ગરમીમાં અત્યાર સુધી નવા દર્દીઓનો દર 2022થી વધુ થઈ ગયો છે, સૌથી વધુ વૃદ્ધો અને બાળકો આ ગરમીને લીધે તકલીફમાં છે જેમાંથી અનેક લોકો અસંતુલિત થઈને ઢળી પડ્યા હતા
વોશિંગ્ટન
અમેરિકામાં લાંબા સમયથી ચાલી રહેલી ગરમીના દોરને કારણે ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. આ લોકો ગરમ સપાટી કે વસ્તુઓને સ્પર્શવાને લીધે ઘાયલ થયા હતા. અહેવાલ અનુસાર એરિઝોનામાં ડૉક્ટરોએ કહ્યું કે આગ ઝરતી ગરમીના કારણે ગરમ થઈ ચૂકેલા ડામર પડી જતાં પણ અમુક દર્દીઓ ઘવાયા હતા.
રિસર્ચમાં જાણ થઈ કે ફક્ત અમુક જ સેકન્ડ માટે ધાતુ કે ડામરને સ્પર્શ કરવાથી ગંભીર બળતરાની સમસ્યા થઈ રહી છે. એરિઝોનાની રાજધાની ફિનિક્સમાં સતત 24 દિવસથી રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. અહીં તાપમાન 43 ડિગ્રીએ પહોંચી ગયું છે. આ 1974માં સર્જાયેલા 18 દિવસના રેકોર્ડથી પણ વધુ છે.
એરિઝોના બર્ન સેન્ટરના કેવિન ફોસ્ટરે જણાવ્યું કે હાલમાં હોસ્પિટલમાં તમામ બેડ ફૂલ થઈ ગયા છે. તેમાંથી લગભગ એક તૃતીયાંશ દર્દી કોન્ક્રિટ અને ડામરની સપાટીના સંપર્કમાં આવતા દાઝી ગયા હતા. તેમણે કહ્યું કે આ ગરમીમાં અત્યાર સુધી નવા દર્દીઓનો દર 2022થી વધુ થઈ ગયો છે. સૌથી વધુ વૃદ્ધો અને બાળકો આ ગરમીને લીધે તકલીફમાં છે જેમાંથી અનેક લોકો અસંતુલિત થઈને ઢળી પડ્યા હતા. નશો કરનારા લોકોની હાલત પણ દયનીય થઈ ગઈ છે. હવે જુલાઈ પૃથ્વી પર સૌથી વધુ ગરમ મહિનો તરફ બનવા અગ્રેસર છે.
હાલમાં એવા 150 જેટલા દર્દીઓની પણ સારવાર ચાલી રહી છે જેમને હોસ્પિટલમાં ખસેડાયા નથી. મેરિકોપા કાઉન્ટીમાં 18 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. તેમના મોત ગરમીને કારણે થયા હોવાની પુષ્ટી થઈ છે. જ્યારે 69 મૃત્યુના કેસની હજુ તપાસ ચાલી રહી છે.