કરી છે. કૂપરે કહ્યુ હતુ કે, પીએમ મોદીની અમેરિકાની મુલાકાત પૂરી થઈ ગઈ છે અને અમને આશા છે કે, અમેરિકન સરકાર ભારતની ગંભીર સ્થિતિની સમીક્ષા કરશે.
આ પહેલા પણ પીએમ મોદીને અમેરિકાની યાત્રા દરમિયાન ભારતમાં થતા ધાર્મિક ભેદભાવ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો અને તે વખતે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભારતમાં સંવિધાન પ્રમાણે શાસન ચાલે છે અને કોઈ પ્રકારના ભેદભાવ માટે જગ્યા નથી.