પેટાઃ આ ડીલ થશે તો તે દુનિયામાં અત્યાર સુધીનું સૌથી મોટી ટ્રાન્સફર બની જશે
પેરિસ
ફ્રેન્ચ સ્ટાર ફૂટબોલર કિલિયન એમ્બાપ્પેનો તેની સ્થાનિક ક્લબ પેરિસ સેન્ટ જર્મન સાથેનો કરાર વર્ષ 2024માં સમાપ્ત થવાનો છે અને હવે આ યુવા સ્ટ્રાઈકર નવી ક્લબની શોધમાં છે. પીએસજીએ તેને નવી ટીમ શોધવાનો આદેશ પણ આપ્યો છે. એમ્બાપ્પેની જાપાન પ્રવાસ માટે પણ પસંદગી કરવામાં આવી ન હતી. ક્લબે તેને વેચવાનો નિર્ણય લીધો છે. તે હવે ટ્રાન્સફર માર્કેટમાં ઉપલબ્ધ છે. આ દરમિયાન સાઉદી અરેબિયાના ક્લબ અલ હિલાલે એમ્બાપ્પેને ખરીદવા માટે તેની તિજોરી ખોલી દીધી છે. અલ હિલાલે 300 મિલિયન યુરો એટલે લગભગ 2725 કરોડ રૂપિયાની ઓફર આપી છે. જો આ ડીલ થશે તો તે દુનિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રાન્સફર બની જશે.
એમ્બાપ્પે તાજેતરમાં ક્લબને એક પત્ર લખીને જણાવ્યું હતું કે તે જૂન 2024 પછી કરારને લંબાવશે નહીં. આ નિર્ણયથી નિરાશ પીએસજીએ તેને આ સિઝનમાં વેચવાનો નિર્ણય કર્યો છે. સાઉદી અરેબિયન ક્લબ અલ હિલાલે એમ્બાપ્પેને સાઇન કરવા માટે ઘણી મોટી રકમની ઓફર કરી છે. હવે એમ્બાપ્પે અને પીએસજીએ આ અંગે અંતિમ નિર્ણય લેવાનો છે.
પીએસજી કોઈપણ સંજોગોમાં એમ્બાપ્પેને ફ્રી એજન્ટ તરીકે જવા દેવા માંગતું નથી. તેણે અન્ય ક્લબોમાંથી એમ્બાપ્પે માટે બિડ આમંત્રિત કર્યા છે. મળેલા અહેવાલો અનુસાર એમ્બાપ્પે રિયલ મેડ્રિડ સાથે ફ્રી ટ્રાન્સફર માટે સંમત થયો છે. આ સ્થિતિમાં પીએસજી છેતરાયાનો અહેસાસ કરી રહી છે.
એમ્બાપ્પેને ખરીદવા માટે અન્ય ક્લબો વચ્ચે રેસ જોવા મળી રહી છે. ઈંગ્લેન્ડની ટોટેનહામ, ચેલ્સી, માન્ચેસ્ટર યુનાઈટેડ, સ્પેનની રિયલ મેડ્રિડ અને બાર્સેલોના પણ આ રેસમાં સામેલ છે.